CSK vs SRH : હૈદરાબાદને આજે ચેન્નઈના ગઢમાં જીતવું જ છે

21 April, 2023 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સે સીએસકેને ચેન્નઈ શહેરમાં ક્યારેય નથી હરાવ્યું : ધોનીની ટીમ છેલ્લા ૨૩માંથી ૧૯ મુકાબલા જીતી છે

ફાઇલ તસવીર

ચેન્નઈમાં ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અત્યાર સુધી આઇપીએલની ત્રણ મૅચ રમી છે અને દરેકમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમે જીત મેળવી છે. જોકે આજે એઇડન માર્કરમની ટીમ ચેન્નઈના ખાસ કરીને સ્પિનર્સની કસોટીમાંથી ખરી ઊતરવા કમર કસશે. આ મેદાન પર આ સીઝનમાં રમાયેલી બે મૅચમાં સ્પિનર્સે ૧૬ અને ફાસ્ટ બોલર્સે ૧૧ વિકેટ લીધી છે. ધોનીની ટીમ આ ગ્રાઉન્ડ પર છેલ્લા ૨૩માંથી ૧૯ મુકાબલા જીતી છે એટલે એનો રેકૉર્ડ તો જબરદસ્ત છે જ, પરંતુ હૈદરાબાદની બૅટિંગ જો ક્લિક થશે તો ચેન્નઈને જીતવું ભારે પડી જશે.

માત્ર માર્કરમ પર જ ભરોસો રાખવાને બદલે બીજા બૅટર્સ ખાસ કરીને હૅરી બ્રુક, મયંક અગરવાલ, અબ્દુલ સામદ, અભિષેક શર્મા અને હિન્રિચ ક્લાસન તેમ જ રાહુલ ત્રિપાઠી પાસે પણ હૈદરાબાદની ટીમે અપેક્ષા રાખી હશે. ફરી સ્પિનર્સની વાત પર આવીએ તો મોઇન અલી, રવીન્દ્ર જાડેજા, મહીશ થીકશાના અને મિચલ સૅન્ટનર સામે હૈદરાબાદે મોટો સ્કોર કરી દેખાડવો પડશે. રાજસ્થાનની ટીમ ૧૦ દિવસ પહેલાં અશ્વિન, ચહલ અને ઝૅમ્પાને લઈને ચેન્નઈ આવી હતી અને માંડ-માંડ જીતીને પાછી ગઈ હતી. હૈદરાબાદ પાસે સ્પિન બોલિંગમાં જોઈએ એવો ડેપ્થ નથી. માત્ર સુંદર અને માર્કન્ડે પર ભરોસો રાખવાને બદલે કૅપ્ટન માર્કરમ ચેપૉકમાં આદિલ રાશિદ કે અકીલ હોસૈન જેવા વિદેશી સ્પિનરની મદદ લેશે કે નહીં એ જોવું રહ્યું.

5
ચેન્નઈની ટીમ હૈદરાબાદ સામેના છેલ્લા આટલામાંથી ચાર મુકાબલા જીતી છે.

sports news sports cricket news ipl 2023 chennai super kings sunrisers hyderabad indian premier league