20 March, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંજાબ કિંગ્સના કૅમ્પમાં કૅપ્ટન શ્રેયસ ઐયરની ધમાકેદાર એન્ટ્રી.
પંજાબ કિંગ્સનો નવો કૅપ્ટન શ્રેયસ ઐયર IPL 2025 પહેલાં ટીમના ટ્રેઇનિંગ કૅમ્પમાં જોડાઈ ગયો છે. તેની બૅટિંગમાં ટેક્નિકલ ખામીઓ છે અને તે શૉર્ટ બૉલને સારી રીતે નથી રમી શકતો એવી ધારણાઓ છેલ્લા એક વર્ષમાં ઐયર માટે બની હતી, પણ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે આ ધારણાઓને ખોટી પાડી દીધી હતી.
આ સંદર્ભે વાત કરતાં શ્રેયસે કહ્યું હતું કે ‘કદાચ એવી ધારણા બનાવવામાં આવી હતી અથવા હું ટાઇપકાસ્ટ હતો, પરંતુ મને હંમેશાં મારી શક્તિ અને ક્ષમતાની ખબર હતી અને મને મારી જાત પર વિશ્વાસ હતો. રમત બદલાતી રહે છે એથી પ્લેયર્સે સતત પોતાનું પ્રદર્શન સુધારવું પડે છે. મને ખુશી છે કે હું સકારાત્મક માનસિકતા સાથે રમી શક્યો અને મારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો. મને વિશ્વાસ હતો કે મારી પ્રામાણિકતા અને પ્રદર્શન મને ફરીથી તક આપશે. મને લાગે છે કે હું ચોથા નંબરે સૌથી વધુ આરામદાયક છું. ૨૦૨૩નો વર્લ્ડ કપ હોય કે ચૅમ્પિયન્સ ટ્રોફી, મને ચોથા નંબરે બૅટિંગ કરવાનો ખૂબ આનંદ આવ્યો હતો.’