અંશુમાન ગાયકવાડનો જીવ બચાવી લો... ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચને બ્લડ-કૅન્સર છે

02 July, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને ૧૨૫ કરોડ રૂપિયાની લહાણી કરનાર ક્રિકેટ બોર્ડને સંદીપ પાટીલની અપીલ

સંદીપ પાટીલ, અંશુમાન ગાયકવાડ

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ વર્લ્ડ કપ જીતનારી ટીમને ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે ત્યારે તેઓ હવે બ્લડ-કૅન્સરથી પીડાઈ રહેલા અંશુમાન ગાયકવાડને પણ નાણાકીય સહાય કરીને એની જિંદગી બચાવી શકે એમ છે.

ક્રિકેટ બોર્ડ ભૂતપૂર્વ પ્લેયર્સને અસાઇનમેન્ટ્સ, વન-ટાઇમ પેમેન્ટ અને રોકડમાં લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્સ આપીને મદદ કરવા માટે જાણીતું છે. તેઓ મેડિકલ સહાય પણ કરે છે. એક ફંક્શનમાં હાજરી આપવા માટે મેં ગયા મે મહિનામાં લંડનની મુલાકાત લીધી હતી. એમાં હું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વેસ્ટ ઝોનના ટીમમેટ અંશુમાન ગાયકવાડને મળ્યો હતો. અંશુમાન ગાયકવાડ પર લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં બ્લડ-કૅન્સરની સારવાર ચાલી રહી હતી. અંશુમાન ગાયકવાડે મને કહ્યું કે તેને ક્રિકેટ બોર્ડે આર્થિક સહાય કરી છે, પણ હજી વધારે નાણાકીય સહાયની જરૂર છે. આ સંદર્ભમાં મેં અને ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેન્ગસરકરે ક્રિકેટ બોર્ડના ખજાનચી આશિષ શેલાર સાથે વાતચીત કરી હતી. અમે અંશુમાન ગાયકવાડને હૉસ્પિટલમાં જોયા બાદ કારમાંથી આશિષ શેલારને ફોન કર્યો હતો.

આ મુદ્દે આશિષ શેલારે તરત મને કહ્યું હતું કે તેઓ વધુ ફન્ડ માટેની અમારી અને અન્ય ક્રિકેટરોની માગણી પર ધ્યાન આપશે. મને ખાતરી છે કે તેઓ આ માટે મદદ કરશે અને અંશુમાન ગાયકવાડની જિંદગી બચાવી લેશે, પણ અંશુમાન ગાયકવાડને મદદ કરવાની વાતને અગ્રક્રમ આપવાની જરૂર છે. 

 

- સંદીપ પાટીલ

board of control for cricket in india india sandeep patil cancer cricket news sports sports news