KKR vs RCB : કલકત્તાને જીત તાસક પર ધરી દીધી, અમે હારવાને લાયક જ હતા : કોહલી

28 April, 2023 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરસીબીના હસરંગા અને વૈશાકે બે-બે વિકેટ લીધી હતી.

વિરાટ કોહલી

બુધવારે બૅન્ગલોરમાં કલકત્તાએ બૅટિંગ મળ્યા બાદ બહુ સારી શરૂઆત કરી હતી અને પાંચ વિકેટે ૨૦૦ રન બનાવ્યા હતા. એમાં જેસન રૉય (૫૬ રન, ૨૯ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર), કૅપ્ટન નીતીશ રાણા (૪૮ રન, ૨૧ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), વેન્કટેશ ઐયર (૩૧ રન, ૨૬ બૉલ, ત્રણ ફોર), રિન્કુ સિંહ (૧૮ અણનમ, ૧૦ બૉલ, એક સિક્સર, બે ફોર) તેમ જ ડેવિડ વીસ (૧૨ અણનમ, ૩ બૉલ, બે સિક્સર)નાં મુખ્ય યોગદાન હતાં. કેકેઆરના કેટલાક બૅટર્સના કૅચ આરસીબીના ફીલ્ડર્સે છોડ્યા હતા. આરસીબીના હસરંગા અને વૈશાકે બે-બે વિકેટ લીધી હતી. આરસીબીની ટીમ જવાબમાં ૮ વિકેટે ૧૭૯ રન બનાવી શકતાં ૨૧ રનથી હારી ગઈ હતી. એમાં કોહલી (૫૪ રન, ૩૭ બૉલ, છ ફોર) અને મહિપાલ લોમરોર (૩૪ રન, ૧૮ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ને બાદ કરતાં બીજા કોઈ બૅટર મોટી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. મૅક્સવેલ ક્રીઝ પર આવતાંવેંત ફટકાબાજી કરવાની ઉતાવળમાં માત્ર પાંચ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો. કેકેઆરના વરુણે ત્રણ તેમ જ સુયશ શર્મા અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી.

કોહલી પરાજય બાદ ખૂબ નિરાશ હતો. તેણે કહ્યું કે ‘ખરું કહું તો અમે કેકેઆરને વિજય તાસક પર ધરી દીધો હતો. બીજી રીતે કહું તો અમે કેકેઆરના પ્લેયર્સને છૂટા હાથે લહાણી કરી હતી. અમે હારવાને લાયક જ હતા. અમે અમારા ધોરણ જેવું રમ્યા જ નહીં. એક તો અમે અમને મળેલી તકનો ફાયદો ન લીધો અને એક પછી એક કૅચ છોડ્યા, જેને કારણે કેકેઆરની ટીમ વધુ ૨૫-૩૦ રન બનાવી શકી. અમારા બૅટર્સ લૂઝ ડિલિવરીનો લાભ ન લઈ શક્યા, જેને કારણે વહેલી વિકેટ ગુમાવી બેઠા. એક સારી પાર્ટનરશિપ પણ બની હોત તો જીત આરસીબીની હોત.’

બીસીસીઆઇના પ્રમુખની પુત્રવધૂ ‘રેડી ફૉર ધ શો’

બૅન્ગલોરમાં બુધવારે આરસીબી-કેકેઆરની મૅચ વખતે ઍન્કરિંગ માટેની તૈયારી દરમ્યાન મયન્તી લૅન્ગર. તે ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની અને બીસીસીઆઇના પ્રમુખ રૉજર બિન્નીની પુત્રવધૂ છે. ભારતીય લશ્કરના સંજીવ લૅન્ગરની પુત્રી મયન્તી અને સ્ટુઅર્ટે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. સપ્ટેમ્બર, ૨૦૨૦માં મયન્તીએ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. તસવીર iplt20.com

sports news sports cricket news indian premier league virat kohli royal challengers bangalore kolkata knight riders