03 April, 2023 11:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન શરૂ કરતાં પહેલાં ધોની. અને રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે પ્રૅક્ટિસ શરૂ કરતાં પહેલાં સાથીઓને માર્ગદર્શન આપ્યું હતું. તસવીર પી. ટી. આઇ.
અમદાવાદમાં શુક્રવારે આઇપીએલની નવી સીઝનના પહેલા જ દિવસે ગુજરાત ટાઇટન્સ સામેના રોમાંચક મુકાબલામાં પાંચ વિકેટે હારી ગયા પછી હવે આજે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હોમ ગ્રાઉન્ડ એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં કેમેય કરીને જીતવા મક્કમ છે. બીજી તરફ, આજની એની હરીફ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ શનિવારે દિલ્હી કૅપિટલ્સને ૫૦ રનથી હરાવીને સતત બીજા વિજયની તલાશમાં છે.
ચેપૉક તરીકે જાણીતા આ ગ્રાઉન્ડ પર ચેન્નઈની ટીમ ચાર વર્ષે પાછી રમવા આવી રહી હોવાથી કૅપ્ટન ધોની મેદાનમાં ઊતરશે કે તરત હજારો પ્રેક્ષકો તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેશે. શુક્રવારે ઋતુરાજ ગાયકવાડના ૯૨ રન છતાં ચેન્નઈએ છેવટે પરાજય જોવો પડ્યો હતો. ૧૮.૫૦ કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવવાળા સૅમ કરૅને પંજાબને કલકત્તા સામે જિતાડ્યું ત્યાર પછી હવે ૧૬.૨૫ કરોડ રૂપિયાવાળો બેન સ્ટોક્સ ચેન્નઈને જિતાડવા કોઈ કસર નહીં છોડે.
ચેન્નઈનો ડેવૉન કોન્વે પહેલી જ વાર ચેપૉકમાં રમશે અને સ્પિન બોલિંગ સામે આઇપીએલમાં તેનો રેકૉર્ડ સારો (૨૩ બૉલમાં ૫૩ રન) હોવાથી આજે ધોની ઍન્ડ કંપનીને તેની પાસે ઘણી અપેક્ષા હશે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરની ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડેમાં ચેન્નઈમાં ૧૮માંથી ૧૧ વિકેટ સ્પિનર્સે લીધી હતી.