કોહલી હજીયે નૉટ-અવેલેબલ : શ્રેયસ આઉટ, જાડેજા-રાહુલ ઇન

11 February, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મૅચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં, ૨૩ ફેબ્રુઆરીથી રાંચીમાં અને પાંચમી ટેસ્ટ ૩ માર્ચે ધરમશાલામાં રમાશે.

ઇંડિયન ક્રિકેટ ટીમ પ્લેયર્સ

ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બાકીની ૩ ટેસ્ટ મૅચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ૧૭ સભ્યોની ભારતની ટીમ જાહેર કરી છે. ટીમમાં વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર બહાર થઈ ગયા છે, તો રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલની વાપસી થઈ છે.

વર્લ્ડ નંબર વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ બાકીની ત્રણેય ટેસ્ટ મૅચ રમશે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મૅચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં, ૨૩ ફેબ્રુઆરીથી રાંચીમાં અને પાંચમી ટેસ્ટ ૩ માર્ચે ધરમશાલામાં રમાશે.

કોહલીએ બ્રેક લંબાવ્યો
મળતી માહિતી પ્રમાણે બોર્ડની પસંદગી સમિતિની બેઠક શુક્રવારે સાંજે થઈ હતી. આ બેઠક પહેલાં કોહલીએ બોર્ડને પોતાનો નિર્ણય જણાવી દીધો હતો. કોહલી ભારત માટે અંતિમ મૅચ અફઘાનિસ્તાન સામે ૧૭ જાન્યુઆરીએ રમ્યો હતો. તેણે અંગત કારણસર સિરીઝની શરૂઆતની બે ટેસ્ટ મૅચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે તેણે અંગત કારણસર સિરીઝની બાકીની ૩ મૅચમાંથી પણ પોતાનું નામ પાછું લઈ લીધું છે. વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં પહેલી વાર હોમ ટેસ્ટ સિરીઝમાં એક પણ મૅચ નહીં રમે.

જાડેજા-રાહુલની વાપસી
બીજી ટેસ્ટમાંથી બહાર થયેલા ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલની બાકીની ત્રણેય ટેસ્ટ મૅચમાં વાપસી થઈ છે. બન્ને પહેલી ટેસ્ટ દરમ્યાન ઈજા પામ્યા હતા. જોકે બોર્ડે એમ જણાવ્યું છે કે જો બન્ને ફિટ હશે તો પ્લેઇંગ ઇલેવનમાં જોડાશે.

શ્રેયસ ઐયર ઇન્જર્ડ 
શ્રેયસ ઐયરે પીઠની ઈજાને કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું છે. તેણે બીજી ટેસ્ટ બાદ પીઠની ઈજાની ફરિયાદ કરી હતી. મહત્ત્વનું છે કે શ્રેયસ ઐયર સિરીઝની બે ટેસ્ટમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી ત્યારે તેના ભવિષ્યને લઈને પણ ઘણા પ્રશ્ન ઊઠી રહ્યા છે.

સિરાજની થઈ વાપસી
શરૂઆતની બે ટેસ્ટમાં ૧૫ વિકેટ લઈ ચૂકેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બાકીની ૩ ટેસ્ટમાં પણ રમશે. તે ગયા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. ટુર્નામેન્ટ પહેલાં તે ૧૮ મહિના સુધી ઈજાને કારણે ક્રિકેટથી બહાર રહ્યો હતો. એવામાં ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવામાં આવે એવું લાગી રહ્યું હતું.
બીજી તરફ સિરીઝની અંતિમ ૩ મૅચ માટે મોહમ્મદ સિરાજની પણ ટીમમાં વાપસી થઈ છે. ફાસ્ટ બોલરમાં બંગાળના આકાશ દીપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય પ્રદેશના આવેશ ખાનને રણજી ટ્રોફી માટે રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

પુજારાની ફરી અવગણના 
ગયા વર્ષે ભારત માટે સૌથી ખરાબ ફૉર્મમાં રહેલા ચેતેશ્વર પુજારાને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દેવાયો છે. ગયા વર્ષે પુજારાએ ઘરઆંગણે રમાયેલી તમામ ટેસ્ટમાં માત્ર એક અડધી સદી ફટકારી હતી. એને જોતાં આ સિરીઝમાં પહેલી બે ટેસ્ટ માટે જ્યારે ટીમની જાહેરાત થઈ ત્યારે અને આજે બાકીની ૩ ટેસ્ટ મૅચ માટે જાહેરાત થઈ ત્યારે પણ બોર્ડે પુજારાની અવગણના કરી છે. મહત્ત્વનું છે કે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીમાં પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ચાલુ રણજી સીઝનમાં તેણે પાંચ મૅચમાં ૮ ઇનિંગ્સમાં ૧ બેવડી સદી, ૧ સદી અને બે અડધી સદી સાથે કુલ ૫૨૮ રન કર્યા છે છતાં પુજારાની અવગણના તેના ટીમ ઇન્ડિયાના ભવિષ્યને લઈને પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે.

ભારતીય ટીમ
રોહિત શર્મા (સુકાની), જયસ્વાલ, શુભમન ગિલ, કે. એલ. રાહુલ, પાટીદાર, સરફરાઝ ખાન, કે. એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ, વૉશિંગ્ટન સુંદર, બુમરાહ, સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ.

sports news sports jasprit bumrah virat kohli indian cricket team australia