14 November, 2022 02:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન અને અફઘાનિસ્તાનના વિકેટકીપર-બૅટર રહમનુલ્લા ગુર્બઝ
ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન અને અફઘાનિસ્તાનના વિકેટકીપર-બૅટર રહમનુલ્લા ગુર્બઝને આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમે ૨૦૨૩ની સીઝન પહેલાંના ટ્રેડમાં કલકત્તા નાઇટ રાઇડર્સને આપી દીધા છે. એ સાથે ફર્ગ્યુસન ૨૦૧૯-’૨૧ પછી ફરી એક વાર કલકત્તાની ટીમ સાથે જોડાયો છે. ૨૦૨૨ના મેગા ઑક્શનમાં ગુજરાતે ફર્ગ્યુસનને ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુર્બઝને ગુજરાતના ફ્રૅન્ચાઇઝીએ ઇંગ્લિશ ઓપનર જેસન રૉયને બદલે લીધો હતો.
૨૦૨૨ની સીઝનમાં ફર્ગ્યુસને ૧૨ વિકેટ લીધી હતી. જોકે ગુર્બઝને એ સીઝનમાં એકેય મૅચ નહોતી રમવા મળી. ફર્ગ્યુસને ન્યુ ઝીલૅન્ડ વતી ૨૬ ટી૨૦માં ૩૯ વિકેટ લીધી છે. બીજી તરફ ગુર્બઝે અફઘાનિસ્તાન વતી ૩૫ ટી૨૦માં ૮૯૬ રન બનાવ્યા છે.
શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ટ્રેડમાં ઑસ્ટ્રેલિયાનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જેસન બેરનડૉર્ફ મુંબઈ ઇન્ડિયન્સને આપી દીધો હતો. ૨૦૨૨ની આઇપીએલના ઑક્શન પહેલાં બૅન્ગલોરે બેરનડૉર્ફને માત્ર ૭૫ લાખ રૂપિયામાં મેળવ્યો હતો. જોકે તેને એકેય મૅચ નહોતી રમવા મળી. બેરનડૉફ આ પહેલાં ૨૦૧૮ તથા ૨૦૧૯ની સીઝન માટે મુંબઈની ટીમમાં હતો. ૨૩ ડિસેમ્બરે કોચીમાં આઇપીએલનું મિની ઑક્શન થવાનું છે.