GT vs KKR : રિન્કુ સિંહ ટીનેજ વયે પપ્પાને બદલે ગૅસ સિલિન્ડરની ડિલિવરી માટે જતો!

11 April, 2023 10:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાંચેય ભાઈઓએ નાનપણમાં ભણવાનું બાજુએ મૂકીને ક્રિકેટ રમવાને કારણે પપ્પાના હાથનો ખૂબ માર ખાધો હતો ઃ રવિવારે રિન્કુ સિંહ કૅપ્ટન નીતિશ રાણાના બૅટથી રમ્યો

રિન્કુ સિંહ

રવિવારે અમદાવાદની મૅચમાં ૨૦મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સના પેસ બોલર યશ દયાલના છેલ્લા પાંચેપાંચ બૉલમાં સિક્સર (૬, ૬, ૬, ૬, ૬) ફટકારીને રાતોરાત આઇપીએલના સુપરહીરો બની ગયેલા કલકત્તા નાઇટ રાઇડર્સના રિન્કુ સિંહે એક ઇન્ટરવ્યુમાં પોતાના નાનપણના સંઘર્ષના દિવસોની ઘણી વાતો કરી છે. 

રિન્કુ સિંહ અને તેના ચાર ભાઈઓએ નાનપણમાં પપ્પાનાં ઘણાં કામ કર્યાં હતાં અને ભણવાનું બાજુએ મૂકીને જો બધા ભાઈઓ ક્રિકેટ રમવા જતા રહેતા તો તેમણે પપ્પાના હાથનો ખૂબ માર પણ ખાવો પડતો હતો. રિન્કુનો પરિવાર અગાઉ ખેતીના કામ સાથે જોડાયેલો હતો. રિન્કુએ ઉત્તર પ્રદેશ વતી અન્ડર-16 ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી એ પહેલાં એક દિવસ તેને પપ્પા ખાનચંદ સિંહે કહ્યું કે ‘તેં એક ટ્યુશન સેન્ટરમાં ઝાડુ માર્યું એ તારે દરેકને કહેવાની જરૂર નથી. રોજ સવારે અહીં આવજે અને સાફસફાઈ કરીને જતો રહેજે. કોઈને ખબર પણ નહીં પડે.’

રિન્કુના પપ્પા ખાનચંદ સિંહ ઘેર-ઘેર ગૅસ સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. એમાં પરિવારનું ગુજરાન નહોતું ચાલતું એટલે રિન્કુ સહિતના પુત્રોએ કંઈક ને કંઈક કામ કરીને પૈસા કમાવી લાવવા પડતા હતા. જોકે સાફસફાઈનું કામ રિન્કુને પસંદ નહોતું એટલે તેણે ક્રિકેટમાં કરીઅર બનાવવા પર બધું ધ્યાન આપ્યું હતું. રિન્કુએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ઇન્ટર-કૉલોની કે ક્લબ મૅચ રમવા લેધર બૉલની ખરીદી માટે ફન્ડની જરૂર પડતી હતી, પણ એ માટે મારા પપ્પા મને ક્યારેય પૈસા નહોતા આપતા. એક વાર મારે કાનપુરમાં એક ટુર્નામેન્ટમાં રમવું હતું અને એને માટે મારી મમ્મીએ એક સ્થાનિક ગ્રોસરી સ્ટોર પાસેથી ૧૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા. ‘પાપા સે હમ પાંચો ભાઈઓને બહુત માર ખાઈ હૈ. હમને ઉન કો ઉન કે કામ મેં બહુત મદદ ભી કી હૈ. અમારા પપ્પા કોઈ કારણસર ગૅસ સિલિન્ડર ડિલિવર કરવા નહોતા જઈ શકતા ત્યારે અમારે એની ડિલિવરી કરવી પડતી હતી. અમારા પપ્પા અમારી પાસે કામ પૂરું કરાવવા હાથમાં લાકડી લઈને જ બેસતા હતા.’

પરિવારને નવું ઘર અપાવ્યું

કેકેઆરે ૨૦૧૮માં રિન્કુ સિંહને ૮૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ ત્યારે તેનો પર્ફોર્મન્સ ટીમના ધાર્યા જેટલો સારો નહોતો અને તેને થોડી ઈજાઓ પણ નડી હતી. ૨૦૨૨ની સીઝનથી રિન્કુનું ભાગ્ય ફરી પલટાયું હતું, જેમાં તેણે રાજસ્થાન રૉયલ્સ સામે કેકેઆરને જીત અપાવી હતી. રિન્કુએ ત્યારે ૨૩ બૉલમાં અણનમ ૪૨ રન બનાવ્યા હતા. રિન્કુએ છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન અલીગઢ શહેરમાં પોતાના પરિવારને આઇપીએલની કમાણીથી નવું ઘર અપાવ્યું છે અને ફૅમિલીની બધી જ લોન ચૂકતે કરી દીધી છે.

રિન્કુને મુસ્લિમો ખૂબ મદદરૂપ થયા

કેકેઆરના સહ-માલિક શાહરુખ ખાનના ફ્રૅન્ચાઇઝીએ રિન્કુ સિંહમાં વિશ્વાસ જાળવી રાખીને તેને આ વખતે પંચાવન લાખ રૂપિયામાં ફરી ખરીદ્યો હતો. એ ઉપરાંત તેને કરીઅરમાં બીજા ઘણાની મદદ મળી છે. ખુદ રિન્કુએ મુલાકાતમાં કહ્યું છે કે ‘મને ક્રિકેટની સફરમાં પાંચ-છ જણે ખૂબ મદદ કરી છે. એમાં મારા નાનપણના કોચ મસૂદ અમીની તેમ જ બૅટ સહિત ફુલ ક્રિકેટ-કિટ આપનાર મોહમ્મદ ઝિશાન તેમ જ અર્જુન સિંહ ફકીરા, નીલ સિંહ અને સ્વપ્નિલ જૈનનો હું ખૂબ આભારી રહીશ.’

આ પણ વાંચો : GT vs KKR : ૧,૬,૬,૬,૬,૬ : ​રિન્કુની રેકૉર્ડબ્રેક સિક્સરબાજી

4.23
રિન્કુ સિંહને કેકેઆર પાસેથી એક મૅચ રમવાના આટલા લાખ રૂપિયા મળે છે. ફ્રૅન્ચાઇઝીએ તેની સાથે સીઝન માટે કુલ પંચાવન લાખ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે.

ટ્‍‍વિટર પર કેકેઆરના સત્તાવાર હૅન્ડલ પર ગઈ કાલે રિન્કુ સિંહને રિન્કુ કિંગ બતાવાયો અને બીજા ઇમેજિંગમાં ગુજરાતની ટીમને ‘કાઇપો છે’ની ટકોર.

રિન્કુ સિંહ સ્કૂલ વર્લ્ડ કપમાં અવૉર્ડ જીત્યો ત્યાર પછી તેને પપ્પાએ મારવાનું સાવ બંધ જ કરી દીધું

ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ દેશને મેજર ધ્યાનચંદ અને લાલા અમરનાથ જેવી સ્પોર્ટ્સ હસ્તીઓ આપી છે અને અલીગઢ ભારતના ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન ઝફર ઇકબાલનું જન્મસ્થળ છે. રિન્કુ સિંહ એ જ જાણીતા શહેર અલીગઢનો છે. તેને અને તેના ચારેય ભાઈઓને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ છે. જોકે સ્કૂલના દિવસોમાં જો તેઓ ભણવાનું બાજુએ રાખીને ક્રિકેટ રમવા ઊપડી જતા ત્યારે તેમના પપ્પા ખાનચંદ સિંહ તેમને ખૂબ મારતા હતા. જોકે એક વાર અલીગઢમાં સ્કૂલ વર્લ્ડ કપ નામની ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રિન્કુ સિંહ ખૂબ સારું રમ્યો હતો. ત્યારે તેના પપ્પા પહેલી વાર તેને રમતો જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. રિન્કુને ‘મૅન ઑફ ધ ટુર્નામેન્ટ’ અવૉર્ડની ટ્રોફી સાથે ઇનામમાં મોટર-બાઇક મળી હતી. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ કેકેઆરની યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં રિન્કુએ આ વાતની માહિતી આપતાં કહ્યું, ‘ઉસ દિન કે બાદ પાપાને કભી હમેં નહીં મારા.’

રિન્કુ મારા બૅટથી રમ્યો, હવે એ બૅટ તેનું : કૅપ્ટન રાણા

રવિવારે અમદાવાદમાં રિન્કુ સિંહ પોતે જે છેલ્લા ૭ બૉલ રમ્યો એમાં તેણે ૬, ૪, ૬, ૬, ૬, ૬, ૬ (૭ બૉલમાં કુલ ૪૦ રન) બનાવ્યા હતા. કલકત્તાને ગુજરાત સામે જિતાડેલી આ મૅચમાં રિન્કુ સિંહ (૪૮ અણનમ, ૨૧ બૉલ, ૪૩ મિનિટ, ૬ સિક્સર, એક ફોર) કેકેઆરના કૅપ્ટન નીતિશ રાણાનું બૅટ લઈને મેદાન પર ઊતર્યો હતો. રાણાએ મૅચ પછી પી.ટી.આઇ.ને કહ્યું કે ‘રિન્કુ જેનાથી રમ્યો એ મારું બૅટ હતું. આ સીઝનમાં બે મૅચ હું એ બૅટથી રમ્યો હતો. આખી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ હું એ જ બૅટથી રમ્યો હતો. રવિવારે મૅચ પહેલાં મેં મારું બૅટ બદલ્યું એટલે રિન્કુએ જૂનું બૅટ મારી પાસે માગ્યું. પહેલાં તો હું તેને એ બૅટ નહોતો આપવા માગતો, પણ કોઈ મારું એ બૅટ ડ્રેસિંગરૂમમાંથી લઈ આવ્યું અને મેં રિન્કુને આપ્યું. એ બૅટનું પિક-અપ સારું હોવાથી અને મારા વજનની તુલનામાં બૅટ વજનમાં હલકું હોવાથી મને ખાતરી હતી કે રિન્કુને પણ એનાથી રમવાનું ફાવશે. રિન્કુ એ બૅટથી કમાલનું રમ્યો એટલે હવે એ બૅટ મારું નહીં, તેનું જ છે.’

શાહરુખ ખાને એડિટ કરેલું ‘પઠાન’નું પોસ્ટર પોસ્ટ કરતાં રિન્કુ થયો ખુશખુશાલ

બૉલીવુડ સ્ટાર અને કેકેઆરના કો-ઓનર શાહરુખ ખાને પોતાની ફિલ્મ ‘પઠાન’ના પોસ્ટરને એડિટ કરીને એમાં રિન્કુ સિંહને બતાવ્યો અને એ પોસ્ટર પોસ્ટ કર્યું, જેને જોઈને રિન્કુ સિંહ બેહદ ખુશ થયો હતો. શાહરુખે એડિટેડ પોસ્ટર સાથે લખ્યું હતું ‘ઝૂમે જો રિન્કુ!!! માય બેબી @rinkusingh235 And @NitishRana_27 and @venkateshiyer you beauties!!!’ રિન્કુ સિંહે ગઈ કાલે આ પોસ્ટની પ્રતિક્રિયામાં લખ્યું હતું, ‘શાહરુખ સર યાર. લવ યુ સર. મને સતત સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.’ કેકેઆર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામેની આ મૅચ સહિત કુલ બે મૅચ જીતીને સારા નેટ રનરેટને કારણે પૉઇન્ટ્સમાં બીજા નંબરે આવી ગયું હતું. 

યશની મમ્મીએ કંઈ જ ન ખાધું, હાર્દિકે મારા દીકરાને શાંત પાડ્યો : યશના પપ્પા

રવિવારે છેલ્લા પાંચ બૉલમાં રિન્કુ સિંહે પાંચ છગ્ગા ફટકારીને કલકત્તાના પરાજયને વિજયમાં ફેરવી દીધો એને પગલે ગુજરાતનો બોલર યશ દયાલ ખૂબ નિરાશ થયો હતો. તેના પિતા ચન્દ્રપાલ દયાલે અલાહાબાદથી ફોન કરીને સ્ટેડિયમમાં મૅચ જોઈ રહેલા કેટલાક સંબંધીઓને કહ્યું કે તમે યશ પાસે જઈને તેને સાંત્વના આપો. તે ખૂબ ડિપ્રેસ થઈ ગયો હશે.’ ચન્દ્રપાલ દયાલે એક મુલાકાતમાં કહ્યું કે ‘મેં યશને ફોન કરીને કહ્યું કે તું જરાય નાસીપાસ કે નર્વસ ન થતો. હું તારી પાસે આવી રહ્યો છું. આવું કંઈ પહેલી વાર નથી બન્યું. મોટા-મોટા બોલરની બોલિંગમાં આવું બને છે. બ્રૉડના ૬ બૉલમાં યુવરાજે ૬ સિક્સર ફટકારી હતી. મલિન્ગાની બોલિંગને વિરાટે ચીંથરેહાલ કરી હતી. ભૂલ સુધારી લેજે.’

ચન્દ્રપાલે પી.ટી.આઇ.ને ગઈ કાલે કહ્યું કે રવિવારની રાત અમારા માટે કાળી રાત હતી. મારી પત્ની રાધા સતત રડ્યા કરતી હતી. તેણે કંઈ પણ ખાવાની ના પાડી દીધી હતી. મારી ન્યુટ્રિશનિસ્ટ દીકરીએ તેની કાળજી લીધી. અમદાવાદથી મને જાણવા મળ્યું કે યશને ગુજરાતના સાથી ખેલાડીઓએ વચ્ચે બેસાડીને ખૂબ શાંત પાડ્યો હતો. કૅપ્ટન હાર્દિક સહિત કોઈએ તેને એકલો નહોતો છોડ્યો અને તેને ચિયર-અપ કરવા પૂરી કોશિશ કરી. બધાએ મન હળવું કરવા તેની સાથે ગીતો ગાયાં અને ખૂબ નાચ્યા. મોડી રાતે યશે મને ફોનમાં કહ્યું કે એ છેલ્લી કમનસીબ ઓવરમાં બૉલ મારા હાથમાંથી છટકી જતો હતો એટલે યૉર્કર નહોતો ફેંકી શક્યો.’

 મેં ૪૩ વર્ષની ક્રિકેટ કરીઅરમાં ત્રણ યાદગાર ઇનિંગ્સ જોઈ છે. રવિ શાસ્ત્રીએ રણજી મૅચમાં ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી અને અને શારજાહમાં જાવેદ મિયાંદાદે છેલ્લા બૉલમાં સિક્સર ફટકારેલી એ પછી હવે રિન્કુની પાંચ બૉલમાં પાંચ ધમાકેદાર સિક્સરવાળી ઇનિંગ્સ સદા યાદ રહી જશે. ચંદ્રકાન્ત પંડિત (કેકેઆરના હેડ-કોચ)

sports sports news cricket news kolkata knight riders gujarat titans Shah Rukh Khan hardik pandya indian premier league