30 March, 2023 01:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આવતી કાલની ગુજરાત-ચેન્નઈ વચ્ચેની પ્રથમ મૅચ માટે ચાહકોનો ધસારો થતાં ટિકિટો વેચાઈ ગઈ ત્યારે વિન્ડો પર એનું બોર્ડ જોઈ રહેલો એક ક્રિકેટ-ફૅન.
અમદાવાદમાં આવતી કાલે પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મૅચ યોજાવાની છે અને એ માટે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને સજ્જ કરવામાં આવ્યું છે.
આઇપીએલની ઓપનિંગ સેરેમનીના આઇ-વિટનેસ એક લાખથી વધુ ક્રિકેટરસિકો બનશે જે રેકૉર્ડ થશે. અમદાવાદના ક્રિકેટચાહકોમાં હાર્દિક પંડ્યા અને તેની ગુજરાત ટાઇટન્સ ટીમને હોમ ગ્રાઉન્ડ પર વેલકમ કરવા થનગનાટ જોવા મળી રહ્યો છે.
૧૩૨૦૦૦ પ્રેક્ષકો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની બેસવાની ક્ષમતા ૧,૩૨,૦૦૦ની છે. ભારતમાં કે વિશ્વમાં આટલા બધા દર્શકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ નથી ત્યારે પહેલી વાર આ સ્ટેડિયમમાં આઇપીએલની ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મૅચ યોજાશે, જેને ક્રિકેટચાહકો દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો છે. ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે આ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીમાં એક લાખથી વધુ દર્શકો ઉપસ્થિત રહેશે એવી ધારણા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ ટીમને આવકારતું બૅનર.
સલામતીનો પાકો બંદોબસ્ત
સ્ટેડિયમમાં રમાનારી મૅચોને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. મૅચ દરમ્યાન ૯ ડીસીપી, ૧૬ એસપી, ૩૬ પોલીસ-ઇન્સ્પેક્ટર, ૯૬ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિત ૩૧૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ સ્ટેડિયમ પર અને બહાર બાજનજર રાખશે.
ટોચના ક્રિકેટ હોદ્દેદારોને આમંત્રણ
આઇપીએલની આવતી કાલની પ્રથમ મૅચ માટેની તૈયારી ચાલી રહી છે.
ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદમાં પહેલી વાર આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે બીસીસીઆઇના સેક્રેટરી જયભાઈ શાહે દેશનાં તમામ રાજ્યોના સ્ટેટ અસોસિએશનના પ્રેસિડન્ટ અને સેક્રેટરીને ઇન્વાઇટ કર્યા છે. બીસીસીઆઇના ઑફિસ બેરર્સ આવશે. તેઓ અમદાવાદમાં ઓપનનિંગ સેરેમની અને મૅચ માણશે.’