RR vs LSG : જયપુરમાં આજે ‘કૅરિબિયન લીગ’નો મુકાબલો

19 April, 2023 10:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નંબર-વન રાજસ્થાનના વેસ્ટ ઇન્ડિયન ખેલાડી હેટમાયર અને નંબર-ટૂ લખનઉના કૅરિબિયન પ્લેયર્સ માયર્સ તથા પૂરન વચ્ચે ચડિયાતા પુરવાર થવા હરીફાઈ

શિમરોન હેટમાયર, કાઇલ માયર્સ અને નિકોલસ પૂરન

રાજસ્થાન રૉયલ્સને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર લાવવામાં બૅટર જૉસ બટલર (કુલ ૨૦૪ રન), સંજુ સૅમસન (૧૫૭ રન) તથા યશસ્વી જયસ્વાલ (૧૩૬ રન) તેમ જ બોલર્સ યુઝવેન્દ્ર ચહલ (૧૧ વિકેટ), ટ્રેન્ટ બૉલ્ટ (૬ વિકેટ) તથા રવિચન્દ્રન અશ્વિન (૬ વિકેટ)ના પર્ફોર્મન્સિસ આ સીઝનના ટોચના ખેલાડીઓમાં સૌથી પહેલાં નજરે પડે છે, પરંતુ એ બધા જેટલું જ યોગદાન વેસ્ટ ઇન્ડીઝના બૅટર શિમરોન હેટમાયર (૧૮૩ રન)નું પણ છે. એ જ પ્રમાણે, લખનઉ સુપર જાયન્ટ્સને ગઈ કાલ સાંજ સુધીમાં બીજા સ્થાન સુધી પહોંચાડવામાં ફૉર્મ પાછું મેળવી રહેલા સુકાની કે. એલ. રાહુલ (કુલ ૧૫૫ રન)નું અને બોલિંગમાં માર્ક વૂડ (૧૧ વિકેટ), રવિ બિશ્નોઈ (૮ વિકેટ) તેમ જ કૃણાલ પંડ્યા (૪ વિકેટ) અને અમિત મિશ્રા (૩ વિકેટ)નું પણ છે, પરંતુ કાઇલ માયર્સ (૧૬૮ રન) અને વિકેટકીપર-બૅટર નિકોલસ પૂરન (૧૪૧ રન તેમ જ વિકેટની પાછળ ૪ શિકાર)ના પર્ફોર્મન્સિસને પણ જરાય અવગણી ન શકાય.

જયપુરમાં આઇપીએલનું ત્રણ વર્ષ બાદ આજે કમબૅક થઈ રહ્યું છે. રાજસ્થાન અને લખનઉ વચ્ચેના જંગમાં કૅરિબિયન ખેલાડીઓ વચ્ચે ચડસાચડસી જોવા મળે તો નવાઈ નહીં લાગે. રાજસ્થાન માટે હેટમાયર (જેસન હોલ્ડરને ફરી રમવાનો મોકો મળે તો તે પણ) મૅચ-વિનર બની શકે. એ જ રીતે, લખનઉને આજે માયર્સ કે પૂરન અથવા બન્ને કૅરિબિયન જિતાડે તો પણ આશ્ચર્ય નહીં થાય.

સ્પિનર્સ સામે બટલર ખૂબ સફળ

રાજસ્થાનનો જૉસ બટલર હાથની ઈજા પછી પણ બહુ સારા ફૉર્મમાં છે. ૨૦૨૨ની સાલની શરૂઆતથી તે ૧૭માંથી માત્ર બે ઇનિંગ્સમાં સ્પિનરના બૉલમાં આઉટ થયો છે.
રાજસ્થાનની પાંચમાંથી ચાર જીત
૨૦૦૮ના વિજેતા રાજસ્થાન માટે દેવદત્ત પડિક્કલ થોડીઘણી કમાલ દેખાડી ચૂક્યો છે, પણ રિયાન પરાગ તકોને જોઈએ એટલી ઝડપી નથી શક્યો. રાજસ્થાન પાંચમાંથી ચાર મૅચ જીતી ચૂક્યું છે.

લખનઉની પાંચમાંથી ત્રણ જીત

લખનઉની ટીમ પાસે ઘણી ટૅલન્ટ છે એમ છતાં એણે પાંચમાંથી બે મૅચમાં પરાજય જોવો પડ્યો છે. પંજાબ કિંગ્સ સામેની ગઈ મૅચમાં લખનઉના બૅટર્સ મિડલ-ઓવર્સમાં પૂરતા રન નહોતા બનાવી શક્યા. જોકે માર્કસ સ્ટોઇનિસને આજે રમવાનો મોકો મળશે તો તેના ઑલરાઉન્ડ પ્રદર્શનની કમાલ દેખાડે પણ ખરો.

2
રાજસ્થાન-લખનઉ વચ્ચે ગઈ સીઝનમાં આટલા મુકાબલા થયા અને એ તમામ રાજસ્થાને જીત્યા.
47
રાજસ્થાને જયપુરના સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં કુલ આટલામાંથી ૩૨ મુકાબલા જીત્યા છે.
 
આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં?
નંબર ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧.૩૫૪
લખનઉ ૦.૭૬૧
ચેન્નઈ ૦.૨૬૫
‍૪ ગુજરાત ૦.૧૯૨
પંજાબ -૦.૧૦૯
કલકત્તા ૦.૩૨૦
બૅન્ગલોર -૦.૩૧૮
મુંબઈ -૦.૩૮૯
હૈદરાબાદ -૦.૮૨૨
૧૦ દિલ્હી -૧.૪૮૮
નોંધ : તમામ આંકડા ગઈ કાલની મુંબઈ-હૈદરાબાદ મૅચ પહેલાંના છે.
sports news sports cricket news ipl 2023 indian premier league rajasthan royals lucknow super giants