KKR vs MI : આઇપીએલમાં સચિન-અર્જુનનો વિક્રમ

17 April, 2023 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ ફ્રૅન્ચાઇઝી વતી રમનાર પિતા-પુત્રની પહેલી જોડી

અર્જુન તેન્ડુલકરને એમઆઇની કૅપ પહેરાવી રહેલો મુખ્ય કૅપ્ટન રોહિત શર્મા. સાઉથ આફ્રિકાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ડુઍન યેન્સેને પણ ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ વતી ડેબ્યુ કર્યો હતો. તસવીર iplt20.com

સચિન તેન્ડુલકર પછી હવે અર્જુન તેન્ડુલકર પણ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) વતી રમ્યો હોવાથી આઇપીએલની કોઈ એક જ ફ્રૅન્ચાઇઝી વતી પિતા-પુત્રની જોડી રમી હોવાનો આ ટુર્નામેન્ટમાં અનોખો વિક્રમ રચાયો છે. સચિને ૨૦૧૩માં આઇપીએલમાં પ્રથમ ટાઇટલ મળ્યા બાદ નિવૃત્તિ લીધી હતી. ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ૨૩ વર્ષના લેફ્ટ-આર્મ સીમ બોલિંગ ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરે મુંબઈ ઇન્ડિયન્સ વતી ડેબ્યુ કર્યું હતું. ગઈ કાલે ટીમના મુખ્ય કૅપ્ટન અને એમઆઇને પાંચ વખત ટાઇટલ અપાવનાર રોહિત શર્માએ ડેબ્યુ-કૅપ પહેરાવી હતી.

અર્જુન બે વર્ષથી એમઆઇની ટીમ સાથે છે, પરંતુ તેને રમવાનો મોકો ગઈ કાલે વાનખેડેમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં પહેલી વાર મળ્યો હતો. કાર્યવાહક કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચની પહેલી જ ઓવર અર્જુનને આપી હતી, જેમાં કલકત્તાના ઓપનર્સે પાંચ રન બનાવ્યા હતા, પણ અર્જુનની એ ઓવર અસરદાર હતી. પિતા સચિને એમઆઇના ડગઆઉટમાં બેસીને પુત્રની એ પ્રારંભિક ઓવર ગર્વભેર જોઈ હતી.

અર્જુન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ વતી રમ્યો છે, પણ ગયા વર્ષે તેણે રણજી ટ્રોફીમાં ગોવા વતી ડેબ્યુ કર્યું હતું.

સ્ટૅન્ડમાં ભાવિ ઝુલન કે હરમન હશે!: નીતા અંબાણી

મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીનાં માલિક નીતા અંબાણીએ ગઈ કાલે વાનખેડેમાં ઉપસ્થિત એમઆઇની ગર્લ્સ-ફૅન્સ વચ્ચે બેસીને રવિવારને યાદગાર બનાવવામાં યોગદાન આપ્યું હતું. તેમણે સ્પીચમાં કહ્યું હતું કે કોણ જાણે આજે કોઈ સ્ટૅન્ડમાં ભવિષ્યની ઝુલન ગોસ્વામી કે હરમનપ્રીત કૌર બેઠી હશે. ગઈ કાલે ‘વિમેન ઇન સ્પોર્ટ્સ’ અભિયાન અંતર્ગત ૧૯,૦૦૦ બાળકીઓને મહેમાન-પ્રેક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવી હતી, જેને કારણે આખું સ્ટેડિયમ એમઆઇના બ્લુ રંગના હજારો ફ્લૅગ, ડ્રેસથી દર્શનીય થઈ ગયું હતું.

24
અર્જુન તેન્ડુલકરે આટલામા નંબરની જર્સી પહેરી હતી. તેણે જરૂર પિતા સચિનની બર્થ ડેટ (૨૪ એપ્રિલ)ને ધ્યાનમાં રાખીને જ આ નંબર પસંદ કર્યો હશે.

sports news sports cricket news arjun tendulkar sachin tendulkar ipl 2023 indian premier league mumbai indians kolkata knight riders