ભારતીય મહિલા ટીમનો વન-ડેમાં વિશ્વવિક્રમ

05 July, 2022 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકેય વિકેટ ગુમાવ્યા વગર વિક્રમજનક ૧૭૪ રનના ચેઝ સાથે જીતી : રેણુકાની ૪ વિકેટ પછી મંધાના ૯૪ અને શેફાલી ૭૧ રન સાથે અણનમ : ભારતનો શ્રીલંકા સામે નવમો શ્રેણીવિજય

સ્મૃતિ મંધાના

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે પલ્લેકેલમાં શ્રીલંકાને ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડેમાં પણ હરાવીને શ્રેણીમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. ભારતે શ્રીલંકાને સતત નવમી સિરીઝમાં હરાવ્યું એનો જશ ખાસ કરીને ત્રણ ખેલાડીને આપવો પડે. રેણુકા સિંહે (૧૦-૧-૨૮-૪) મીડિયમ ફાસ્ટ બોલિંગથી તરખાટ મચાવ્યો ત્યાર પછી ઓપનર સ્મૃતિ મંધાના (અણનમ ૯૪, ૮૩ બૉલ, અેક સિક્સર, અગિયાર ફોર) અને શેફાલી વર્મા (અણનમ ૭૧, ૭૧ બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે ૧૭૪ રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

શ્રીલંકાની ટીમે બૅટિંગ મળ્યા પછી ૫૦ ઓવરમાં ૧૭૩ રન બનાવ્યા હતા. એ પછી ભારતે ૨૫.૪ ઓવરમાં ૧૭૪ રન બનાવી લીધા હતા. મહિલાઓની વન-ડેમાં એકેય વિકેટ ગુમાવ્યા વિના સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવેલા લક્ષ્યાંકોમાં ૧૭૪ રનનો આ ભારતીય લક્ષ્યાંક હાઇએસ્ટ છે. ભારતીય વિમેન્સ ટીમે ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામેનો ૧૬૪ રનનો પચીસ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો.

2
ભારતીય મહિલા ટીમ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ્સ-ટેબલમાં આટલા નંબરે આવી ગઈ છે.

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માને મળ્યાં બે-બે જીવતદાન

પલ્લેકેલમાં આગલા દિવસે ખૂબ વરસાદ હતો, પણ ગઈ કાલે હવામાન સતત સારું હતું. જો શ્રીલંકાની કૅપ્ટન ચામરી અથાપથ્થુ (૨૭ રન)ને મેઘના સિંહે વહેલી આઉટ ન કરી હોત તો શ્રીલંકાની ટીમ ૧૭૩થી વધુ રન બનાવી શકી હોત. મેઘનાએ નીલાક્ષી ડિસિલ્વા (૩૨ રન)ની મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. ભારતે જવાબમાં સજ્જડ શરૂઆત કરી હતી. પહેલી ૯ ઓવરમાં મંધાના-શેફાલી વચ્ચે ૫૦ રનની ભાગીદારી થઈ હતી. જોકે બન્ને ભારતીય ઓપનરને બે-બે જીવતદાન મળ્યાં હતાં.
શેફાલીનો કૅચ તે ૩૯ રન પર અને પંચાવન રને હતી ત્યારે છૂટ્યો હતો. મંધાનાને હાફ સેન્ચુરી પછી અને ફરી ૭૭મા રન પર જીવતદાન મળ્યું હતું. રેણુકા સિંહને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

sports sports news cricket news india indian womens cricket team