23 December, 2022 01:06 PM IST | Kochi | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો ૨૪ વર્ષનો ઑલરાઉન્ડર સૅમ કરૅન દોઢ મહિના પહેલાં ટી૨૦ વર્લ્ડ કપમાં મૅન ઑફ ધ ફાઇનલ અને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો. આજે આઇપીએલની ઘણી ટીમો તેને ખરીદવા માટે રેસ લગાવશે.
કોચી શહેરમાં આજે બપોરે ૨.૩૦ વાગ્યાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૦ ટીમના ફ્રૅન્ચાઇઝીઓ મિની ઑક્શનમાં પોતપોતાની પાસે બાકી રહેલી રકમમાંથી ૨૦૨૩ની સીઝન માટે જરૂર પૂરતા ખેલાડીઓ પસંદ કરશે.
દેશ-વિદેશમાંથી આ હરાજી માટે ખેલાડીઓની ૯૯૧ અરજીઓનો રાફડો ફાટ્યો હતો, પરંતુ એમાંથી ૪૦૫ પ્લેયર્સને શૉર્ટ-લિસ્ટ કરાયા છે અને તેમનામાંથી ૩૦ વિદેશી સહિત કુલ મળીને માત્ર ૮૭ ખેલાડીને પસંદ કરવામાં આવશે.
બેન સ્ટોક્સ, સૅમ કરૅન, કૅમેરન ગ્રીન અને મયંક અગરવાલ આજે ખાસ ડિમાન્ડમાં રહેશે એવી સંભાવના છે. રણજી ટ્રોફીમાં મુંબઈ વતી ડબલ સેન્ચુરી સાથે ચમકી રહેલા અજિંક્ય રહાણે અને ભારત વતી ગઈ કાલે સારું કમબૅક કરનાર જયદેવ ઉનડકટને મેળવવા કેટલીક ટીમો પ્રયાસ કરશે. જોકે ઓછા જાણીતા ભારતીયોમાંથી સનવીર સિંહ, સમર્થ વ્યાસ, એન. જગદીશન, યશ ઠાકુર, વૈભવ અરોડા, આકાશ વશિષ્ઠ, શાહરુખ દર અને મુજતબા યુસુફ તેમ જ આયરલૅન્ડના જૉશ લિટલ, યુએસના કાર્તિક મય્યપ્પન, અફઘાનિસ્તાનના માત્ર ૧૫ વર્ષના સ્પિનર અલ્લા મોહમ્મદ ગઝનફર પણ ડિમાન્ડમાં રહેશે.
16.25
૨૦૨૧ના આઇપીએલના ઑક્શનમાં સાઉથ આફ્રિકાનો ક્રિસ મૉરિસ કુલ આટલા કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદાયો હતો. રાજસ્થાન રૉયલ્સે તેને ખરીદ્યો હતો.
ઇમ્પૅક્ટ પ્લેયર : આઇપીએલ ૨૦૨૩નું નવલું નજરાણું
ફુટબૉલ, રગ્બી અને બીજી કેટલીક રમતોમાં ઇમ્પૅક્ટ પ્લેયરનો વિકલ્પ અજમાવવાની છૂટ છે અને હવે આઇપીએલ-૨૦૨૩માં પહેલી વાર એનો ઉપયોગ થવાનો છે. એમાં એક સબસ્ટિટ્યુટને ઇલેવનમાં સમાવી શકાશે અને તે બૅટિંગ તથા બોલિંગ કરી શકશે. તે જેનું સ્થાન લેશે એ ખેલાડી એ મૅચમાં પાછો નહીં રમી શકે. જો ઇલેવનમાં ચારથી ઓછા વિદેશી ખેલાડીઓ હશે તો ઇમ્પૅક્ટ પ્લેયર ભારતીય જ હોવો જોઈશે. ટૉસ વખતે કૅપ્ટને ઇલેવન ઉપરાંત પોતાના ચાર સબસ્ટિટ્યુટ પ્લેયરનાં નામ પણ આપવાં પડશે. એ ચારમાંથી કોઈ એકને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
કઈ ટીમ ખાસ શેના પર વધુ ધ્યાન આપશે?
(૧) મુંબઈ ઇન્ડિયન્સ : સૌથી વધુ પાંચ વાર ટાઇટલ જીતનાર રોહિત શર્માના સુકાનવાળી આ ટીમે કીરોન પોલાર્ડના યોગ્ય વિકલ્પ પર ખાસ ભાર આપવો પડશે. બેન સ્ટોક્સ, કૅમેરન ગ્રીન કે સૅમ કરૅનમાંથી કોઈ એકનું સિલેક્શન પર્ફેક્ટ બની શકે. બુમરાહ અને જોફ્રા આર્ચરના બૅક-અપ બોલર પસંદ કરવા પર પણ ધ્યાન રાખવું પડશે. મુંબઈ બાકીનાં ૯ સ્થાન માટે વધુમાં વધુ કુલ ૨૦.૫૫ કરોડ રૂપિયા વાપરી શકશે.
(૨) ચેન્નઈ સુપર કિંગ્સ : ચાર વખત ટાઇટલ જીતનાર આ ટીમ ૨૦૨૨ની આઇપીએલમાં નવમા સ્થાને રહી અને આ ફ્રૅન્ચાઇઝીએ આઇપીએલમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા અને હવે સીએસકેના બોલિંગ-કોચ બનેલા ડ્વેઇન બ્રાવોના યોગ્ય વિકલ્પ તરીકે આજની હરાજીમાં સૅમ કરૅન જેવા ઑલરાઉન્ડરને મેળવવા પર ધ્યાન આપવું પડશે. ધોનીની કૅપ્ટન્સીવાળી આ ટીમ પાસે મિડલ-ઑર્ડરમાં હવે રૉબિન ઉથપ્પા પણ નથી એટલે તેનો વિકલ્પ પણ શોધવો પડશે અને એ માટે મયંક અગરવાલ ફિટ બેસે એવો છે. રવીન્દ્ર જાડેજાને આ ફ્રૅન્ચાઇઝીએ રિટેન કર્યો છે. આ ટીમે સાત ખેલાડીને પસંદ કરવા વધુમાં વધુ ૨૦.૪૫ કરોડ રૂપિયા ખર્ચવાના છે.
(૩) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર: પંદરમાંથી એક પણ સીઝનમાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલી ફૅફ ડુ પ્લેસીના સુકાનવાળી આ ટીમે જૉશ હેઝલવુડના બૅક-અપ વિદેશી સીમ બોલર તરીકે કોઈને પસંદ કરવાનો રહેશે. એક સારા ભારતીય ટૉપ-ઑર્ડર બૅટરની પણ ટીમને ખાસ જરૂર છે અને એ જો ડુ પ્લેસી સાથે દાવની શરૂઆત કરશે તો વિરાટ કોહલી વનડાઉનમાં રમી શકે. આ ટીમે માત્ર સાત પ્લેયર મેળવવા કુલ ફક્ત ૮.૭૫ કરોડ રૂપિયા ખર્ચવાના છે.
(૪) કલકત્તા નાઇટ રાઇડર્સ : નવા હેડ-કોચ ચંદ્રકાન્ત પંડિતના કોચિંગમાં અને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં તૈયાર થઈ રહેલી આ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમે ૧૧ સ્થાન ભરવા સૌથી ઓછા ફક્ત ૭.૦૫ કરોડ રૂપિયા વાપરવાના છે અને એમાં તેમણે સારા ભારતીય ઓપનિંગ બૅટર, ડેથ-બોલિંગ સ્પેશ્યલિસ્ટ, ભારતીય વિકેટકીપર-બૅટરને ચૂંટી કાઢવાના છે.
(૫) ગુજરાત ટાઇટન્સ : હાર્દિક પંડ્યાની નેતૃત્વવાળી ૨૦૨૨ની આ એક્સાઇટિંગ ચૅમ્પિયન ટીમે ૧૯.૨૫ કરોડ રૂપિયામાં કુલ ૭ સ્થાન માટે ખાસ કરીને લૉકી ફર્ગ્યુસનની ખોટ પૂરી શકે એવા ફાસ્ટ બોલરને, વધુ એક ફાસ્ટ બોલરને અને ટૉપ-ઑર્ડર બૅટર તથા ફાસ્ટ-બોલિંગ ઑલરાઉન્ડરને પસંદ કરવાના છે.
(૬) લખનઉ સુપર જાયન્ટ્સ : ૨૦૨૨થી કે. એલ. રાહુલના સુકાનમાં રમતી આ નવી ટીમે ૨૩.૩૫ કરોડ રૂપિયામાં ૧૦ ખેલાડી લેવાના છે જેમાં જેસન હોલ્ડર જેવા જેન્યુઇન ઑલરાઉન્ડરના વિકલ્પ તરીકે બેન સ્ટોક્સ, સૅમ રૅન કે કૅમેરન ગ્રીન હોઈ શકે.
(૭) સનરાઇઝર્સ હૈદરાબાદ : આજની હરાજીમાં સૌથી વધુ ૪૨.૨૫ કરોડ રૂપિયા આ ફ્રૅન્ચાઇઝી પાસે છે જેમાંથી એણે ૧૩ ખેલાડી ચૂંટી કાઢવાના છે. કૅપ્ટન્સી સંભાળી શકે એવા ટૉપ-ઑર્ડર બૅટરની તેમ જ રિસ્ટ-સ્પિનર અને પેસ-બોલિંગ ઑલરાઉન્ડર તથા વિકેટકીપરની આ ટીમને ખાસ જરૂર છે.
(૮) રાજસ્થાન રૉયલ્સ : આ પ્રથમ સીઝનની ટીમે ૧૩.૨૦ કરોડ રૂપિયામાં મિડલ-ઑર્ડર બૅટર અને બે સારા ઑલરાઉન્ડરને પસંદ કરવા પર ભાર મૂકવો પડશે. સંજુ સૅમસન આ ટીમનો વિકેટકીપર-કૅપ્ટન છે.
(૯) પંજાબ કિંગ્સ : શિખર ધવનના સુકાનવાળી આ ટીમે ૩૨.૨૦ કરોડ રૂપિયામાં ખાસ તો મયંક અગરવાલના વિકલ્પને, વિદેશી ઑલરાઉન્ડરને અને એક સારા સ્પિનરને પસંદ કરવાનો છે.
(૧૦) દિલ્હી કૅપિટલ્સ : રિષભ પંતના નેતૃત્વવાળી આ ટીમે ૧૯.૪૫ કરોડ રૂપિયામાં એક સારા ઑલરાઉન્ડરને ખરીદવાનો છે, કારણ કે તેની આ ટીમને ખાસ જરૂર છે.
આજના ઑક્શનમાં અફઘાનિસ્તાનનો ૧૫ વર્ષનો સ્પિનર અલ્લા મોહમ્મદ (જમણે) સૌથી યુવાન ખેલાડી બની શકે. ૪૦ વર્ષનો સ્પિનર અમિત મિશ્રા (ડાબે) સિલેક્ટ થશે તો ઓલ્ડેસ્ટ બનશે.