31 May, 2023 11:25 AM IST | Ahmedabad | Shailesh Nayak
મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે પરોઢિયે હોટેલમાં કેક કટ કરી હતી.
સોમવારે આઇપીએલની ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર ગુજરાત ટાઇટન્સને પરાજીત કરીને ચૅમ્પિયન બનેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ગઈ કાલે વહેલી પરોઢે હોટેલમાં ધમાકેદાર સેલિબ્રેશન કર્યું હતું. એટલું જ નહીં, વહેલી સવારે અમદાવાદમાં હોટેલની બહાર મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક મેળવવા અને ચૅમ્પિયન ટીમ સીએસકેને ચિયર-અપ કરવા ક્રિકેટ ફૅન્સ ટોળે વળ્યા હતા. ફૅન્સને જોઈને લક્ઝરી બસમાં બેઠેલા ક્રિકેટરોએ તેમના વિડિયો બનાવ્યા હતા અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ફાઇનલ મૅચમાં વરસાદના કારણે વિલંબ થતાં મૅચ અડધી રાતે પૂરી થઈ હતી અને એ પછી ઇનામ વિતરણ કાર્યક્રમ થયા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ અમદાવાદની હોટેલ પર પહોંચી ત્યારે વહેલી પરોઢ થઈ ચૂકી હતી. ચૅમ્પિયન ટીમના ખેલાડીઓને ત્યારે અચરજ થયું કે વહેલી પરોઢે અંદાજે પોણાપાંચ વાગ્યે પણ ચાહકો હોટેલની બહાર તેમને આવકારવા અને તેમનું અભિવાદન કરવા ઉજાગરો કરીને ઊભા હતા. ક્રિકેટરોની બસ આવતાં જ ચાહકોએ ‘ધોની... ધોની...’ અને ‘સીએસકે’ની બૂમો પાડીને તેમના પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. ચાહકોની આ પળને ઘણા બધા ખેલાડીઓએ તેમના મોબાઇલમાં કેદ કરીને એને યાદગાર સંભારણું બનાવી દીધું હતું. રવીન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે સહિતના ખેલાડીઓએ તેમના ફૅન્સનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
રવીન્દ્ર જાડેજાએ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ખેલાડીઓ બસમાંથી ઊતરીને ઢોલના તાલે ડાન્સ કરતાં-કરતાં હોટેલમાં આવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વાર આઇપીએલ ચૅમ્પિયન બની હોવાથી એને ધ્યાનમાં રાખીને પાંચ લેયરની મોટી કેક બનાવી હતી અને જે વર્ષે ટીમ ચૅમ્પિયન બની હતી એ વર્ષના અલગ-અલગ લેયર બનાવ્યાં હતાં. મહેન્દ્ર સિંહ ધોનીએ કેક કટ કરીને ટીમના સાથી ખેલાડીઓ સાથે ખુશી મનાવી હતી.