GT vs CSK : ચેન્નઈ ગિલથી બચ્યું, પણ સુદર્શનનો કડવો અનુભવ થયો

30 May, 2023 10:18 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચેન્નઈનો જ બૅટર સીએસકેને નડ્યો : સાહા પણ ખરા સમયે ફરી ક્લિક થયો : લાંબા બ્રેકમાં પ્રેક્ષકોનો રેઇન-ડાન્સ

સાઈ સુદર્શન ફાઇલ તસવીર

અમદાવાદમાં ગઈ કાલે આઇપીએલની ફાઇનલમાં ગુજરાતે ધોનીની ચેન્નઈની ટીમને જીતવા ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો અને ચેન્નઈના ત્રણ બૉલમાં માંડ ચાર રન બન્યા હતા ત્યારે વરસાદના ફરી લાંબા વિઘ્નને લીધે રમત અટકી ગઈ હતી. આયોજકો ફરી રમત શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા ત્યારે ઘણા ક્રિકેટપ્રેમીઓ સ્ટૅન્ડમાં ડાન્સપ્રેમીમાં ફેરવાયા હતા. તેઓ ‘રાધા કૈસે ના જલે...’ ગીતની ધૂન પર ખૂબ નાચ્યા હતા. જોકે તેમના માટે ‘લગાન’ ફિલ્મનું જ ‘ઘનન...ઘનન...’ ગીત વધુ બંધબેસતું હોવાની કમેન્ટ સોશ્યલ મીડિયામાં થઈ હતી. કોઈક સ્ટૅન્ડમાં થોડા લોકો ગરબાના તાલે પણ નાચ્યા હતા. ધોનીની આ ૨૫૦મી આઇપીએલ-મૅચ હતી જે વિક્રમ છે.

ગિલને ૪ રન પર જીવતદાન

એ પહેલાં ધોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ચેન્નઈએ બૅટિંગ આપતાં જ ગુજરાતે ધમાકેદાર શરૂઆત કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ દમામદાર હતો. સૌથી ડેન્જરસ બૅટર શુભમન ગિલ (૩૯ રન, ૨૦ બૉલ, સાત ફોર) ધોની અને જાડેજાની સ્ટ્રૅટેજીનો શિકાર થયો એ પહેલાં તેણે વૃદ્ધિમાન સાહા (૫૪ રન, ૩૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે ૬૭ રનની બહુમૂલ્ય ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગિલ બીજી ઓવરમાં ૪ રન પર હતો ત્યારે દીપક ચાહરે સ્ક્વેર લેગમાં તેનો કૅચ છોડ્યો હતો. ગિલ ત્યાર બાદ બીજા ૩૫ રન બનાવી ગયો હતો. ગિલને રનઆઉટમાં પણ બે જીવતદાન મળ્યાં હતાં.

આ પણ વાંચો : IPL 2023 Final: હરખમાંને હરખમાં ધોનીએ જાડેજાને એવો તેડ્યો કે... જુઓ વીડિયો

સુદર્શનની ફટકાબાજી

જાડેજાના બૉલમાં ધોનીએ ગિલને સ્ટમ્પિંગમાં આઉટ કરી દીધો ત્યાર પછી સાહાએ સાઇ સુદર્શન (૯૬ રન, ૪૭ બૉલ, છ સિક્સર, આઠ ફોર) સાથે ૬૪ રનની પાર્ટનરશિપ કરી હતી. આમ ૫૪ રન બનાવનાર સાહાની બે મોટી ભાગીદારીએ ચેન્નઈની યોજનાઓને ઊંધી વાળી હતી. ચાહરની ૧૪મી ઓવરમાં સાહાનો ધોનીએ કૅચ પકડ્યો હતો. એ પછી સુદર્શને કૅપ્ટન હાર્દિક પંડ્યા (૨૧ અણનમ, ૧૨ બૉલ, બે સિક્સર) સાથે ત્રીજી વિકેટ માટે ૨૧૨ રનની પાર્ટનરશિપ પણ કરી હતી. ચેન્નઈમાં રહેતો ૨૧ વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટર સુદર્શન ૪ રન માટે સદી ચૂકી ગયો હતો, પણ ગુજરાતને ૨૧૪/૪ના તોતિંગ સ્કોર સુધી પહોંચાડવામાં તેનો સૌથી મોટો ફાળો હતો. છેલ્લી ઓવરમાં બૅટિંગ કરવા આવેલો રાશિદ ખાન (૦) છેલ્લા બૉલ આઉટ થયો હતો. સુદર્શન અને રાશિદની વિકેટ મથીશા પથિરાનાએ લીધી હતી.

અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓનો રેલવે સ્ટેશને રાતવાસો

અમદાવાદમાં રવિવારની ફાઇનલ સોમવારના રિઝર્વ ડે પર મોકલાતાં જે ક્રિકેટપ્રેમીઓએ અમદાવાદમાં પોતાની હોટેલમાંથી ચેક-આઉટ કરી લીધું હતું તેમ જ જેઓ હોટેલમાં બુકિંગ નહોતા કરાવી શક્યા એ તમામ અમદાવાદ રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને ત્યાં રાત વિતાવી હતી. તેમનાં પિક્ચર્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં હતાં. આમાંના ઘણા લોકો વરસાદમાં હેરાન થયા બાદ સ્ટેશને આવ્યા હતા. જોકે ગુજરાત-ચેન્નઈની મૅચ જોવી જ છે એવા સંકલ્પને લીધે તેઓ મોટી-મોટી તકલીફ વેઠીને પણ સોમવારે મૅચ માણવા સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા.

sports news sports cricket news ipl 2023 ahmedabad gujarat titans indian premier league ms dhoni chennai super kings