22 February, 2025 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સચિન તેન્ડુલકર, યુવરાજ સિંહ અને ઇરફાન પઠાણ.
આજે બાવીસ ફેબ્રુઆરીથી ૬ દેશના રિટાયર્ડ ક્રિકેટર્સ વચ્ચે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ T20 ટુર્નામેન્ટની પહેલી સીઝનની શરૂઆત થઈ રહી છે. આ લીગમાં ૧૧ માર્ચ સુધી ૧૫ ગ્રુપ-સ્ટેજ મૅચ રમાયા બાદ ૧૩થી ૧૬ માર્ચ વચ્ચે બે સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ રમાશે. એટલે કે આગામી ૨૩ દિવસ સુધી ૧૮ મૅચ સુધી ભારતીય ક્રિકેટ-ફ્રૅન્સ સ્ટેડિયમમાં આ જૂના જોગીઓની ધમાકેદાર બૅટિંગ અને બોલિંગનો આનંદ ઉઠાવી શકશે. આ આખી ટુર્નામેન્ટ નવી મુંબઈ, વડોદરા અને રાયપુરમાં રમાશે. આજે નવી મુંબઈના ડી. વાય પાટીલ સ્ટેડિયમમાં ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સની ટક્કરથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે.
કઈ ટીમની કૅપ્ટન્સી કોણ કરશે?
ઇન્ડિયા માસ્ટર્સનું નેતૃત્વ સચિન તેન્ડુલકર કરશે. શ્રીલંકા માસ્ટર્સ માટે કુમાર સંગાકારા, ઑસ્ટ્રેલિયા માસ્ટર્સ માટે શેન વૉટ્સન, વેસ્ટ ઇન્ડીઝ માટે બ્રાયન લારા, સાઉથ આફ્રિકા માટે જૉન્ટી રૉડ્સ અને ઇંગ્લૅન્ડ માટે ઓઇન મૉર્ગન કૅપ્ટન્સી કરશે. આ લીગમાં યુવરાજ સિંહ, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, કેવિન પીટરસન, જૅક કૅલિસ અને સુરેશ રૈના જેવા ભૂતપૂર્વ સ્ટાર પ્લેયર્સ ધમાલ મચાવતા જોવા મળશે.
ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ?
તમામ મૅચ કલર્સ સિનેપ્લેક્સ, કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ અને જિયો હૉટસ્ટાર પર જોઈ શકાશે. દરેક મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે.