વાનખેડેમાં આજે સેટરડે નાઇટ બ્લૉકબસ્ટર

08 April, 2023 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિતના મુંબઈ અને ધોનીના ચેન્નઈ વચ્ચે ટક્કર: અર્જુન તેન્ડુલકરનો નંબર હવે લાગશે?

વાનખેડેમાં આજે સેટરડે નાઇટ બ્લૉકબસ્ટર

આઇપીએલની બે સૌથી સફળ ટીમ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે રાતે વાનખેડે સ્ટેડિયમમાં આ સીઝનનો ખરાખરીનો અને હાઈ-સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે. રોહિત શર્માના સુકાનમાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ બીજી એપ્રિલની પોતાની પહેલી મૅચમાં બૅન્ગલોર સામેના વન-સાઇડેડ મુકાબલામાં ૮ વિકેટના મોટા માર્જિનથી ખરાબ રીતે હાર્યા બાદ અઠવાડિયાનો આરામ કરીને પાછી રમવા આવી રહી છે અને હોમ-ગ્રાઉન્ડમાં જીતવાના પ્રેશરમાં રમશે.
કોહલી પછી હવે ધોની બાજી બગાડશે?
બૅન્ગલોરમાં જેમ વિરાટ કોહલીએ મુંબઈના બોલર્સને નબળા સાબિત કર્યા એમ આજે કદાચ ધોની મુંબઈની બાજી બગાડી શકે. માહી હજી પણ પહેલાં જેવો કાતિલ ફૉર્મમાં છે એ તેણે સોમવારે ચેન્નઈમાં લખનઉ સામેની મૅચમાં ઇનિંગ્સની આખરમાં ઉપરાઉપરી બે સિક્સર મારીને પુરવાર કર્યું હતું.
જોકે ચેન્નઈની ટીમમાં ખાસ કરીને બે બોલર્સ રાજ્યવર્ધન હંગરગેકર અને તુષાર દેશપાંડે માટે આજે વાનખેડેની બૅટિંગ-ફ્રેન્ડ્લી પિચ પર આકરી કસોટીનો દિવસ છે, કારણકે કૅપ્ટન ધોનીએ તેમને ગઈ મૅચ પછી કડક ચેતવણી આપી હતી કે તમે હવે નો-બૉલ અને વાઇડ ફેંકવાનું બંધ નહીં કરો તો તમારે બીજા કોઈ કૅપ્ટનના હાથ નીચે રમવાની તૈયારી રાખવી પડશે.
જોકે ચેન્નઈ પાસે ગયા મુકાબલાનો મૅચ-વિનર મોઇન અલી અને મિચલ સૅન્ટનર પણ છે. સૅન્ટનરને બદલે કદાચ યૉર્કર સ્પેશ્યલિસ્ટ સિસાન્દા ઍમ્ગાલાને રમાડવામાં આવે તો નવાઈ નહીં.
સૂર્યાના કમબૅક ફૉર્મનો ઉદય થશે?
ગઈ સીઝનની છેલ્લા નંબરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ આજે ૧૬મી સીઝનમાં પહેલો પૉઇન્ટ લેવા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને બરાબર કામે લગાડશે એમાં કોઈ શંકા નથી. રોહિતની સાથે ઈશાન કિશન અને ખાસ કરીને સૂર્યકુમાર યાદવની પણ આજે આકરી કસોટી થશે. બની શકે મુંબઈ ત્રણ જ ઓવરસીઝ પ્લેયર્સ સાથે રમવા ઊતરશે અને પછી બોલિંગમાં એકાદ બૅટરને બેસાડીને લેફ્ટ-આર્મ સીમ બોલર જેસન બેહરનડૉર્ફને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવશે. જોફરા આર્ચર મુખ્ય ફાસ્ટ બોલર તરીકે છે જ, પરંતુ અર્જુન તેન્ડુલકરને મોકો મળશે કે કેમ એ જોવું રહ્યું. મુંબઈના બોલર્સે ખાસ કરીને ડેવૉન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સને પણ કાબૂમાં રાખવા પડશે.

ભારતીય ક્રિકેટના લેજન્ડ ધોનીનું ગઈ કાલે વાનખેડે ખાતે એમસીએ દ્વારા બહુમાન કરાયું હતું. વાનખેડેમાં ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલમાં ધોનીની વિનિંગ સિક્સરમાં બૉલ જ્યાં પડ્યો હતો એ સ્થાન ખાતેની પાંચ સીટના મેમોરિયલના ઉદ્ઘાટનના પ્રસંગે એવું પણ જાહેર કરાયું હતું કે એક સીટને કાયમ માટે ‘એમએસ સીટ’ નામ અપાશે. વાનખેડેમાં ધોનીની સિક્સરવાળા પોઝનું સ્ટૅચ્યુ પણ બનવાનું છે.  પી. ટી.આઇ.

વાનખેડેમાં ગઈ કાલે ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરે (ઉપર) બોલિંગની પ્રૅક્ટિસ ઉપરાંત બૅટિંગ-કોચ પોલાર્ડની દેખરેખમાં બૅટિંગની ઘણી પ્રૅક્ટિસ પણ કરી હતી. મુંબઈમાં ગઈ કાલે સવારથી વાદળિયું હવામાન હતું અને એવા માહોલમાં રોહિત શર્માની ટીમે જરૂરી પ્રૅક્ટિસ કરી લીધી હતી.  આશિષ રાજે

cricket news ipl 2023 sports news indian premier league chennai super kings mumbai indians