29 May, 2023 08:56 AM IST | Mumbai | Shailesh Nayak
મૅચ જોવા આવેલો કલ્પ, કાંદિવલીથી અમદાવાદ મૅચ જોવા આવેલા ત્રણ ફૅમિલીના સભ્યો, વરસાદમાં અટવાયેલો કવીશ
આઇપીએલની ફાઇનલ મૅચ જોવા માટે અમદાવાદ જઈ રહેલા કાંદિવલીની ત્રણ ફૅમિલીને ટ્રેન મોડી પડતાં આખી રાત બોરીવલી સ્ટેશન પર બેસી રહેવું પડ્યું હતું. એટલું જ નહીં, અમદાવાદ પહોંચ્યા પછી તેમના માટે કમોસમી વરસાદ વિલન બન્યો હતો અને વરસાદને કારણે સ્ટેડિયમથી થોડે દૂર તેમને ઊભા રહી જવું પડ્યું હતું.
કાંદિવલીમાં રહેતા કઝિન્સ વિપુલ શાહ, દર્શક અને પ્રતીક તેમના દસ ફૅમિલી મેમ્બર્સ પંક્તિ, નિકી, એકતા, સોહિલ, કવીશ, કલ્પ અને જિયા સાથે આઇપીએલની ફાઇનલ મૅચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યાં હતાં. તેમની આ સફરમાં અંતરાયો આવ્યા હતા અને અગવડ વેઠવી પડી હતી.
કાંદિવલીમાં રહેતા વિપુલ શાહે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારે આઇપીએલની ફાઇનલ મૅચ જોવી હતી એટલે અમદાવાદ જવા નીકળ્યાં હતાં. શનિવારે રાતે ૧૨ વાગ્યાની ટ્રેનમાં બુકિંગ હતું, પરંતુ ટ્રેન મોડી પડી હતી અને સવારે સાડાચાર વાગ્યે આવી હતી. ટ્રેન મોડી પડતાં આખી રાત અમે બોરીવલી સ્ટેશન પર બેસી રહ્યાં હતાં, કેમ કે અમારે ફાઇનલ મૅચ જોવી જ હતી. સવારે સાડાચાર વાગ્યે ટ્રેન આવી ત્યાં સુધી અમે બોરીવલી સ્ટેશન પર ફૅમિલી સાથે બેસી રહ્યાં હતાં. અમે અમદાવાદ પહોંચી ગયાં હતાં અને મૅચના સમય પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જવા માટે નીકળ્યાં હતાં, પરંતુ અમદાવાદમાં વરસાદ પડતાં અમે અટવાઈ ગયાં હતાં. અમે સ્ટેડિયમની બિલકુલ નજીક પહોંચી ગયાં હતાં અને સ્ટેડિયમથી માત્ર પાંચ જ મિનિટનો રસ્તો હતો, પરંતુ વરસાદને કારણે અમારે બધાએ એક સાઇડમા ઊભા રહી જવું પડ્યું હતું.’
મૅચ જોવાના રોમાંચની વાત કરતાં વિપુલ શાહે કહ્યું હતું કે ‘ખાસ કરીને અમારાં બાળકોને મહેન્દ્ર સિંહ ધોનીને મેદાન પર રમતો જોવો હતો એટલે તેમને અહીં લઈ આવ્યાં છીએ. બીજું, અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહુ મોટું છે એવું સાંભળ્યું હતું એટલે એક વાર આ સ્ટેડિયમ અમે જોવા માગતાં હતાં. આઇપીએલની ફાઇનલ મૅચનો રોમાંચ કંઈક અલગ હોય છે એટલે અમે નક્કી કરીને ફાઇનલ મૅચ જોવા આવ્યાં છીએ. અમારી ત્રણ ફૅમિલીમાં અમુક ગુજરાત ટાઇટન્સના તો અમુક ચેન્નઈ સુપર કિંગ્સના ફૅન્સ છે. હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટરોને ફાઇનલ મૅચમાં રમતા જોવાનો લહાવો કંઈક ઑર હોય છે. હાર્દિક પંડ્યા ટીમને બહુ સારી રીતે સંભાળે છે અને એનાથી તેની ટીમનો જુસ્સો અલગ થઈ જાય છે. હાર્દિક પંડ્યા વન ઑફ ધ સ્ટાર પ્લેયર્સ છે અને એટલે અમે ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા આવ્યાં છીએ.’