02 March, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોની, ડુ પ્લેસી
૨૦૨૨થી ફૅફ ડુ પ્લેસીએ બૅન્ગલોરની ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી. કૅપ્ટન તરીકેની પહેલી સીઝનમાં જ તે ટીમને પ્લેઑફમાં લઈ ગયો હતો સાથોસાથ શાનદાર નેતૃત્વનાં દર્શન પણ કરાવ્યાં હતાં. વળી તેણે સાથોસાથ બૅટિંગમાં પણ કમાલ દેખાડી. ૧૬ મૅચમાં તેણે ૩ ફિફ્ટી સાથે ૪૬૮ રન બનાવ્યા, જેમાં ૯૬ સર્વોચ્ચ હતા. આઇપીએલ ૨૦૨૨માં સૌથી વધુ રન બનાવનારામાં તે સાતમા ક્રમે હતો. કૅપ્ટનની ભૂમિકા શિખવાડવા માટે તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથ, એમ. એસ. ધોની અને સ્ટીફન ફ્લેમિંગ જેવા ખેલાડીઓને શ્રેય આપ્યું છે. ડુ પ્લેસીએ કહ્યું હતું કે ‘લીડરશિપનું મને હંમેશાં એક પ્રકારનું આકર્ષણ રહેતું. હું જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાં જોડાયો ત્યારે ગ્રેમ સ્મિથ કૅપ્ટન હતો. તેમની હાજરી હંમેશાં વર્તાતી. ડ્રેસિંગ-રૂમમાં તેમનો હંમેશાં દબદબો રહેતો. મને એમ થતું કે આ જ કૅપ્ટન છે. એ પછી મેં અલગ પ્રકારના કૅપ્ટન પણ જોયા. જ્યારે હું ધોનીની આગેવાનીવાળી ચેન્નઈની ટીમ સાથે ૨૦૧૧માં જોડાયો ત્યારે હું યુવાન હતો. સ્ટીફન ફ્લેમિંગ પણ ટીમ સાથે કોચ તરીકે હતા. હું હંમેશાં ફ્લેમિંગની સાથે બેસી રહેતો અને કૅપ્ટન્સીને લઈને તેમને સવાલ પૂછતો રહેતો. વળી ધોનીની રમત પ્રત્યેની સૂઝબૂજ અદ્ભુત હતી. કૅપ્ટન તરીકે તે ઘણો પ્રભાવશાળી હતો, જેની પાસેથી મને ઘણું શીખવા મળ્યું. જોકે મને એટલી ખબર પડી ગઈ કે હું સ્મિથ, ફ્લેમિંગ કે ધોની નથી. હું જેવો છું એવો જ મારે રહેવું પડશે.’