બેરસ્ટૉ-પાટીદાર પણ ઈજાગ્રસ્તોમાં જોડાતાં આઇપીએલની ‘ઇન્જર્ડ સ્ક્વૉડ’ તૈયાર!

27 March, 2023 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ ખેલાડી ઈજાગ્રસ્ત : કોઈ આખી આઇપીએલ નહીં રમે, તો કોઈ શરૂઆતની અમુક મૅચ ગુમાવશે

પંજાબની ટીમનો રજત પાટીદાર બૅન્ગલોરની ટીમ સાથે જોડાયો છે. તે પગની એડીની ઈજાને કારણે કદાચ થોડી મૅચો ગુમાવશે. અને પંજાબના ફ્રૅન્ચાઇઝીએ ઇંગ્લૅન્ડના ઈજાગ્રસ્ત જૉની બેરસ્ટૉ (જમણે)ના સ્થાને ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ શોર્ટ (ડાબે)ને બોલાવ્યો છે.

સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) પૂરી થઈ અને હવે ચાર જ દિવસ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૬મી સીઝન શરૂ થશે. જોકે એના આરંભ પહેલાં ટુર્નામેન્ટની મોટા ભાગની ટીમના એક કે વધુ ખેલાડી ઈજાગ્રસ્ત છે જેમાંના કેટલાક ખેલાડી આખી આઇપીએલ નથી રમવાના અને કેટલાક પ્લેયર શરૂઆતની અમુક મૅચો ગુમાવશે. અમુક ખેલાડીની ઈજા નજીવી હોવાથી તેઓ શરૂઆતથી રમે પણ ખરા. જોકે સાઉથ આફ્રિકા, બંગલાદેશ અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ પહેલા અઠવાડિયાની મૅચો ગુમાવશે. એ તો ઠીક, પણ ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાના કેટલાક પ્લેયર્સ ઇન્ટરનૅશનલ મૅચો રમવાના હોવાથી આઇપીએલમાં પ્લે-ઑફ રાઉન્ડ પહેલાં જ સ્પર્ધામાંથી રવાના થઈ જશે.

મુંબઈ ઇન્ડિયન્સનો વાઇસ-કૅપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની સર્જરી કરાવવાને પગલે આઇપીએલની બહાર થઈ ગયો છે. દિલ્હી કૅપિટલ્સનો રિષભ પંત કાર-અકસ્માતને કારણે આખી આઇપીએલ નહીં રમી શકે અને રાજસ્થાન રૉયલ્સનો પેસ બોલર પણ એકેય મૅચ નહીં રમે. ગઈ કાલે થયેલી જાહેરાત મુજબ પંજાબ કિંગ્સે ઈજાને કારણે ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર જૉની બેરસ્ટૉ ગુમાવ્યો છે, જ્યારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો હાર્ડ હીટર રજત પાટીદાર પગની એડીના દુખાવાને લીધે અડધા ભાગની મૅચો ગુમાવે એવી સંભાવના છે.

બેરસ્ટૉના સ્થાને પંજાબના ફ્રૅન્ચાઇઝીએ ઑસ્ટ્રેલિયાના નવા બૅટિંગ-ઑલરાઉન્ડર મૅથ્યુ શોર્ટને સાઇન કર્યો છે. ૨૭ વર્ષના શૉર્ટે ૬૭ ટી૨૦ મૅચમાં ૧૩૬.૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૧૪૦૯ રન બનાવ્યા છે. તેણે બાવીસ વિકેટ પણ લીધી છે.

કલકત્તા નાઇટ રાઇડર્સનો શ્રેયસ ઐયર પણ આ વખતની આઇપીએલ ગુમાવશે. રાજસ્થાનનો કૅરિબિયન ખેલાડી ઑબેડ મકૉય પણ આઇપીએલ ગુમાવશે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મોહસિન ખાન ખભાની ઈજાને લીધે ટુર્નામેન્ટની મોટા ભાગની મૅચો ગુમાવશે. કલકત્તાના નીતિશ રાણાને બે દિવસ પહેલાં જ પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તે કદાચ શરૂઆતની અમુક મૅચોમાં નહીં રમે. કિવી ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન સાથળની ઈજાને કારણે કલકત્તા વતી કેટલીક મૅચો ગુમાવશે.

બુમરાહના સ્થાને અર્જુન તેન્ડુલકરને મોકો

મુંબઈ ઇન્ડિયન્સની ટીમને મુખ્ય ફાસ્ટ બોલર અને આઇપીએલની ઈજાગ્રસ્તોની યાદીમાંના નંબર-વન જસપ્રીત બુમરાહની ગેરહાજરી ઘણી વર્તાશે, પરંતુ ૨૩ વર્ષના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરને કદાચ શરૂઆતથી ઘણી મૅચો રમવા મળે એવી સંભાવના છે. જોફ્રા આર્ચર ટીમમાં છે, પણ અર્જુનને તેમ જ બીજા બોલર્સને પણ ઘણી તક આપવામાં આવશે. અર્જુન બોલિંગની ઘણી પ્રૅક્ટિસ કરી રહ્યો છે.

 રિષભ પંતે કમબૅક માટે ઉતાવળ ન કરવી જોઈએ. તેણે ઈજામાંથી સંપૂર્ણપણે મુક્ત થવા સુધ‌ી રાહ જોવી જોઈએ. તે હજી ઘણો યુવાન છે અને રમવા માટે તેની સામે લાંબી કરીઅર પડી છે. હું અને અમારી આખી દિલ્હી કૅપિટલ્સની ટીમ તરફથી તેને શુભેચ્છા. હું થોડા દિવસમાં તેને મળવા જઈશ. - સૌરવ ગાંગુલી

sports news sports cricket news t20 indian premier league chennai super kings kolkata knight riders gujarat titans sunrisers hyderabad royal challengers bangalore lucknow super giants mumbai indians delhi capitals