10 April, 2023 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સિક્સરની ફટકાબાજીમાં બિઝી રિન્કુ સિંહને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
અમદાવાદમાં ક્રિકેટના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલની તો શું, બે દાયકા જૂની ટી૨૦ ક્રિકેટમાં ક્યારેય નહીં થઈ હોય એવી ચેઝ કરતી ટીમની છેલ્લી ઓવરની ફટકાબાજી જોવા મળી અને કલકત્તા નાઇટ રાઇડર્સનો લેફ્ટ-હૅન્ડ બૅટર રિન્કુ સિંહ (૪૮ અણનમ, ૨૧ બૉલ, છ સિક્સર, એક ફોર) એૈતિહાસિક ઇનિંગ્સ રમ્યો હતો. મૅચની છેલ્લી ઓવરમાં રિન્કુની ઉપરાઉપરી પાંચ સિક્સરનો વરસાદ વરસ્યો હતો. કલકત્તાએ છેલ્લા બૉલે ત્રણ વિકેટના માર્જિનથી અવિસ્મરણીય વિજય મેળવ્યો હતો.
કાર્યવાહક કૅપ્ટન રાશિદ ખાને પોતાની તેમ જ શમી, ઇમ્પૅક્ટ પ્લેયર લિટલ, અલ્ઝારી જોસેફની ચારેય ઓવર થઈ ચૂકી હોવાથી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને ૨૦મી ઓવરની જવાબદારી સોંપી હતી અને યશ દયાલે એ ઓવરમાં ફુલ ટૉસ તથા શૉર્ટ બૉલ ફેંકતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની નામોશી (૧, ૬, ૬, ૬, ૬, ૬) લખાઈ હતી. એ ઓવરની શરૂઆતમાં કલકત્તાએ જીતવા ૨૯ રન બનાવવાના હતા. પહેલા બૉલમાં ઉમેશ યાદવે એક રન દોડી ગયા પછી બાકીના પાંચેપાંચ બૉલમાં રિન્કુએ સિક્સર ફટકારી હતી અને એ ઓવરમાં જરૂરી કુલ ૨૯ રનને બદલે ૩૧ રન બન્યા હતા. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ, હેડ-કોચ આશિષ નેહરા સહિતના સપોર્ટ સ્ટાફ અને આ ટીમ તરફી હજારો ચાહકોને રિન્કુએ એક પછી એક પાંચ આંચકા આપ્યા હતા, જ્યારે કલકત્તાના કૅમ્પમાં હર્ષોલ્લાસ હતો.
૨૩ રનનો રેકૉર્ડ ૨૯ રન સાથે તૂટ્યો
ટી૨૦ના ઇતિહાસની મૅચની ૨૦મી ઓવરના છેલ્લા પાંચ બૉલમાં ફટકારાયેલી પાંચ સિક્સરનો (ખાસ કરીને સફળતાથી ચેઝ કરાયેલી મૅચમાં) નવો વિક્રમ રિન્કુ સિંહના નામે લખાયો છે. એ ઓવરમાં કુલ ૨૯ રન બન્યા હતા. ૨૦૧૫માં મેન્સ બિગ બૅશમાં સિડની થન્ડર સામે સિડની સિક્સર્સે ૨૦મી ઓવરમાં ૨૩ રન બનાવ્યા હતા જે વિક્રમ હવે તૂટ્યો છે.
રાશિદની હૅટ-ટ્રિક પાણીમાં
ગુજરાત ટાઇટન્સના અફઘાનિસ્તાની સ્પિનર અને કાર્યવાહક કૅપ્ટન રાશિદ ખાને ૧૭મી ઓવરમાં રસેલ, નારાયણ, શાર્દુલની હૅટ-ટ્રિક વિકેટ લીધી ત્યારે બાજી લગભગ પૂર્ણપણે ગુજરાતના હાથમાં હતી અને કલકત્તાની ટીમ પરાજયની દિશામાં જઈ રહી હતી, કારણ કે ત્યારે એનો સ્કોર ૨૦૫ રનના ટાર્ગેટ સામે ૧૫૫/૭ હતો.
ચમત્કારિક રિન્કુના છગ્ગાની રમઝટ
મૅન ઑફ ધ મૅચ રિન્કુ સિંહ જાણે જાદુઈ છડી સાથે મેદાન પર આવ્યો હતો. ૨૦મી ઓવરની શરૂઆત વખતે રિન્કુનો સ્કોર ૧૬ બૉલમાં ૧૮ રન હતો, પરંતુ તેણે એ ઓવરના છેલ્લા પાંચ બૉલમાં લાગલગાટ પાંચ છગ્ગા મારતાં છેલ્લે તેણે ૨૧ બૉલમાં બનાવેલા અણનમ ૪૮ રન સાથે વિજયી છલાંગ મારી હતી અને સાથીઓ દોડી આવીને તેને વળગી પડ્યા હતા.
આ પણ વાંચો : વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે યંગ ટીમ ઇન્ડિયા
હાર્દિકની તબિયત બગડી હતી
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી)ના ચૅમ્પિયન કૅપ્ટન હાર્દિક પંડ્યા અસ્વસ્થ હોવાથી આ મૅચમાં નહોતો રમ્યો અને રાશિદ ખાનને સુકાન સોંપાયું હતું. જોકે તેની ગેરહાજરીમાં જીટીએ કદી કોઈ નહીં ભૂલે એવી હાર જોવી પડી હતી.
સાઈ અને શંકરની ઇનિંગ્સ એળે ગઈ
રાશિદ ખાને ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને તેની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૪ રન બનાવ્યા હતા, જેમાં સાઇ સુદર્શન (૫૩ રન, ૩૮ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને વિજય શંકર (૬૩ અણનમ, ૨૪ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ના સૌથી મોટાં યોગદાનો હતાં. સુનીલ નારાયણે ત્રણ તથા ૧૯ વર્ષના સ્પિનર સુયશ શર્માએ એક વિકેટ લીધી હતી.
વેંકટેશ, રાણા, રિન્કુ જબરદસ્ત
કલકત્તાની ઇનિંગ્સની શરૂઆત ગુરબાઝ (૧૫) અને એન. જગદીશન (૬)ની વહેલી વિકેટ પડવાની સાથે નીરસ રહી હતી. જોકે સુયશ શર્માના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવેલા વેંકટેશ એૈયર (૮૩ રન, ૪૦ બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર), કૅપ્ટન નીતિશ રાણા (૪૫ રન, ૨૯ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ખાસ કરીને રિન્કુ સિંહની ઇનિંગ્સે કલકત્તાને ટુર્નામેન્ટમાં બીજો વિજય અપાવ્યો હતો.
મને ખાતરી હતી કે હું છેલ્લી ઓવરમાં કોઈ પણ રીતે જરૂરી ૨૯ રન બનાવી લઈશ. રાણાભાઈ (કૅપ્ટન નીતિશ રાણા)એ મને આત્મવિશ્વાસ સાથે છેક સુધી ક્રીઝ પર ટકી રહેવા કહ્યું હતું, પછી ભલે ગમે એ પરિણામ આવે. મારવા જેવા જ બૉલ આવતા ગયા એટલે મને શૉટ મારવામાં સરળતા પડી. -રિન્કુ સિંહ
તેણે યશ દયાલની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકી હતી.
રિન્કુ અને યશ દયાલ, બન્ને હરીફ ઉત્તર પ્રદેશના!
કલકત્તા નાઇટ રાઇડર્સનો પચીસ વર્ષનો બૅટિંગ ઑલરાઉન્ડર રિન્કુ સિંહ ઉત્તર પ્રદેશનો છે. તેનો જન્મ અલીગઢમાં થયો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ વતી રમ્યો છે. ગઈ કાલે તેણે જેના પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારી એ પચીસ વર્ષનો પેસ બોલર યશ દયાલ પણ ઉત્તર પ્રદેશનો છે. તેનો જન્મ અલાહાબાદમાં થયો હતો. તે પણ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ વતી રમે છે.