21 April, 2023 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આવેશ ખાન
જયપુરમાં બુધવારે રમાયેલી આઇપીએલની રોમાંચક લીગ મૅચમાં ટોચની ટીમ રાજસ્થાન રૉયલ્સને ૧૦ રનથી હરાવનાર લખનઉ સુપર જાયન્ટ્સના માર્કસ સ્ટૉઇનિસ (૧૬ બૉલમાં ૨૧ રન અને ૨૮ રનમાં બે વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો, પરંતુ લખનઉનો ફાસ્ટ બોલર આવેશ ખાન (પચીસ રનમાં ત્રણ વિકેટ, એક કૅચ) પણ એટલો જ હકદાર હતો. આવેશે દેવદત્ત પડિક્કલ (૨૬ રન), શિમરન હેટમાયર (૨ રન) અને
ધ્રુવ જુરેલ (૦)ને આઉટ કર્યા હતા, એ પહેલાં સ્ટૉઇનિસને સૌથી પહેલી વિકેટ તેણે જ અપાવી હતી જેમાં આવેશે યશસ્વી જયસ્વાલ (૪૪ રન)નો કૅચ પકડ્યો હતો.
આ મૅચ કૅરિબિયન પ્લેયર્સ વચ્ચેની હરીફાઈ જેવી હતી, જેમાં લખનઉનો કાઇલ માયર્સ (૫૧ રન) મેદાન મારી ગયો હતો. એ ઉપરાંત નિકોલસ પૂરન (૨૯ રન, એક કૅચ, એક રનઆઉટ) પણ લખનઉની ટીમને ઘણો ઉપયોગી બન્યો હતો. તેમની તુલનામાં રાજસ્થાનની ટીમમાં હેટમાયર (માત્ર બે રન) અને જેસન હોલ્ડર (૨૮ રનમાં એક વિકેટ) નબળું રમ્યા હતા. લખનઉએ બૅટિંગ મળ્યા બાદ ૭ વિકેટે ૧૫૪ રન બનાવ્યા પછી રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૪ રન બનાવી શકતાં ૧૦ રનથી હારી ગઈ હતી.
૨૦મી ઓવર આવેશ ખાને કરી હતી. એમાં રાજસ્થાને ૧૩૬/૪ના સ્કોર પર રમવાનું શરૂ કરીને જીતવા માટે ૧૯ રન બનાવવાના હતા. પહેલા બે બૉલમાં ફક્ત પાંચ રન બન્યા પછી આવેશે પછીના બે બૉલમાં પડિક્કલ અને જુરેલને આઉટ કર્યા હતા. છેવટે રાજસ્થાનનો સ્કોર ૧૪૪/૬ સુધી જ પહોંચી શક્યો અને લખનઉનો ૧૦ રનથી વિજય થયો હતો.
રાજસ્થાન સામે ૨૦મી ઓવરમાં ૧૯ રન ડિફેન્ડ કરનાર અને આ સીઝનમાં ૧૫૫ રનનો લોએસ્ટ ટાર્ગેટ ડિફેન્ડ કરવાની સિદ્ધિ લખનઉને અપાવનાર આવેશ ખાને (૪-૦-૨૫-૩) મૅચ પછી કહ્યું કે ‘અમે જો પહેલાં બોલિંગ કરીએ તો મને પહેલી કે બીજી ઓવર આપવામાં આવે છે અને જો ટાર્ગેટ ચેઝ કરીએ તો મને (પરિસ્થિતિ પ્રમાણે) ચોથી કે છઠ્ઠી જેવી મહત્ત્વની ઓવર્સ આપવામાં આવે છે. મેં મારા કૅપ્ટન (કે. એલ. રાહુલ) અને કોચ (ઍન્ડી ફ્લાવર)ને કહી દીધું છે કે તમે મને ગમે ત્યારે બોલિંગ આપી શકો છો. હું આપણી ટીમને મુશ્કેલ ઓવરમાં પણ મદદ કરવા તૈયાર છું. મને ક્યારે બોલિંગ મળશે એનો હું ક્યારેય વિચાર નથી કરતો. જ્યારે પણ મને તક મળે ત્યારે હું વિકેટ લેવાની પપૂરેપૂરી કોશિશ કરું છું.’
કૅપ્ટન કે. એલ. રાહુલ પોતાની ટીમ પાસે નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ન કરાવી શક્યો એટલે સ્લો ઓવર-રેટ બદલ તેની મૅચ-ફીમાંથી આટલા લાખ રૂપિયા કાપી લેવાયા હતા.
બે ઓવરની અંદર જયસ્વાલ (રનઆઉટમાં), સૅમસન અને પછી બટલરની વિકેટ પડ્યા પછી પણ રાજસ્થાન પાસે બૅટિંગમાં ઘણી ડેપ્થ હતી. જોકે એ તબક્કે રિયાન પરાગ આવ્યો અને પહેલા આઠ બૉલમાં ફક્ત ચાર રન બનાવ્યા ત્યાં જ જીતવાની રાજસ્થાનની આશા પર પાણી ફરી વળ્યું હતું. રાજસ્થાનની ટીમે પરાગને જવાબદારી સોંપી, પણ બધાએ જોયુંને કે તેણે શું કર્યું!
રવિ શાસ્ત્રી