02 April, 2023 08:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પંજાબ કિંગ્સના ખેલાડીઓ (તસવીર: PTI)
IPL 2023ના પહેલા દિવસે ગુજરાત ટાઈટન્સે CSKને માત આપી હતી. ત્યારે બીજા દિવસે પંજાબ કિંગ્સ(Punjab Kings)એ કોલકાતા નાઈટ રાઈડર્સ(Kolkata Night Riders)ને હરાવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સને પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 7 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે રમત રોકવામાં આવી ત્યારે ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી રમત રમી શકાઈ ન હતી. જે બાદ પંજાબ કિંગ્સને 7 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યર 28 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
પંજાબ કિંગ્સના બોલરોની આ હાલત હતી
બીજી તરફ પંજાબ કિંગ્સના બોલરોની વાત કરીએ તો અર્શદીપ સિંહે સૌથી વધુ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આ સિવાય સેમ કરન, નાથન એલિસ, સિકંદર રઝા અને રાહુલ ચાહરને 1-1 સફળતા મળી હતી.
આ પણ વાંચો: ધોનીનો નંબર ૭ સાથે જોડાયેલો છે અનોખો રેકૉર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો
આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ માટે ભાનુકા રાજપક્ષે 32 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવ સિવાય સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી.