24 March, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિઆમ લિવિંગસ્ટન (તસવીર : iplt20.com)
૨૦૨૨ની આઇપીએલમાં ૧૪ મૅચમાં ૧૮૨.૦૮ના સ્ટ્રાઇક રેટ સાથે ૪૩૭ રન બનાવનાર અને ૬ વિકેટ લેનાર પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટનને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ૩૧ માર્ચે શરૂ થતી આઇપીએલની નવી સીઝનમાં રમવા મંજૂરી આપી દીધી છે. જોકે આ જ ટીમના બીજા ઑલરાઉન્ડર અને ઇંગ્લૅન્ડની ટીમના મુખ્ય ખેલાડીઓમાંના એક જૉની બેરસ્ટૉને પોતાના બોર્ડ તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) નથી મળ્યું.
બેરસ્ટૉ ઍશિઝ માટે જોઈએ જ
જૉની બેરસ્ટૉ આખી આઇપીએલમાં નહીં રમે. આ વર્ષે ઇંગ્લૅન્ડની ઑસ્ટ્રેલિયા સામે જે ઍશિઝ સિરીઝ રમાવાની છે એ માટે બેરસ્ટૉ ફિટ રહેશે એવી બ્રિટિશ બોર્ડને આશા છે.
પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ ઑક્શનમાં લિવિંગસ્ટનને ૧૧.૫૦ કરોડ રૂપિયામાં અને બેરસ્ટૉને ૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બેરસ્ટૉને ગયા વર્ષે ઑગસ્ટમાં પગમાં ફ્રૅક્ચર થયું હતું અને ઑક્ટોબરમાં તેણે સર્જરી કરાવી હતી. ત્યાર પછી તે રમ્યો જ નથી. લિવિંગસ્ટન પણ ઘૂંટણ અને ઘૂંટીની ઈજાને કારણે ડિસેમ્બરથી નથી રમ્યો.
૧૮.૫૦ કરોડનો સૅમ સૌથી મોંઘો
ઇંગ્લૅન્ડનો ત્રીજો ઑલરાઉન્ડર સૅમ કરૅન આ વખતની આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને પંજાબ કિંગ્સે ૧૮.૫૦ કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો છે. ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે કરૅનને આઇપીએલમાં રમવાની મંજૂરી આપી દીધી છે.
વિલ જૅક્સના સ્થાને બ્રેસવેલ
ઇંગ્લૅન્ડનો વિલ જૅક્સ ઈજાને કારણે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી નહીં રમી શકે અને તેના સ્થાને માઇકલ બ્રેસવેલને બોલાવવામાં આવ્યો છે. જોકે બીજા બ્રિટિશ પ્લેયર્સમાંથી માર્ક વુડ (લખનઉ), જોફ્રા આર્ચર (મુંબઈ) અને બેન સ્ટોક્સ (ચેન્નઈ) આઇપીએલમાં રમવાના છે.