30 May, 2023 10:08 AM IST | Ahmedabad | Shailesh Nayak
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ધોનીના ફૅન્સ મોટી સંખ્યામાં તેના નામવાળી ટી-શર્ટ પહેરીને તેને મેદાન પર રમતો જોવા ઊમટ્યા હતા. અને રૅપર કિંગ (ડાબે)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આઇપીએલની ફાઇનલ મૅચનો અંદાજે એક લાખ જેટલા દર્શકોએ રોમાંચ માણ્યો હતો. એટલું જ નહીં, મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં આવતાં પ્રેક્ષકોએ ‘ધોની... ધોની...’ની બૂમો પાડીને આવકાર્યો હતો.
ક્લોઝિંગ સેરેમનીમાં વિખ્યાત રેપર કિંગે રંગ જમાવ્યો હતો. ‘ઓ મેરે સોના રે, સોના રે...’, ‘તુ માન મેરી જાન...’ સહિતનાં ગીતોથી દર્શકોને ડોલાવ્યા હતા. ગીત-સંગીતના કાર્યક્રમ દરમ્યાન ફાયર વર્ક્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ફાયર ફ્લેમ સહિતની આતશબાજી લોકો જોતા રહી ગયા હતા. સ્ટેડિયમમાં અંદાજે એક લાખ જેટલા દર્શકોને ફાઇનલ મૅચ અને એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ માણવાની મજા આવી ગઈ હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યાં નજર કરો ત્યાં જાણે કે યલો ડોટ દેખાતા હોય એવાં દૃશ્યો નજરે પડ્યાં હતાં. મોટા ભાગના પ્રેક્ષકો ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન ધોનીના નામવાળી ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમમાં બેઠા હતા.
ફાઇનલની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીત વગાડવામાં કોઈક કારણસર ક્ષતિ ઊભી થઈ હતી અને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો સન્માનમાં ઊભા થઈ ગયા હતા, પરંતુ રાષ્ટ્રગીતની એક પંક્તિ વાગીને બંધ થઈ ગઈ હતી. જોકે એ પછી બન્ને ટીમ મેદાન પર આવી હતી અને રાષ્ટ્રગીત પૂરું વાગ્યું હતું. સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ ઊભા થઈને રાષ્ટ્રગીત ગાયું હતું. મેદાન પર સાંઈ સુદર્શન, વૃદ્ધિમાન સહા તેમ જ શુભમન ગિલની બેટિંગનો લહાવો પ્રેક્ષકોએ મન ભરીને માણ્યો હતો અને ગુજરાત ટાઇટન્સને ભરપૂર સપોર્ટ કર્યો હતો.