સાઉથ આફ્રિકન મહિલાઓ સામે પહેલા દિવસે ૫૨૫ રન ખડકી દીધા ભારતીય વિમેને

29 June, 2024 08:35 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

શફાલી વર્માની તોફાની ડબલ સેન્ચુરી, સ્મૃતિ માન્ધના સાથે તેની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપ

સ્મૃતિ માન્ધના (૧૪૯ રન) અને શફાલી વર્મા (૧૪૧ રન) બન્નેએ ૩૧૨ બૉલમાં ૨૯૨ રનની પાર્ટનરશિપ કરી હતી

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમૅચમાં પહેલા દિવસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફક્ત ૪ વિકેટે ૫૨૫ રન ખડકી દીધા હતા. ૯૮ ઓવરમાં આટલા રન કરવાની સાથે ઇન્ડિયન ટીમે બે રેકૉર્ડ બનાવ્યા છે. ઓપનરો દ્વારા સૌથી વધુ રનનો રેકૉર્ડ પાકિસ્તાનની સાજિદા શાહ અને કિરણ બલોચના નામે હતો. ૨૦૦૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે બન્નેએ ૨૪૧ રનની પાર્ટનરશિપ કરી હતી. ૨૦ વર્ષ બાદ આ રેકૉર્ડ સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માએ તોડ્યો છે. સ્મૃતિએ ૧૪૯ રન અને શફાલીના ૧૪૧ રન દ્વારા બન્નેએ ૩૧૨ બૉલમાં ૨૯૨ રનની પાર્ટનરશિપ કરી હતી. હરમને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો લીધેલો નિર્ણય ભારત માટે ફાયદાકારક રહ્યો હતો, કારણ કે શફાલીએ ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ ભારતીય ટીમે બાવીસ વર્ષ જૂનો પોતાનો ૨૦૦૨નો ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં પ્રથમ ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર ૪૬૭ રનનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. આજે બીજા દિવસની શરૂઆતમાં જ ભારતીય ટીમ એક નવો રેકૉર્ડ પોતાના નામે કરી શકે છે. અત્યાર સુધી પહેલી ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના નામે છે જે ૫૭૫ રનનો છે. આ રેકૉર્ડ તોડવા માટે ભારતને ફક્ત ૫૧ રનની જરૂર છે. આ મૅચમાં જેમિમાએ પણ પંચાવન રન કર્યા હતા. હરમનપ્રીત (૪૨ રન) અને રિચા ઘોષ (૪૩ રન) ક્રીઝ પર છે.

indian womens cricket team india south africa chennai smriti mandhana harmanpreet kaur cricket news sports sports news