CSK vs LSG : ધોનીએ ટૂંકી ઇનિંગ્સમાં પૂરો કર્યો ૫૦૦૦મો રન

04 April, 2023 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગાયકવાડ-કૉન્વેની ફાસ્ટેસ્ટ પાર્ટનરશિપ : સીઝનનો હાઇએસ્ટ સ્કોર હવે ચેન્નઈના નામે

મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈમાં હોમગ્રાઉન્ડ ચેપૉકમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ગઈ કાલે ચાર વર્ષે પાછી રમવા આવી અને બૅટિંગ મળતાં જ ધોની ઍન્ડ કંપનીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચના એ દિવસને યાદગાર બનાવી દીધો હતો. ઇન્ફૉર્મ બૅટર ઋતુરાજ ગાયકવાડ (૫૭ રન, ૩૧ બૉલ, ચાર સિક્સર, ત્રણ સિક્સર) અને ડેવોન કૉન્વે (૪૭ રન, ૨૯ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચે ૧૧૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આઇપીએલની ફાસ્ટેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ્સમાં આ પાંચમા નંબરે છે. તેમણે ૭.૬ ઓવરમાં ૧૦૦ રનની ભાગીદારી પૂરી કરી હતી. ક્રિસ લીન અને સુનીલ નારાયણ વચ્ચેની બૅન્ગલોર સામેની માત્ર ૫.૬ ઓવરમાં બનેલી ૧૦૦ રનની ભાગીદારી આ લિસ્ટમાં મોખરે છે.

બન્ને ઓપનર્સે પહેલી ૬ ઓવર (પાવરપ્લે)માં ૭૯ રન બનાવ્યા હતા, જે ચેપૉકમાં અત્યાર સુધીનો પાવરપ્લેની ૬ ઓવરમાં બનેલા હાઇએસ્ટ રનનો રેકૉર્ડ છે. અગાઉ ચેન્નઈએ જ કલકત્તા સામે પાવરપ્લેમાં જે ૭૫ રન બનાવ્યા હતા એ અત્યાર સુધીનો ચેપૉકમાં વિક્રમ હતો.

ચેન્નઈએ ગઈ કાલે આ સીઝનનું હાઇએસ્ટ ટોટલ (૨૧૭/૭) નોંધાવ્યું એમાં કૅપ્ટન ધોની (૧૨ રન, ત્રણ બૉલ, બે સિક્સર)નું બહુ નાનું યોગદાન હતું, પરંતુ તેણે બે સિક્સર મારીને પ્રેક્ષકોની ડિમાન્ડ પૂરી કરી હતી. બીજું, ધોની આઇપીએલમાં ૫૦૦૦ રન પૂરા કરનારો પાંચમો ખેલાડી બન્યો છે. આ પહેલાં, કોહલી તેમ જ ધવન, રોહિત અને રૈનાએ ૫૦૦૦ રન પૂરા કર્યા હતા.

ગઈ કાલે ચેન્નઈ સામે લખનઉના બોલર્સમાં રવિ બિશ્નોઈ અને માર્ક વુડે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલે ચાર છગ્ગા ફટકાર્યા હતા અને એમાંના પાંચમી ઓવરના એક શૉટમાં બૉલ મેદાનની બહાર ઊભી રાખવામાં આવેલી સ્પૉન્સરની કારને વાગતાં એને નુકસાન થયું હતું.

11
ચેન્નઈના તુષાર દેશપાંડેની એક ઓવરમાં કુલ આટલા બૉલ ફેંકાયા હતા. નો બૉલ તથા વાઇડની ભરમારને લીધે સતત બીજા દિવસે સૌથી લાંબી ઓવરનો વિક્રમ નોંધાયો.

ચેન્નઈની મૅચ દરમ્યાન ગઈ કાલે સીએસકેની ઇનિંગ્સ દરમ્યાન ડૉગ મેદાનમાં દોડી આવતાં થોડીક ક્ષણો માટે રમત અટકી હતી. તસવીર પી. ટી. આઇ.

કે. એલ. રાહુલની વાઇડ સામે દલીલ

ચેન્નઈની ઇનિંગ્સમાં અમ્પાયરે વાઇડ બૉલ આપતાં વિરોધ નોંધાવી રહેલો લખનઉની ટીમનો કૅપ્ટન કે. એલ. રાહુલ. અવેશ ખાનનો બૉલ સ્ટમ્પ્સથી ખૂબ દૂર હોવાથી અને પૂરન કલેક્ટ ન કરી શકતાં ફોર ગઈ અને ચેન્નઈને પાંચ રન મળ્યા હતા. રાહુલના મતે બૉલ બૅટરના પૅડને વાગીને ગયો હતો. તેણે રિવ્યુ માગ્યો હતો, પણ એમાં તેને સફળતા નહોતી મળી.

sports news sports ipl 2023 ms dhoni mahendra singh dhoni kl rahul chennai super kings lucknow super giants indian premier league