15 November, 2022 12:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કીરોન પોલાર્ડ
૨૦૨૩ની આઇપીએલનું મિની ઑક્શન કોચીમાં ૨૩ ડિસેમ્બરે યોજાય એ પહેલાં ગવર્નિંગ કાઉન્સિલે તમામ ફ્રૅન્ચાઇઝીઓને કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવશે અને કોને હરાજી માટે રિલીઝ કરવામાં આવશે એની યાદી પૂરી પાડવા જે મહેતલ આપી હતી એનો આજે અંતિમ દિવસ છે. આ યાદી મળ્યા બાદ હરાજી માટેના તમામ ખેલાડીઓનું લિસ્ટ બનાવાશે.
ટી૨૦ના લેજન્ડ તરીકે ઓળખાતા વેસ્ટ ઇન્ડીઝના કીરોન પોલાર્ડને મુંબઈ ઇન્ડિયન્સે ૨૦૨૨ની સીઝનમાં ૬ કરોડ રૂપિયા ફી આપી હતી. તે ૨૦૦૯થી આ ટીમ વતી રમે છે. ૩૫ વર્ષના પોલાર્ડે ગયા એપ્રિલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને પછી કૅરિબિયન લીગમાં તેનો પર્ફોર્મન્સ સારો નહોતો. આ બધું જોતાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાંચ વાર ચૅમ્પિયન બનેલું મુંબઈ ઇન્ડિયન્સનું ફ્રૅન્ચાઇઝી પોલાર્ડને કદાચ રિટેન નહીં કરે. જોકે હરભજન સિંહનું માનવું છે કે પોલાર્ડને રિલીઝ કરી દેવાનો નિર્ણય મુંબઈ ઇન્ડિયન્સ માટે ખૂબ મુશ્કેલ બની રહેશે. જોકે ક્યારેક ટફ નિર્ણય પણ લેવા પડતા હોય છે. એમઆઇએ પ્રગતિની દિશા તરફ મીટ માંડીને આવતાં ચાર-પાંચ વર્ષ માટેની ટીમ બનાવવાનું નક્કી કર્યું હોય તો પોલાર્ડ જેવી ક્ષમતાવાળો ખેલાડી શોધવો જ પડશે.’
ભજ્જીએ કયા વિકલ્પ બતાવ્યા?
સ્ટાર સ્પોર્ટ્સના ‘ગેમ પ્લાન-આઇપીએલ રિટેન્શન સ્પેશ્યલ’ નામના શોમાં ભજ્જીએ એવું પણ કહ્યું હતું કે ‘ટિમ ડેવિડ એમઆઇ પાસે છે જ, તે પોલાર્ડ જેવું પર્ફોર્મ કરી શકે. બીજું, ઑક્શનમાં કૅમેરન ગ્રીન પણ મળી શકશે.’
ડેથ બોલર જરૂરી : ઇરફાન પઠાણ
ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર જો સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં હોય તો શું? એવા મુદ્દે ઇરફાન પઠાણે શોમાં કહ્યું કે ‘મુંબઈએ કાબેલ ડેથ બોલર શોધવો જ પડશે. આર્ચર અને બુમરાહ બન્ને બોલર્સ પીઠની ઈજામાંથી મુક્ત થઈને આવી રહ્યા હશે. તેઓ કમબૅક કરશે તો પણ ડેથ ઓવર્સ માટેના વધુ એક સારા બોલરની જરૂર પડશે જ. ૨૦૨૨ની સીઝનમાં બેસિલ થમ્પી અને જયદેવ ઉનડકટથી ચલાવી લેવું પડ્યું હતું.
દિલ્હીએ ત્રણ ટીમને નકારીને શાર્દુલ આપી દીધો કલકત્તાને
આઇપીએલમાં ભારતીય ઑલરાઉન્ડર્સની બોલબાલા છે અને એમાં શાર્દુલ ઠાકુર પ્રાઇઝ-સિલેક્શન તરીકે જાણીતો છે. ન્યુ ઝીલૅન્ડમાં આ મહિને શિખરના સુકાનમાં વન-ડે સિરીઝ રમનાર ટીમના ખેલાડી શાર્દુલને દિલ્હી કૅપિટલ્સે ૨૦૨૨ની આઇપીએલ માટે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં મેળવ્યો હતો, પરંતુ ગઈ કાલે ટ્રેડમાં કલકત્તા નાઇટ રાઇડર્સે શાર્દુલને દિલ્હી પાસેથી મેળવી લીધો હતો. આ કૅશ-ડીલ થતાં પહેલાં શાર્દુલને ખરીદવામાં ચેન્નઈ, ૨૦૨૨ની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને પંજાબની ટીમે રસ બતાવ્યો હતો, પરંતુ દિલ્હીએ રસ નહોતો દેખાડ્યો. ૨૦૨૨ની આઇપીએલમાં શાર્દુલે ૧૪ મૅચમાં ૧૫ વિકેટ લીધી હતી.