09 May, 2023 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડેમાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મુંબઈના મેન્ટર સચિન સાથે હળવી પળો માણી રહેલો વિરાટ કોહલી. તસવીર આશિષ રાજે
આઇપીએલનાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ ઇન્ડિયન્સ અને એક પણ ટ્રોફી ન જીતી શકનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે આજે વાનખેડે સ્ટેડિયમમાં જે જંગ છે એ બન્ને માટે ખૂબ અગત્યનો છે, કારણ કે પાંચમા નંબરના બૅન્ગલોરે અને છઠ્ઠા ક્રમના મુંબઈએ પ્લે-ઑફમાં પહોંચવાના હેતુસર ટૉપ-ફોરમાં આવવા કમર કસવાની છે.
સતત બીજી સીઝનમાં કૅપ્ટન રોહિત શર્મા અસરહીન રહ્યો છે. ૧૦ મૅચમાં તેના કુલ માત્ર ૧૮૪ રન છે અને છેલ્લી ચાર ઇનિંગ્સમાં મળીને તેણે માત્ર પાંચ રન બનાવ્યા છે. બૅટિંગમાં મુંબઈનો મદાર ખાસ કરીને કિશન, સૂર્યકુમાર, તિલક વર્મા, ટિમ ડેવિડ અને કૅમેરન ગ્રીન પર રહ્યો છે. ચેન્નઈ સામે ન રમનાર તિલક ઈજામુક્ત થયો છે કે નહીં એ ગઈ કાલે અસ્પષ્ટ હતું.
રણમેદાન બની શકે રનમેદાન
બૅન્ગલોરનું પણ મુંબઈ જેવું જ છે. વિરાટ કોહલી, ફૅફ ડુ પ્લેસી અને ગ્લેન મૅક્સવેલની ત્રિપુટી જ શરૂઆતથી બૅન્ગલોરની બૅટિંગમાં કેન્દ્રસ્થાને રહ્યા છે એટલે તેમના પર જ ટીમનો સૌથી વધુ આધાર છે. જે કંઈ હોય, પણ હાઇ-સ્કોરિંગ વાનખેડેમાં આજે રણમેદાન રનમેદાનમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં લાગે.
સિરાજ સામે સૂર્યકુમારનો સારો રેકૉર્ડ
મુંબઈના પીયૂષ ચાવલાનો બૅન્ગલોરના કૅપ્ટન ડુ પ્લેસી સામે સારો રેકૉર્ડ છે, જ્યારે સૂર્યકુમારે મોહમ્મદ સિરાજ પર વર્ચસ જમાવ્યું છે. અહીં યાદ રહે કે ગઈ મૅચમાં સિરાજની દિલ્હી કૅપિટલ્સના ફિલ સૉલ્ટ સાથે બબાલ થઈ હતી. કોહલી પણ આક્રમક મૂડમાં રમી રહ્યો છે. કોહલીએ જોફ્રા આર્ચર સામે બહુ સારું પર્ફોર્મ કર્યું છે. ટી૨૦ ક્રિકેટમાં જોફ્રા ક્યારેય કોહલીની વિકેટ નથી લઈ શક્યો. જોકે આજે કોહલી તેની સામે સાવધ તો રહેશે જ.
વાનખેડેમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન અર્જુન તેન્ડુલકર. તે છેલ્લે પચીસમી એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમ્યો હતો. તેણે ચાર મૅચમાં ત્રણ વિકેટ લીધી છે. તસવીર આશિષ રાજે