31 May, 2023 11:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : ટ્વિટર
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઇપીએલની ફાઇનલ મૅચ દરમ્યાન વરસાદ પડ્યા બાદ પિચની પાસે ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવાની પ્રક્રિયા ટ્રોલ થઈ હતી. જે રીતે કર્મચારીઓ પિચ પર રેહલા પાણીને સ્પંજથી ખેંચી લઈને ડોલમાં નાંખી રહ્યા હતા એની સામે સોશ્યલ મીડિયામાં મીમ્સ બન્યાં હતાં અને લોકોએ પ્રશ્નો ઉઠાવી આવી સિસ્ટમને આડે હાથ લીધી હતી.
સોશ્યલ મીડિયામાં લોકોએ સ્પંજથી પાણી ઉલેચતા કર્મચારીઓના ફોટો મૂકીને એની સામે સવાલો ઉઠાવ્યા હતા કે આધુનિક સ્ટેડિયમમાં આવી વ્યવસ્થા? વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સ્પંજના ટુકડા અને જૂનાં ડબલાં વાપરવા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મૅચ લાઇવ હોવાથી આ દૃશ્યો જોઈને અમદાવાદનું સ્ટેડિયમ વિશ્વ સમક્ષ હાસ્યાસ્પદ બન્યું હોવાનાં લખાણો સાથે લોકોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી તો કેટલાકે અન્ય ક્રિકેટ બોર્ડે વસાવેલા અત્યાધુનિક મશીનના ફોટો અને સ્પંજથી પાણી કાઢતા ફોટો એક સાથે મૂકીને સરખામણી પણ કરી હતી.