27 January, 2023 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષર પટેલ અને મેહા પટેલ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
ભારતમાં શિયાળાની સાથે જ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. એક પછી એક ભારતીય ક્રિકેટરોની પણ વિકેટ પડી રહી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty)એ 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel)એ વસંતપંચમીના શુભ દિવસે એટલે કે ૨૬ જાન્યુઆરીએ ડાયટિશિયન અને ન્યુટ્રિશ્યન મેહા પટેલ (Meha Patel) સાથે સાત ફેરા લીધા છે.
૨૬ જાન્યુઆરીએ દેશ જ્યારે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે અક્ષર પટેલે પ્રેમની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ઑલરાઉન્ડરે નાનપણની મિત્ર મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. જેના વીડિયો સોશ્યલ મિયા પર બહુ વાયરલ થયા છે. અક્ષર પટેલના લગ્ન ગુજરાતના વડોદરામાં હતા.
આ પણ વાંચો – લગ્નની તૈયારી જોરશોરમાં
ક્રિકેટરના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. લગ્ન ગુરુવારે રાતના હતા. તે પહેલા મહેંદી, હલ્દી અને સંગીત સેરેમની યોજાઈ હતી. વરઘોડામાં અને સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ બહુ જ સરસ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું. જેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
અક્ષર પટેલ અને મેહા પટેલે ગત વર્ષે ૨૦ જાન્યુઆરીના રોજ સગાઈ કરી હતી. અક્ષર પટેલ અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મેહા પટેલ વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે.
અક્ષરના લગ્નમાં સાથી ક્રિકેટર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) પણ પત્ની સાથે પહોંચ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર પણ શેર કરી છે. સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘નવપરણિતને ખુબ પ્રેમ અને ગુડ વાઇબ્સ. ક્લબમાં સ્વાગત છે.’
અક્ષર પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી હતી, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે ભારતીય ટીમે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. અક્ષરે લગ્ન માટે આ બંને શ્રેણીમાંથી બ્રેક લીધો છે.