‘ધોની આઇપીએલમાંથી રિટાયર થઈ શકે, પણ અમારા હૃદયમાંથી તો નહીં જ’

29 May, 2023 09:08 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘યલો’ ફીવર : ધોનીને જાણે ફેરવેલ આપવાનું હોય એમ ચારેકોર તેની બોલબાલા, ભારતભરમાંથી ચાહકો ઊમટ્યા : રાંચીથી અઢી હજાર કિલોમીટરનું અંતર કાપીને માહીને સપોર્ટ કરવા આવ્યા ૧૭ ફ્રેન્ડ્સ

અમદાવાદમાં ગઈ કાલે મેઘરાજાએ હેરાન કરવાની શરૂઆત કરી એ પહેલાં એક જૂથ ધોનીના લકી ‘૭’ નંબર સહિતના ‘DHONI 7’ના આલ્ફાબેટ્સ-નંબર સાથે સ્ટેડિયમમાં આવ્યું હતું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઇનલ વખતે મેઘરાજાએ મજા બગાડવાનું શરૂ કર્યું એ પહેલાં સ્ટેડિયમની બહાર અને અંદર યલો ફીવર છવાયો હતો. સ્ટેડિયમની ચારેકોર ક્રિકેટ-ફૅન્સ યલો ટી-શર્ટ અને ચેન્નઈ સુપર કિંગ્સના યલો બૅનર સાથે દેખાયા હતા. સર્વત્ર ધોનીની જ બોલબાલા હતી. એટલું જ નહીં, આ મૅચ જાણે કે મહેન્દ્ર સિંહ ધોનીની ફેરવેલ મૅચ હોય એમ કેટલાક ચાહકો ‘Dhoni Can Retire From IPL, But Definitely Not From Our Heart’ જેવા લાગણીશીલ સ્લોગન સાથે સ્ટેડિયમમાં તેને રમતો જોવા આવ્યા હતા.

ભારતભરમાંથી ધોનીના ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઊમટ્યા હતા. સ્ટેડિયમમાં આવતા મોટા ભાગના ચાહકોએ ધોનીના નામનું યલો ટી-શર્ટ પહેર્યું હતું તેમ જ ઘણાબધાના હાથમાં ધોનીને લગતા સ્લોગન સાથેનાં પ્લેકાર્ડ અને બૅનર જોવા મળ્યાં હતાં.

રાંચીથી મૅચ જોવા આવેલા શિવમસિંગ, અભિષેકકુમાર અને તેનીરામ

મહેન્દ્ર સિંહ ધોનીના શહેર રાંચીથી એકસાથે ૧૭ ફ્રેન્ડ્સ ધોનીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવ્યા હતા. રાંચીથી આવેલા શિવમસિંગ, અભિષેકકુમાર અને તેનીરામે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારી ઑફિસમાં કહી દીધું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલમાં આવશે એટલે અમે અમદાવાદ મૅચ જોવા જઈશું. ધોની અમારો છે, તેણે ઇન્ડિયા માટે બહુ જ કર્યું છે. અમે તેને રમતો અને જીતતો જોવા આવ્યા છીએ. અમે અઢી હજાર કિલોમીટર દૂરથી માત્ર ધોની માટે અહીં આવ્યા છીએ. ગુજરાત ટાઇટન્સની ટીમમાં પણ શુભમન ગિલ સહિતના સારા બૅટર છે, પણ અમે ઇચ્છીએ છીએ કે ધોની આ વખતે તેની ટીમને ચૅ​મ્પિયન બનાવે.’

‘ધોની કૅન રિટાયર ફ્રૉમ આઇપીએલ, બટ ડેફિનેટલી નૉટ ફ્રૉમ અવર હાર્ટ’ જેવા હૃદયસ્પર્શી બૅનર સાથે અભિરાજ ઠાકોર, નિરલ, નેવિલ, પૃશ્યા, ​સ્વિટી અને ધૃવ આવ્યાં હતાં

‘ધોની આઇપીએલમાંથી રિટાયર થઈ શકે, પણ અમારા હૃદયમાંથી તો નહીં જ’ એવા અર્થમાં અંગ્રેજીમાં હૃદયસ્પર્શી બૅનર સાથે અમદાવાદનું ઠાકોર ફૅમિલી આવ્યું હતું. અભિરાજ ઠાકોરે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ધોનીની કદાચ આ લાસ્ટ મૅચ હશે એટલે તેને રમતો જોવા આવ્યા છીએ. ધોનીની બૅટિંગ-સ્ટાઇલ અનોખી છે. તેને મેદાન પર કૅપ્ટનશિપ કરતો જોવો પણ એક લહાવો છે અને એટલે જ તેને કૅપ્ટન-કૂલ કહેવામાં આવે છે. આજની મૅચમાં અમે તેને સપોર્ટ કરવા આવ્યા છીએ. હું તેનો ચાહક છું એટલે કહું છું કે રિટાયરમેન્ટ માટે આ એક રાઇટ સમય છે ધોની માટે.’

ધોનીને મેદાનમાં રમતો જોવા ઝુમરી તલૈયાથી આવેલા સાય​ન્ટિસ્ટ વૈભવકુમાર આર્ય

ઝારખંડના ઝુમરી તલૈયાથી માત્ર ધોનીને મેદાનમાં રમતો જોવા આવેલા સાય​ન્ટિસ્ટ વૈભવકુમાર આર્યએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘હું બે હજાર કિલોમીટર દૂરથી અહીં મહેન્દ્ર સિંહ ધોની માટે આવ્યો છું. હું તેમને બચપણથી ફૉલો કરું છું. ધોનીની આ કદાચ લાસ્ટ મૅચ હશે એટલે ખાસ અમદાવાદ તેને છેલ્લી વાર મેદાન પર રમતો જોવા આવ્યો છું. હું તેને ચિયર-અપ કરવા આવ્યો છું.’

બોટાદથી યલો ટેડી બેઅરના કૉસ્ચ્યુમમાં આવ્યો ધોનીનો ફૅન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલની ફાઇનલ મૅચમાં યલો ટેડી બેઅરનો કૉસ્ચ્યુમ પહેરીને ધોનીનો એક અનોખો ચાહક આવ્યો હતો જે સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે ટેડી બેઅરની જેમ મોટું માથું રાખીને સળંગ એક કૉસ્ચ્યુમ પહેરીને સ્ટેડિયમમાં એન્ટ્રી કરતાં મૅચ જોવા આવેલા ક્રિકેટ-ફૅન્સ તેમને જોતા જ રહી ગયા હતા. ઘણા બધા લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા અને ફોટો પડાવવા ધસારો કર્યો હતો. યલો ટેડી બેઅરનો કૉસ્ચ્યુમ પહેરીને સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલા બોટાદના વિપુલ જેડિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘હું મહેન્દ્ર સિંહ ધોનીનો ફૅન છું અને મારે આ મૅચને લઈને કંઈક અલગ કરવું હતું એટલે ધોનીની ટીમનો યલો કલર છે, ટીમના સભ્યોનો ડ્રેસ તેમ જ ફ્લૅગ યલો છે એટલે એ કલરના ટેડી બેઅરનો કૉસ્ચ્યુમ પહેરીને તેમની ટીમને સપોર્ટ કરવા આવ્યો છું.’

ધોનીના ધુરંધર ચાહકો

ધોનીની એક મહિલા-ફૅન ભારતના આ ક્રિકેટ-લેજન્ડને ૨૦૨૪ની આઇપીએલ-સીઝનમાં પણ જોવા માગે જ છે એવા લખાણવાળા બૅનર સાથે આવી હતી.

sports sports news cricket news indian premier league ipl 2023 chennai super kings gujarat titans mahendra singh dhoni ms dhoni shailesh nayak