31 May, 2023 11:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સોમવારે અમદાવાદમાં સીએસકેની ઐતિહાસિક અને દિલધડક જીત બાદ કૅપ્ટન ધોનીએ પાંચમી ટ્રોફી કલેક્ટ કરી ત્યાર બાદ તેણે બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહની હાજરીમાં સેલિબ્રેશન શરૂ થતાં જ ટ્રોફી નિવૃત્ત થઈ રહેલા ટીમના બૅટર અંબાતી રાયુડુ (વચ્ચે)ને આપીને તેનું સન્માન કર્યું હતું.
સોમવારની મૅચના ‘મૅન ઑફ અમદાવાદ’ કહી શકાય એવા રવીન્દ્ર જાડેજાએ ફાઇનલ જિતાડ્યા પછી કહ્યું કે ‘હું હોમ-ક્રાઉડની સામે પાંચમું ટાઇટલ જીત્યો. અદ્ભુત લાગણી અનુભવી રહ્યો છું. હું ગુજરાતનો છું એટલે અત્યારે જે લાગણી થઈ રહી છે એ સ્પેશ્યલ છે. અહીંનું ક્રાઉડ પણ અદ્ભુત છે. તેમણે મોડી રાત સુધી વરસાદ અટકવાની રાહ જોઈ. સીએસકેને મારું બિગ કૉન્ગ્રેચ્યુલેશન. મારા તરફથી આ જીત ટીમના સ્પેશ્યલ મેમ્બર એમએસ ધોનીને સમર્પિત છે. મેં નક્કી કરેલું કે બૉલ ક્યાંય પણ જાય, મારે બૅટને મજબૂતપણે ફેરવવાનું, બસ. મને ખબર હતી કે મોહિત કદાચ સ્લોઅર બૉલ પણ ફેંકશે એટલે મેં મન મક્કમ બનાવીને બૉલને સ્ટ્રેઇટ મારવાનું નક્કી કરી રાખ્યું હતું.’
અમદાવાદની ફાઇનલમાં રવીન્દ્ર જાડેજાએ મૅચ ફિનિશ કરી કે થોડી જ વારમાં તેની પત્ની રીવાબા મેદાન પર આવીને તેને પગે લાગી હતી અને તેને ભેટી પડી હતી.
જાડેજાએ ટ્રોફી લઈને રીવાબા તેમ જ છ વર્ષની પુત્રી નિધ્યાના સાથે ફોટો પડાવ્યો હતો.
ધૅટ્સ ધ વે, માહી વે
રવિવારે રાત્રે ફાઇનલ દરમ્યાન લોકોને ધોનીનું નવું રૂપ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે પોતાનાં ઇમોશન્સ કોઈની સામે વ્યક્ત ન કરતો આ લેજન્ડરી કૅપ્ટન છેલ્લા બૉલ વખતે આંખ મીંચીને બેસી ગયો હતો. એટલું જ નહીં, જાડેજાએ ફટકારેલી વિજયી ફોર બાદ જડ્ડુને ઊંચકીને તે પહેલી વાર મેદાન પર ભાવુક જોવા મળ્યો હતો. તેના આ નવા અવતારને પણ ધૅટ્સ ધ વે, માહી વે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.