11 September, 2024 08:45 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઉસ્માન ખ્વાજા
આ વર્ષે બાવીસમી નવેમ્બરથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થનારી પાંચ મૅચની બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝ માટે ઑસ્ટ્રેલિયન બૅટર ઉસ્માન ખ્વાજાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૩૭ વર્ષના આ ક્રિકેટરે સ્ટાર સ્પોર્ટ્સના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બન્ને ટીમ છેલ્લાં બે વર્ષથી વર્લ્ડની ટૉપ-ટૂ ટીમ રહી છે. હું એને સન્માનની નિશાની તરીકે લઉં છું અને હું જાણું છું કે ભારતીયો ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયાને હરાવવાનું પસંદ કરે છે. વર્ષોથી વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ પ્રભાવશાળી ટીમોમાંની એક હોવાની ઑસ્ટ્રેલિયાની પરંપરા અને પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો હતો જ્યારે ભારતે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાને એના પોતાના મેદાન પર બે વાર હરાવ્યું હતું.’ ૨૦૧૧માં ડેબ્યુ કર્યા બાદ ૭૧ ટેસ્ટ-મૅચોમાં ૫૪૫૧ રન બનાવનાર ખ્વાજા માને છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતથી જ બન્ને દેશના ક્રિકેટર્સ વચ્ચેની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.
ભારત સામે કેવો હશે ઑસ્ટ્રેલિયાનો ટૉપ બૅટિંગ ઑર્ડર?
ડેવિડ વૉર્નરની નિવૃત્તિ બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સામે ઓપનિંગને લઈને મોટો સવાલ ઊભો થયો છે. અહેવાલ અનુસાર ટ્રેવિસ હેડને ઉસ્માન ખ્વાજાનો ઓપનિંગ પાર્ટનર બનાવવામાં આવી શકે છે. જો આવું થાય તો ઑસ્ટ્રેલિયાનો ટોચનો બૅટિંગ ઑર્ડર કંઈક આવો હોઈ શકે છે - ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેન અને સ્ટીવ સ્મિથ.
સ્ટીવ સ્મિથ બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પોતાની સ્થિતિને લઈને બહુ ચિંતિત નથી. તેણે કહ્યું હતું કે બૅટિંગ પોઝિશન માત્ર એક નંબર છે, હું કોઈ પણ નંબર પર રમવા તૈયાર છું.
નવેમ્બરમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારતીય ટીમ બંગલાદેશ સામે બે અને ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે, જ્યારે ઑસ્ટ્રેલિયા છેલ્લે ફેબ્રુઆરી-માર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ રમ્યું હતું અને હવે ભારત સામે જ ટેસ્ટ-સિરીઝ રમશે.