GT vs CSK : હાર્દિકની ટેરિટરીમાં ધોનીનું રાજ : જાડેજાએ માહીને તેની જ સ્ટાઇલમાં મૅચ ફિનિશ કરી આપી

31 May, 2023 10:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ પાંચમી ટ્રોફી જીતીને સૌથી વધુ ટાઇટલ જીતનાર મુંબઈની બરાબરીમાંઃ કૉન્વે મૅન ઑફ ધ ફાઇનલ અને શુભમન ગિલ મૅન ઑફ ધ ટુર્નામેન્ટ

સોમવારે જીટીના પેસ બોલર મોહિત શર્માના (સીઝનના છેલ્લા) બૉલમાં ફોર ફટકાર્યા પછી દૂર સુધી દોડીને ઊંચી છલાંગ મારનાર રવીન્દ્ર જાડેજા.

એમ. એસ. ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ સોમવારે આઇપીએલની ૧૬મી સીઝનમાં પાંચમી ટ્રોફી જીતીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના વિક્રમની બરાબરી કરી હતી. ચેન્નઈએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી)ને સીઝનના છેલ્લા બૉલે પૂરા થયેલા અભૂતપૂર્વ અને દિલધડક જંગમાં પાંચ વિકેટના માર્જિનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું અને ગુજરાતની ટીમ રનર-અપ રહી હતી.

ગુજરાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૪ રન બનાવ્યા બાદ ચેન્નઈએ ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ટૂંકાવવામાં આવેલી મૅચમાં નિર્ધારિત ૧૫ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૭૧ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોનીની કરીઅરની આ અંતિમ મૅચ મનાતી હતી અને તે નિવૃત્તિ જાહેર કરશે એવું માનવામાં આવતું હતું, પરંતુ તેણે એવી કોઈ જાહેરાત નહોતી કરી અને આવતા છ-સાત મહિનામાં શરીર પોતાને કેવો સાથ આપશે એને આધારે અંતિમ નિર્ણંય લેશે એવું તેણે કહ્યું હતું. જોકે એક રીતે તેણે ચાહકોનું માન રાખીને વધુ એક આઇપીએલ (૨૦૨૪ની સીઝન) રમવાની તૈયારી પણ બતાડી હતી.

અમદાવાદ એટલે ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટેરિટરી કહેવાય અને ધોનીએ એમાં તેની ટીમને પરાજિત કરીને આઇપીએલના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે.

રવીન્દ્ર જાડેજા (૧૫ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, એક ફોર)એ પેસ બોલર મોહિત શર્માના છેલ્લા બે બૉલમાં સિક્સર અને ફોર ફટકારીને ચેન્નઈને યાદગાર વિજય અપાવ્યો હતો. સીઝન પહેલાં જ જાડેજાએ કહ્યું હતું કે તે અને સાથી ખેલાડીઓ ધોનીને પાંચમી ટ્રોફી અપાવવા મક્કમ છે. જાડેજાએ છેલ્લે ધોનીની જ સ્ટાઇલમાં તેને ફાઇનલ ફિનિશ કરાવી આપી.

આ પણ વાંચો : GT vs CSK : અમદાવાદમાં અદ્ભુત ડિજિટલ લાઇટ-શોએ સૌને મંત્રમુગ્ધ કર્યા

ઋતરાજ ગાયકવાડ (૨૬ રન, ૧૬ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને ડેવૉન કૉન્વે (૪૭ રન, પચીસ બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે ૭૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. શિવમ દુબે (૩૨ અણનમ, ૨૧ બૉલ, બે સિક્સર) અજિંક્ય રહાણે (૨૭ રન, ૧૩ બૉલ, બે સિક્સર, બે ફોર) અને કારકિર્દીની છેલ્લી મૅચ રમનાર અંબાતી રાયુડુ (૧૯ રન, ૮ બૉલ, બે સિક્સર, એક ફોર)નાં પણ મહત્ત્વનાં યોગદાનો હતાં. જોકે ખુદ કૅપ્ટન ધોની પહેલા જ બૉલે કૅચ આપી બેસતાં તેના કરોડો ચાહકો નિરાશ થયા હતા. જોકે છેલ્લે સીએસકેએ છેલ્લે થ્રિલરમાં વિજય મેળવ્યો એ સાથે ધોનીની બૅટિંગની નિષ્ફળતા ભુલાઈ ગઈ હતી અને તેના યાદગાર વિજયનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.

ચેન્નઈના કિવી બૅટર ડેવૉન કૉન્વેને મૅન ઑફ ધ ફાઇનલનો અને શુભમન ગિલ (૧૭ મૅચમાં હાઇએસ્ટ ૮૯૦ રન, ૩ સેન્ચુરી, ૪ હાફ સેન્ચુરી, ૩૩ સિક્સર, ૮૫ ફોર)ને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ અપાયો હતો.

સુદર્શન નડ્યો ચેન્નઈને અને જાડેજા ભારે પડ્યો ગુજરાતને

મૂળ ચેન્નઈના સાઇ સુદર્શને સોમવારે ૯૬ રન બનાવીને ચેન્નઈ સુપર કિંગ્સને વિજય માટે મુશ્કેલ લક્ષ્યાંક અપાવવામાં ગુજરાત ટાઇટન્સને સૌથી વધુ મદદ કરી હતી. જોકે ગુજરાત રાજ્યના જ (સૌરાષ્ટ્રના બાપુ) રવીન્દ્ર જાડેજા ગુજરાત ટાઇટન્સને છેલ્લે ભારે પડ્યો હતો. શ્રીલંકાના મથીશા પથિરાનાની બે વિકેટ અને દીપક ચાહરની એક વિકેટ ઉપરાંત જાડેજાએ શુભમન ગિલની સૌથી મહત્ત્વની વિકેટ તો લીધી જ હતી, તેણે અણનમ ૧૫ રન બનાવીને (ખાસ કરીને છેલ્લા બે બૉલમાં સિક્સર અને ફોર સાથે) ચેન્નઈને અવિસ્મરણીય વિજય અપાવ્યો હતો.

છેલ્લી (૧૫મી) ઓવરમાં શું બન્યું?

ગુજરાત ટાઇટન્સે સોમવારે (રિઝર્વ-ડેએ) ફાઇનલમાં બૅટિંગ મળ્યા પછી ૨૦ ઓવરમાં સાઇ સુદર્શનના ૯૬, સાહાના ૫૪, ગિલના ૩૯ અને હાર્દિકના અણનમ ૨૧ રનની મદદથી ૪ વિકેટે ૨૧૪ રન બનાવ્યા હતા. વરસાદને કારણે છેવટે મધરાત બાદ ચેન્નઈ સુપર કિંગ્સને ૧૫ ઓવરમાં ૧૭૧ રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ૧૪મી ઓવરને અંતે ચેન્નઈનો સ્કોર પાંચ વિકેટે ૧૫૮ રન હતો. રવીન્દ્ર જાડેજા ૪ રને અને શિવમ દુબે ૩૦ રને રમી રહ્યો હતો. ચેન્નઈએ મોહિત શર્માની સીઝનની આ અંતિમ ઓવરમાં જીતવા ૧૪ રન બનાવવાના હતા. મોહિતના પહેલા ચાર બૉલ યૉર્કર અને ફુલ-ટૉસ હતા. પ્રથમ બૉલ ડૉટ-બૉલ રહ્યા બાદ પછીના ત્રણ બૉલમાં ૧, ૧, ૧ રન બન્યા હતા. પાંચમો પણ યૉર્કર હતો, પરંતુ એમાં લેન્ગ્થનો અભાવ હતો. જાડેજાએ એ બૉલને સીધો લૉન્ગ-ઑન પરથી સ્ટેડિયમમાં મોકલી દીધો હતો. એ રોમાંચક સિક્સર પછી લાસ્ટ બૉલમાં ચેન્નઈએ જીતવા ૪ રન અને ટાઇ માટે ૩ રન બનાવવાના હતા. મોહિતના આ છેલ્લા બૉલમાં લાઇનનો અભાવ હતો. બહારના નીચા ફુલ-ટૉસમાં જાડેજાએ બૉલને સ્વિંગથી શૉર્ટ ફાઇન લેગ તરફના ગૅપમાં મોકલી દીધો હતો અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.

sports news sports cricket news indian premier league ipl 2023 ravindra jadeja ms dhoni chennai super kings gujarat titans