દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમની પહેલી વિમેન્સ મૅચ જીત્યું ભારત

25 October, 2024 09:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભારતે આપેલા ૨૨૮ રનના ટાર્ગેટ સામે ૧૬૮ રનમાં ઢેર થઈ ગઈ T20 વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની ટીમ

દીપ્તિ શર્માએ ૪૧ રન કર્યા બાદ ૩૫ રન આપીને એક વિકેટ લીધી હતી.

અમદાવાદના દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે પહેલી વાર આયોજિત ઇન્ટરનૅશનલ વિમેન્સ મૅચમાં ભારતે પહેલી જીત નોંધાવી હતી. ભારતીય ટીમ પહેલાં બૅટિંગ કરતાં ૪૪.૩ ઓવરમાં ૨૨૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવના નેતૃત્વમાં બોલર્સે T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડને ૪૦.૪ ઓવરમાં ૧૬૮ રનના સ્કોરે રોકી દીધી હતી. પહેલી વન-ડેમાં ૫૯ રનથી જીત મેળવીને ભારતીય ટીમે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. 

ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ૪૧ રન કર્યા બાદ ૯ ઓવરમાં ૩૫ રન આપીને એક વિકેટ લીધી હતી જેને કારણે તે સૌથી મોટા સ્ટેડિયમમાં વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચનો પ્લેયર ઑફ ધ અવૉર્ડ જીતનારી પહેલી ક્રિકેટર બની હતી. પુણેની મિડલ ઑર્ડર બૅટર તેજલ હસબનીસે સૌથી વધુ ૪૨ રન કરીને જેમિમા રૉડ્રિગ્સ (૩૫ રન) સાથે પાંચમી વિકેટ માટે ૬૧ રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતીય ટીમના બોલિંગ-અટૅકમાં રાધા યાદવે ૮.૪ ઓવરમાં ૩૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. મુંબઈની ઑલરાઉન્ડર સાયમા ઠાકોર બે રને આઉટ થઈ હતી, પણ ફાસ્ટ બોલિંગ કરતાં તેણે પહેલી મૅચમાં ૭ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી.

હરમનપ્રીત કેમ ન રમી શકી?


ભારતીય વિમેન્સ ટીમની રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત કૌરને T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન ગળામાં ઈજા થઈ હતી. એ ઈજામાંથી સ્વસ્થ થવા માટે તેણે પહેલી વન-ડેમાં આરામ માગ્યો હતો. તેની ગેરહાજરીમાં વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડની વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન સોફી ડિવાઇન સામે તેણે ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરી હતી. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ હરમનપ્રીતની કૅપ્ટન્સી પર તલવાર લટકી રહી છે.

અમદાવાદમાં બે મહારાષ્ટ્રિયન ક્રિકેટર્સે કર્યું ઇન્ટરનૅશનલ ડેબ્યુ

મુંબઈની સાયમા ઠાકોર (ડાબે) અને પુણેની તેજલ હસબનીસ.

અમદાવાદમાં વન-ડે સિરીઝની પહેલી મૅચમાં બે મહારાષ્ટ્રિયન ક્રિકેટર્સને વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. મુંબઈની ઑલરાઉન્ડર સાયમા ઠાકોર અને પુણેની મિડલ ઑર્ડર બૅટર તેજલ હસબનીસે ગઈ કાલે ભારત માટે વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ૨૮ વર્ષની સાયમાને જેમિમા રૉડ્રિગ્સે અને ૨૭ વર્ષની તેજલને સ્મૃતિ માન્ધનાએ ડેબ્યુ કૅપ આપી હતી.

india new zealand indian womens cricket team harmanpreet kaur ahmedabad narendra modi stadium t20 world cup t20 international cricket news sports news sports