KKR vs RCB : મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ નવજાત પુત્રને અર્પણ : વરુણ

28 April, 2023 11:47 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આરસીબીની ત્રણ વિકેટ લેનાર કેકેઆરના સ્પિનરે કહ્યું કે ‘આ પુરસ્કાર મારા નવા જન્મેલા બાળક અને પત્નીને સમર્પિત, મેં પુત્રને હજી જોયો નથી, આઇપીએલ પછી જોઈશ’

વરુણ ચક્રવર્તી

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) સામેનો રોમાંચક મુકાબલો જિતાડવામાં બોલિંગમાં સૌથી મોટું યોગદાન આપનાર ૩૧ વર્ષના સ્પિનર વરુણ ચક્રવર્તી (૪-૦-૨૭-૩)ને ૨૦ દિવસ પહેલાં ઈડન ગાર્ડન્સમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળતાં-મળતાં રહી ગયો હતો, પણ બુધવારે બૅન્ગલોરમાં એ જ હરીફ ટીમ સામેની મૅચમાં મળેલા વિજય બાદ તેને આ પુરસ્કારથી સન્માનિત કરાયો ત્યારે તેણે કહ્યું કે ‘હું મારો આ મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ મારા નવા જન્મેલા બાળકને અને મારી પત્નીને અર્પણ કરું છું. મેં હજી મારા પુત્રને જોયો નથી. આઇપીએલ પછી પહેલી વાર તેને મળીશ ત્યારે તેને ખૂબ લાડ કરીશ અને પત્નીનો પણ ખૂબ આભાર માનીશ.’

વરુણે ડિસેમ્બર ૨૦૨૦માં (કોવિડને કારણે લાગુ કરાયેલા લૉકડાઉન દરમ્યાન) ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧ના મે મહિનામાં વરુણ અને કેકેઆરના સાથી-ખેલાડી સંદીપ વૉરિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં આરસીબી સામેની મૅચ રદ કરાઈ હતી અને પછીથી આખી ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

૨૦ દિવસ પહેલાં અવૉર્ડથી વંચિત

વરુણે ૬ એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં ૧૫ રનમાં ૪ વિકેટ લીધી હતી, જેને કારણે આરસીબીની ટીમ ૧૨૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એ દિવસે વરુણ મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ માટે મજબૂત દાવેદાર હતો, પણ કેકેઆરને ૨૦૪/૭નો તોતિંગ સ્કોર અપાવવામાં તૂફાની બૅટિંગ કરનાર શાર્દુલ ઠાકુર (૬૮ રન, ૨૯ બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)નું બહુ મોટું યોગદાન હતું એટલે પુરસ્કાર શાર્દુલને અપાયો હતો. જોકે વરુણે એ દિવસે બાકી રહી ગયેલી અવૉર્ડની ઇચ્છા બુધવારે બૅન્ગલોરમાં પૂરી કરી હતી. વરુણે આરસીબીનો મિડલ-ઑર્ડર તોડી નાખ્યો હતો. તેણે ગ્લેન મૅક્સવેલ (૫), મહિપાલ લૉમરોર (૩૪) અને દિનેશ કાર્તિક (૨૨)ની મહત્ત્વની વિકેટ લીધી હતી.

સચોટ બોલિંગને વધુ મહત્ત્વ

વરુણે બુધવારે મૅચ પછી એવું પણ કહ્યું કે ‘આ પહેલાંની ચેન્નઈ સામેની મૅચમાં મારી બોલિંગમાં ૪૯ રન થયા હતા અને આ મૅચમાં મેં ત્રણ વિકેટ લીધી. કરીઅરમાં આવા વળાંક આવ્યા કરે. હું વેરિએશન્સ લાવવા પર ભાર આપવા કરતાં સચોટ બોલિંગને વધુ મહત્ત્વ આપું છું.’

5
૨૦૧૬થી ૨૦૨૩ સુધીમાં કેકેઆરની ટીમ બૅન્ગલોરમાં આરસીબી સામે કુલ આટલી મૅચ રમી છે અને એ તમામમાં કેકેઆરે વિજય મેળવ્યો છે.

જેસન રૉયે ગુસ્સામાં બેલને ફટકો માર્યો, ૧૦ ટકા મૅચ-ફી ગુમાવી

કલકત્તા નાઇટ રાઇડર્સને બ્રિટિશ બૅટર જેસન રૉયે બુધવારે બૅન્ગલોરમાં આરસીબી સામે ૨૯ બૉલમાં પાંચ સિક્સર, ચાર ફોરની મદદથી ૫૬ રન બનાવી જીતનો પાયો નાખ્યો હતો, પરંતુ તેણે પેસ બોલર વિજયકુમાર વૈશાકના બૉલમાં ક્લીન બોલ્ડ થયા પછી ગુસ્સામાં એક બેલને ફટકો માર્યો એ બદલ તેની ૧૦ ટકા મૅચ-ફી કાપી લેવામાં આવી છે. તેણે બેલને ફટકો મારવા ઉપરાંત પાછો જતી વખતે બૅટ ઉછાળ્યું હતું. તેણે આઇપીએલની આચારસંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ-૧ પ્રકારની ભૂલ કરી હતી અને એનો સ્વીકાર પણ કર્યો હતો જેને પગલે મૅચ-રેફરી અમિત શર્માએ તેને ૧૦ ટકા દંડ કર્યો હતો.

નમસ્તે, ધિઝ ઇઝ રસેલ બ્રૅન્ડ હેર-સ્ટાઇલ

બુધવારે આરસીબી સામેની મૅચ પહેલાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન (ઉપર) કેકેઆરનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ. તે એક રન બનાવી શક્યો હતો, પણ પછીથી તેણે આરસીબીની બે વિકેટ લીધી હતી. ખાસ કરીને તે કોહલીની વિકેટ લીધા પછી બેહદ ખુશ હતો (ડાબે). તેણે હસરંગાને પણ કૅચઆઉટ કરાવ્યો હતો. તસવીર iplt20.com

sports news sports cricket news indian premier league kolkata knight riders royal challengers bangalore ipl 2023