10 May, 2023 11:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
આઇપીએલમાં આજે ઘરઆંગણે નંબર-ટૂ ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા ક્રમાંકની દિલ્હી કૅપિટલ્સ સામે ટકરાશે. પૉઇન્ટ ટેબલ પર દિલ્હી છેલ્લા ક્રમાંકે છે, પણ એ ખરાબ શરૂઆત કર્યા બાદ છેલ્લી પાંચમાંથી ચારમાં વિજય મેળવીને લય મેળવી રહી છે અને ટૉપની ટીમની બાજી બગાડી રહી છે. બીજી તરફ ચેન્નઈ હાલમાં ૧૩ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે, પણ એણે છેલ્લી ૪ મૅચમાંથી ફક્ત એકમાં જ વિજય મેળવ્યો છે. રાજસ્થાન અને પંજાબ સામે હાર જોવી પડી છે અને લખનઉ સામેની મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી. જોકે છેલ્લી મૅચમાં મુંબઈ સામે શાનદાર જીત મેળવીને ફરી વિજયલય મેળવી લીધો છે.
સોમવાર રાતે કલકત્તાની પંજાબ સામેની શાનદાર જીતને લીધે પ્લે-ઑફની રેસ હવે વધુ રસપ્રદ બની છે અને દસેદસ ટીમ માટે દરવાજા ખુલ્લા થઈ ગયા હોવાથી દરેક મૅચ ખૂબ મહત્ત્વની બની ગઈ છે.
ચેન્નઈના ટૉપ ઑર્ડર બૅટર્સ ડેવોન કૉન્વે (૪૫૭), ઋતુરાજ ગાયકવાડ (૨૯૨) અને અજિંક્ય રહાણે (૨૪૫ રન)નો પર્ફોર્મન્સ શાનદાર રહ્યો છે. જોકે મિડલ ઑર્ડર હજી સુધી કમાલ નથી કરી શક્યો. અનુભવી અંબાતી રાયુડુ (૧૧ મૅચમાં ૯૫ રન), રવીન્દ્ર જાડેજા (૧૧ મૅચમાં ૯૨ રન) સ્ટ્રગલ કરી રહ્યા છે. બિગ હિટર શિવમ દુબે (૯ ઇનિંગ્સમાં ૨૯૦ રન) આ બન્નેની નિષ્ફળતાને ઢાંકી રહ્યો છે. બોલર્સમાં મુંબઈકર તુષાર દેશપાંડેએ હાઇએસ્ટ ૧૯ વિકેટ લીધી છે, પણ તેનો ૧૦.૩૩નો ઇકૉનૉમી રેટ ચિંતાજનક છે. જાડેજા અને મથીસા પથિરાના યોગ્ય સમયે ટીમને બ્રેક-થ્રૂ અપાવી રહ્યા છે અને આજે દિલ્હી સામે પણ તેમનો રોલ મહત્ત્વનો બની રહેશે.
બીજી તરફ દિલ્હી ઓપનરોના ફૉર્મને લીધે ચિંતાતુર છે. પૃથ્વી શૉને નબળા પર્ફોર્મન્સને લીધે ડ્રૉપ કરવો પડ્યો છે અને કૅપ્ટન ડેવિડ વૉર્નર તેનો અસલી ટચ નથી બતાવી શક્યો. જોકે છેલ્લી મૅચમાં ફિલ સૉલ્ટની શાનદાર ઇનિંગ્સને લીધે દિલ્હીએ રાહતનો શ્વાસ લીધો હતો. મિચલ માર્શના ઑલરાઉન્ડ શોને લીધે જ દિલ્હીની પ્લે-ઑફની દાવેદારી જીવંત થઈ છે. હવે અન્ય બૅટર્સે પણ આજે જાગવું પડશે. બોલરોમાં અનુભવી ઇશાન્ત શર્માએ બધાને ચોંકાવી દીધા છે.
અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને માર્શે આજે ચેન્નઈના ઇન-ફૉર્મ ટૉપ ઑર્ડરને કાબૂમાં રાખવા મહત્ત્વનો રોલ ભજવવો પડશે. પર્સનલ કારણસર સાઉથ આફ્રિકા પાછો ફરનાર ઍન્રિચ નૉર્કિયા છેલ્લી મૅચમાં નહોતો રમ્યો અને આજે પણ ઉપલબ્ધ નહીં હોય. જોકે એની કમી દિલ્હીને સાલશે.