23 April, 2023 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગો ગ્રીન’ અભિયાન હેઠળ બૅન્ગલોરની ટીમ ગ્રીન જર્સી પહેરીને મેદાનમાં રમવા ઊતરશે
બૅન્ગલોરને ઘરઆંગણે પછાડવા રાજસ્થાનની ટીમના મિડલ ઑર્ડરે યોગદાન આપવું પડશે. રાજસ્થાનની ટીમના અત્યારે ૮ પૉઇન્ટ છે, તો બૅન્ગલોરના ત્રણ જીત અને એટલી જ હાર સાથે ૬ પૉઇન્ટ છે. લખનઉ સામે રાજસ્થાન જે રીતે હાર્યું એ જોતાં તેમણે તેમના પ્રદર્શન પર ધ્યાન આપવું પડશે. ૧૫૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાને જયસ્વાલ (૪૪) અને બટલર (૪૦) સાથે સારી શરૂઆત કરી હતી, પરંતુ મિડલ ઑર્ડર નિષ્ફળ જતાં ૧૦ રનથી પરાજય સહન કરવો પડ્યો હતો.
બૅન્ગલોર પાસે ડુ પ્લેસી અને કોહલી જેવી શાનદાર ઓપનિંગ જોડી છે. બન્ને ફૉર્મમાં છે. મૅક્સવેલે આક્રમક રમત બતાવી છે, પણ સાતત્ય નથી. બૅન્ગલોરનું બોલિંગ આક્રમણ સિરાજના સુરક્ષિત હાથોમાં છે. તેણે છેલ્લી મૅચમાં ૨૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. બૅન્ગલોરની ટીમ આજે પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાના પોતાના અભિયાન ‘ગો ગ્રીન’ને જોતાં ગ્રીન જર્સીમાં મેદાનમાં ઊતરશે.