દિલીપ દોશી ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા : પગના ફ્રૅક્ચર છતાં કરેલી ૭૪ ઓવર બોલિંગને શ્રેષ્ઠ પળો ગણાવી

23 December, 2022 02:19 PM IST  |  Mumbai | Clayton Murzello

દિલીપ દોશી કુલ ૩૩ ટેસ્ટ અને ૧૫ વન-ડે રમ્યા હતા

દિલીપ દોશી

મુંબઈ : દિલીપ દોશીએ ગઈ કાલે ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનરને યુવાન તો ન કહી શકાય, પરંતુ તેમણે યુવાનોને શરમાવે એવી ફિટનેસ જાળવી રાખી છે. દિલીપ દોશી એક પ્રકારે નસીબદાર હતા, કારણ કે સ્થાનિક સ્તરે દિગ્ગજ ગણાતા રાજિન્દર ગોયલ અને પદ્‍માકર શિવલકર તો મહાન સ્પિનર બિશન સિંહ બેદીને કારણે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા, પણ ૧૯૭૯માં બેદીની નિવૃત્તિ બાદ દિલીપ દોશીએ ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. બેદી નૅશનલ સિલેક્ટર પણ બન્યા અને તેમની જ સમિતિએ ૧૯૮૩-’૮૪માં ચશ્માધારી દિલીપ દોશીને પડતા મૂક્યા હતા.

દિલીપ દોશી કુલ ૩૩ ટેસ્ટ અને ૧૫ વન-ડે રમ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ​દિલીપ દોશી એક સફળ બિઝનેસમૅન બન્યા હતા અને હાલમાં પરિવાર સાથે તેઓ યુકે રહે છે. તેમના પુત્ર નયન દોશી તેમની માફક લેફ્ટ-આર્મ સ્પિનર છે અને તે સરે તથા સૌરાષ્ટ્ર વતી રમી ચૂક્યો છે. ‘મિડ-ડે’એ દિલીપ દોશીનો ૭૫મા જન્મદિને સ્પેશ્યલ ઇન્ટરવ્યુ લીધો હતો.

૭૫મા વર્ષમાં પહોંચ્યા, કેવું અનુભવી રહ્યા છો?

હું તો માનું છું કે તમને જે ગમે એ કરતા રહો. મારા મતે ઉંમર તો માત્ર આંકડો છે. મને એ વાતનો આનંદ છે કે મને ગમતી ઘણી બધી વસ્તુ હું કરી શક્યો.

આટલી તંદુરસ્તીનું રહસ્ય શું?

તંદુરસ્તી જાળવવામાં સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ઝડપથી ચાલવું, દરેક જગ્યાએ ચાલવું. આ ઉપરાંત યોગ અને પાઇલેટ્સ (એક પ્રકારની કસરત) કરું છું. શાકાહારી તો છું જ, પરંતુ છેલ્લાં ૧૬ વર્ષથી તો ડેરી પ્રોડક્ટ પણ છોડીને વીગન બન્યો છું.

મુંબઈ અને યુકે વચ્ચે સમય કેવી રીતે વહેંચો છો?

મારા અમુક પ્રોજેક્ટને લીધે યુકે અને યુરોપ જવું પડે છે. યુરોપમાં પ્રવાસ કરવો સહેલો છે. વર્ષમાં અડધો સમય અહીં મુંબઈમાં અને અડધો સમય ત્યાં વિતાવું છું.

ક્રિકેટર તરીકેની કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ કઈ?

કારકિર્દી ટૂંકી હતી, પણ ઘણી રસપ્રદ હતી. અમે ઘણી સિરીઝ તેમ જ વન-ડે મૅચો પણ જીત્યા હતા. ટીમના વિજયમાં મારું યોગદાન આપીને હું ઘણો સંતોષ અનુભવું છું. મેલબર્નમાં (૧૯૮૧) પગમાં ફ્રૅક્ચર હોવા છતાં મેં ૭૪ ઓવર બોલિંગ કરી હતી એ વાત યાદગાર હતી અને એ બાબત મને મારી કરીઅરમાં ખૂબ સંતોષજનક લાગી છે.

sports news sports cricket news