10 September, 2024 07:49 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ક્રિકેટર
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ત્રીજી ઑક્ટોબરથી આયોજિત મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય મહિલા ટીમ આજથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરશે. બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં આજથી હેડ કોચ અમોલ મઝુમદારની દેખરેખ હેઠળ ૧૦ દિવસનો સ્કિલ કૅમ્પ શરૂ થશે. અહેવાલો અનુસાર વિકેટકીપર-બૅટ્સમૅન યસ્તિકા ભાટિયા ઘૂંટણની ઈજામાંથી અને ઑફ સ્પિનર શ્રેયંકા પાટીલ આંગળીના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થઈ ગઈ છે. આ બન્ને આજે ટીમ સાથે જોવા મળશે.
ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમીને ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડ કપ માટે તૈયાર થશે. સ્કિલ કૅમ્પ બાદ ચાર દિવસના બ્રેક બાદ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૨૪ સપ્ટેમ્બરે મુંબઈ ઍરપોર્ટથી UAE માટે રવાના થશે. ભારતીય ટીમની પહેલી ટક્કર ચોથી ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે થશે. છેલ્લા આઠ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્યારેય ચૅમ્પિયન બની શકી નથી. આ ટીમ ૨૦૨૦માં ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારીને રનર-અપ ટીમ રહી હતી.