12 May, 2023 10:35 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
શિવમ દુબે
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બુધવારે ચેન્નઈમાં દિલ્હી કૅપિટલ્સ સામે જીતીને સાતમા વિજય સાથે નંબર-ટૂ થઈ ગઈ હતી અને એ જીતમાં મૅન ઑફ ધ મૅચ રવીન્દ્ર જાડેજા (૨૧ રન, ૧૬ બૉલ, એક સિક્સર, એક ફોર અને ૧૯ રનમાં એક વિકેટ) તેમ જ કૅપ્ટન ધોની (૯ બૉલમાં બે સિક્સર, એક ફોર સાથે ૨૦ રન), રાયુડુ (૧૭ બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે ૨૩ રન) તેમ જ ઋતુરાજ ગાયકવાડ (૧૮ બૉલમાં ૨૪ રન) ઉપરાંત ખાસ કરીને બૅટર શિવમ દુબે (પચીસ રન, ૧૨ બૉલ, ત્રણ સિક્સર)નું યોગદાન હતું, જેમાં ચેન્નઈના ઑલરાઉન્ડર મોઇન અલીએ દુબેની ટૂંકી ઇનિંગ્સનાં ખૂબ વખાણ કર્યાં છે.
દુબેએ ત્રણમાંથી પહેલી સિક્સર અક્ષર પટેલની ઓવરમાં તેમ જ બીજી બે સિક્સર લલિત યાદવની ઓવરમાં (બે બૉલમાં) ફટકારી હતી. ચેન્નઈએ ૮ વિકેટે ૧૬૭ રન બનાવ્યા પછી દિલ્હીની ટીમ ૮ વિકેટે ૧૪૦ રન બનાવી શકી હતી અને ચેન્નઈનો ૨૭ રને વિજય થયો હતો. એમાં રિલી રોસોઉના સૌથી વધુ ૩૫ રન હતા. કૅપ્ટન વૉર્નરનો ઝીરો હતો, પરંતુ મનીષ પાન્ડેએ ૨૭ રન, અક્ષર પટેલે ૨૧ રન અને ફિલ સૉલ્ટે ૧૭ રન બનાવ્યા હતા. ચેન્નઈના બોલર્સમાં ઇમ્પૅક્ટ પ્લેયર મથીશા પથિરાનાએ ૩૭ રનમાં ત્રણ અને દીપક ચાહરે ૨૮ રનમાં બે વિકેટ લીધી હતી.
મોઇને કહ્યું કે ‘અમારું સ્ટાર્ટ ઘણું સારું હતું, પણ નાના સ્કોરમાં બે-ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે શિવમ દુબેની ત્રણ સિક્સરે મૅચમાં વળાંક લાવી દીધો હતો. ત્યાર બાદ ધોનીએ બે સિક્સર સાથે રન રન બનાવ્યા અને ટીમને ૧૬૫-પ્લસનો સન્માનજનક સ્કોર મળ્યો હતો. અમે ૧૬૭ રનના સાધારણ સ્કોરને ડિફેન્ડ કર્યો એ જોતાં હું સીઝનની શ્રેષ્ઠ જીતમાં આ મૅચના વિજયને પણ ગણું છું.’
ઇનિંગ્સની મધ્યમાં અમારા બૅટર્સના ૩૪ જેટલા ડૉટ-બૉલ્સ હતા અને એટલે જ અમે સીઝનમાં સાતમી વાર પરાજિત થયા. આટલા બધા ડૉટ-બૉલ્સ હોય તો ક્યારેય જીતી ન શકાય. રિકી પૉન્ટિંગ, (દિલ્હી કૅપિટલ્સના હેડ-કોચ)