04 April, 2023 11:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૅચ છૂટ્યો, પણ રોહિતે એનો લાભ ન લીધો: રવિવારે સિરાજ અને કાર્તિક ટકરાતાં રોહિતનો કૅચ છૂટી ગયો હતો. જોકે રોહિત પાંચ રનના સ્કોર પર આઉટ થતાં જીવતદાન બૅન્ગલોરને મોંઘું નહોતું પડ્યું.
રવિવારે બૅન્ગલોરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના મુખ્ય પેસ બોલર મોહમ્મદ સિરાજનો પાવરપ્લેમાં સ્પેલ (૩-૦-૫-૧) બહુ સારો રહ્યો હતો, પરંતુ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ તેને ડેથ ઓવર્સના સ્લૉટમાં ૧૯મી ઓવર આપી ત્યારે ડુ પ્લેસીએ કલ્પના પણ નહીં કરી હોય કે સિરાજ માથાનો દુખાવો બની જશે. પહેલી ૬ ઓવર દરમ્યાન સિરાજના પર્ફોર્મન્સનો ગ્રાફ નીચે ગયા પછી ઉપર ગયો હતો. દિનેશ કાર્તિક (ડીકે) સાથે ટકરાતાં રોહિત શર્માનો કૅચ છૂટ્યો હતો, પરંતુ સિરાજે પહેલા સ્પેલમાં મુંબઈના બૅટર્સને બાંધીને તો રાખ્યા જ હતા. સિરાજે ઓપનર ઈશાન કિશન (૧૩ બૉલમાં ૧૦ રન)ની વિકેટ પણ લીધી હતી.
જોકે સિરાજ ૧૯મી ઓવરના ત્રીજા બૉલથી રેકૉર્ડ-બુકમાં આવવા માંડ્યો હતો. તેની આ ઓવર આઇપીએલના ઇતિહાસની સૌથી લાંબી ઓવર બની ગઈ હતી. તેણે જાણે મુંબઈની ટીમને રનની લહાણી કરી હતી. પહેલા બે બૉલમાં એક જ રન બન્યો હતો, પણ એ પછી તેણે ઉપરાઉપરી ચાર વાઇડ ફેંક્યા હતા. કૅપ્ટન ડુ પ્લેસી ત્રીજા વાઇડ પછી તેની પાસે આવ્યો અને તેને કંઈક સૂચના આપી હતી, પણ એ પછી સિરાજથી ચોથો પણ વાઇડ પડી ગયો હતો. હદ થઈ ગઈ હતી. તેને કારણે બૅન્ગલોરની ટીમ પર બિનજરૂરી પ્રેશર આવી ગયું હતું. તેના પછી ૨૦મી ઓવર હર્ષલ પટેલને આપવામાં આવી હતી જેમાં મુંબઈના બૅટર્સ તિલક વર્મા અને અર્શદ ખાનની જોડીએ ૨૧ રન બનાવ્યા હતા. મુંબઈએ ૭ વિકેટે ૧૭૧ રનનો ચૅલેન્જિંગ સ્કોર નોંધાવ્યો, પણ ત્યાર પછી વિરાટ કોહલી અને ડુ પ્લેસીની જોડીએ અને છેલ્લે ગ્લેન મૅક્સવેલે બૅન્ગલોરને આસાનીથી ૧૭૨ રનનો ટાર્ગેટ અપાવી દીધો હતો.
સિરાજે ટ્રોલનો આપ્યો જવાબ
મોહમ્મદ સિરાજ રવિવારે અને ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો. જોકે સિરાજે એનો જવાબ બૅન્ગલોરની ટીમના લેટેસ્ટ પૉડકાસ્ટમાં આપ્યો હતો. સિરાજે કહ્યું કે ‘એક દિવસ મને ભારતના ભવિષ્ય તરીકે ઓળખાવવામાં આવે, મને ભારતીય બોલિંગના ભવિષ્ય તરીકે ગણાવવામાં આવે અને પછી જો મારો પર્ફોર્મન્સ કોઈ કારણવશ નબળો રહે તો કહેવામાં આવે કે સિરાજે હવે રમવાનું છોડીને ઑટોરિક્ષા ચલાવવી જોઈએ. આવું કેમ કહેવામાં આવે છે એ જ મને નથી સમજાતું. કોઈ પ્લેયર વિશે અપશબ્દો લખવા એ બહુ સહેલું છે, પણ આવું લખનારાઓ એ ખેલાડીએ કેવો સંઘર્ષ કર્યો એના વિશે કંઈ જ નથી જાણતા. આવા લખાણથી ખેલાડીનો રમવાનો ઉત્સાહ ઓસરી જાય. સારા પર્ફોર્મન્સ બદલ મારી પ્રશંસા થાય એ સારી વાત છે અને એ બદલ હું મારા સપોર્ટર્સનો આભારી છું, પણ ક્યારેય કોઈ પણ ખેલાડી વિશે અપશબ્દ ન લખાવા જોઈએ. દરેકના જીવનમાં અને કરીઅરમાં અપ્સ અને ડાઉન્સ તો આવતા જ હોય.
સિરાજની ઓવર (મુંબઈની ૧૯મી ઓવર)ના ૧૧ બૉલમાં શું બન્યું?