13 April, 2023 11:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે બીજી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી થઈ હતી.
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ ૮ એપ્રિલે વાનખેડેમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેના પરાજય પછી જે કહ્યું એ મુજબ કરી બતાવ્યું. તેણે કહેલું કે હવે પછીની મૅચથી મુંબઈ ઇન્ડિયન્સના સિનિયર બૅટર્સે સારું રમવું જ પડશે અને એની શરૂઆત મારાથી થશે.
૨૪ ઇનિંગ્સ પછી પહેલી હાફ સેન્ચુરી
મંગળવારે રોહિતે (૬૫ રન, ૪૫ બૉલ, ચાર સિક્સર, છ ફોર) દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે બૅટિંગમાં ખરા અર્થમાં લીડ લીધી હતી. તેની આક્રમક હાફ સેન્ચુરી મૅચ-વિનિંગ સાબિત થઈ હતી અને તેણે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ મેળવ્યો હતો. એટલું જ નહીં, આઇપીએલમાં તેણે ૨૪ ઇનિંગ્સ પછીની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. મુંબઈએ આ સીઝનમાં સતત બે મૅચ હારી ગયા પછી પહેલી વાર જીતીને પ્રથમ બે પૉઇન્ટ મેળવ્યા હતા. બીજી બાજુ, દિલ્હીએ લાગલગાટ ચોથો પરાજય સહન કરવો પડ્યો.
પહેલી જીત હંમેશાં સ્પેશ્યલ : રોહિત
લાસ્ટ બૉલના થ્રિલરવાળી મૅચ પછી તે રિલેક્સ મૂડમાં હતો અને બોલ્યો કે ‘આ મૅચ જીતવી અમારા માટે ખૂબ મહત્ત્વની હતી. અમે પહેલી મૅચથી તનતોડ મહેનત કરતા હતા. મુંબઈમાં અમે કૅમ્પ રાખ્યો હતો અને હવે રિઝલ્ટ અમારી તરફેણમાં આવતાં બહુ સારું લાગી રહ્યું છે. પહેલી જીત હંમેશાં સ્પેશ્યલ જ હોય છે. અમે દિલ્હીમાં તાજેતરમાં ટેસ્ટ-મૅચ રમ્યા હતા અને અમને પિચ એ સમયની ટેસ્ટની પિચ કરતાં જુદી નહોતી લાગી એટલે મને થયું કે સ્પિનર્સને વહેલા મોરચા પર મૂકી દેવા જોઈએ.’
તિલક વર્માના ૪૧ રન
દિલ્હીએ બૅટિંગ મળતાં ૧૯.૪ ઓવરમાં ૧૭૨ રન બનાવ્યા હતા, જેમાં અક્ષર પટેલના ૫૪ રન અને કૅપ્ટન ડેવિડ વૉર્નરના ૫૧ રન હતા. મુંબઈના જેસન બેહરનડૉર્ફ અને પીયૂષ ચાવલાએ ત્રણ-ત્રણ તથા રિલી મેરેડિથે બે અને રિતિક શોકીને એક વિકેટ લીધી હતી. મુંબઈએ રોહિતના ૬૫ રન ઉપરાંત ઇન્ફૉર્મ બૅટર તિલક વર્મા (૪૧ રન, ૨૯ બૉલ, ચાર સિક્સર, એક ફોર) તેમ જ ઓપનર ઇશાન કિશન (૩૧ રન, ૨૬ બૉલ, છ ફોર)ની તેમ જ ટિમ ડેવિડ (૧૩ અણનમ, ૧૧ બૉલ, એક સિક્સર) અને કૅમેરન ગ્રીન (અણનમ ૧૭, ૮ બૉલ, એક સિક્સર, એક ફોર)ની ઉપયોગી ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં જીતવા જરૂરી ૧૭૩ રન ૪ વિકેટના ભોગે બનાવી લીધા હતા.
દિલ્હીના વિકેટકીપર અભિષેક પોરેલે મુસ્તફિઝુર રહમાનના બૉલમાં જમણી તરફ ડાઇવ મારીને જમણા હાથે રોહિત શર્માનો અફલાતૂન કૅચ પકડ્યો હતો . પોરેલે મૅચ પહેલાં ડાઇવ મારીને કૅચ પકડવાની જોરદાર પ્રૅક્ટિસ કરી હતી . તસવીર પી. ટી. આઇ.
છેલ્લી ઓવરમાં મુકેશે છોડ્યો કૅચ
કૅપ્ટન ડેવિડ વૉર્નરે ૨૦મી ઓવરની જવાબદારી એન્રિક નોર્કિયાને સોંપી હતી, જેમાં મુંબઈએ ૧૬૮/૪ના સ્કોર સાથે જીતવા બાકીના પાંચ જ રન બનાવવાના હતા. પહેલા બૉલમાં કૅમેરન ગ્રીને એક રન દોડી ગયા પછી બીજા બૉલમાં ટિમ ડેવિડનો સીધો કૅચ મુકેશકુમારથી છૂટી ગયો હતો. મુંબઈની બે વિકેટ લેનાર મુકેશ હીરોમાંથી વિલન બની ગયો હતો. ત્રીજો બૉલ ડૉટ ગયા પછી ચોથા બૉલમાં ડેવિડે અને પાંચમા બૉલમાં ગ્રીને એક રન લીધો. અંતિમ બૉલમાં ડેવિડે બે રન બનાવવાના હતા અને લૉન્ગ-ઑફ તરફ આવેલા બૉલને વૉર્નરે વિકેટકીપર અભિષેક પોરેલ તરફ ખૂબ ઊંચો ફેંક્યો હતો અને પોરેલ બૉલ કલેક્ટ કરે અને બેલ્સ ઉડાડે એ પહેલાં ડેવિડ બીજો રન દોડીને ક્રીઝની અંદર આવી ગયો હતો અને બે રન મળી જતાં મુંબઈની રોમાંચક જીત થઈ હતી.
3
આઇપીએલમાં ત્રણ દિવસમાં ત્રણ ફાઇનલ-બૉલ થ્રિલર જોવા મળ્યા. ગુજરાત સામે કલકત્તાએ, બૅન્ગલોર સામે લખનઉએ અને દિલ્હી સામે મુંબઈએ છેલ્લા બૉલે જીત મેળવી.