25 March, 2023 06:02 PM IST | Mumbai | Shailesh Nayak
વડોદરામાં શરૂ થયેલી ઇન્ટરનૅશનલ વ્હીલચૅર ક્રિકેટ ચૅમ્પિયનશિપમાં મેદાન પર ઊતરેલા જુદી-જુદી ટીમના ક્રિકેટરો અને આયોજકો તથા સંચાલકો.
વડોદરામાં પહેલી વાર ઇન્ટરનૅશનલ વ્હીલચૅર ક્રિકેટ ચૅમ્પિયનશિપનો ગઈ કાલથી પ્રારંભ થયો છે. રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન સાથે યોજાઈ રહેલી આ ચૅમ્પિયનશિપમાં ભારત, બંગલાદેશ, નેપાલ અને શ્રીલંકાની ટીમ ભાગ લઈ રહી છે.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી ગુજરાત વ્હીલચૅર ક્રિકેટ અસોસિએશન દ્વારા વડોદરાના પ્રતાપનગરમાં પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસની આ ચૅમ્પિયનશિપ શરૂ થઈ છે. ટીમો લીગ તબક્કામાં એકબીજા સામે રમશે. એ પછી સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ રમાશે. સમાજના શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે ક્રિકેટની રમતમાં ઉમદા ભાવના, પ્રોત્સાહન અને સમર્થન સાથે આ આયોજન હાથ ધરાયું છે. દિવ્યાંગ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા ગઈ કાલે અસંખ્ય ક્રિકેટચાહકો મૅચ જોવા આવ્યા હતા.
ભારત સહિત તમામ દેશોના દિવ્યાંગ ક્રિકેટરો આ ચૅમ્પિયનશિપમાં ઉત્સાહ સાથે મેદાનમાં ઊતર્યા છે અને પોતાની ટીમને ચૅમ્પિયન બનાવવા મેદાનમાં ઉમદા દેખાવ કરવા ઉત્સાહી છે. ભારતીય ટીમના કૅપ્ટન બ્રિજમોહન તિવારીએ કહ્યું હતું કે ‘આ ટુર્નામેન્ટમાં દિવ્યાંગોને તેમની પ્રતિભા બતાવવાની સારી તક છે. દેશ માટે રમવા બહુ સારું પ્લૅટફૉર્મ મળ્યું છે અને એનાથી બીજાને પ્રેરણા મળશે.’