હર્લી ગાલા સાઉથ આફ્રિકામાં પણ ચમકી

28 December, 2022 03:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સ્ટારની વિદેશમાં ભારત વતી પહેલી મૅચ : અણનમ ૧૧ રન બનાવ્યા પછી એક વિકેટ પણ લીધી

હર્લી ગાલા

ભારતની અન્ડર-19 વિમેન્સ ટીમે ગઈ કાલે સાઉથ આફ્રિકાની અન્ડર-19 ટીમને પ્રિટોરિયામાં સિરીઝની પહેલી ટી૨૦માં ૫૪ રનથી હરાવીને ૧-૦થી સરસાઈ લીધી હતી. ૧૪ જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે અને એના રિહર્સલ તરીકે બન્ને દેશ વચ્ચે સિરીઝ રાખવામાં આવી છે, જેમાં ભારતે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી વિજય મેળવ્યો હતો. ભારતના ૧૩૭/૫ સામે યજમાન ટીમનો સ્કોર ૨૦મી ઓવરના અંતે ૮૩/૮ હતો.

કૅપ્ટન-ઓપનર શેફાલી વર્મા સિરીઝના પહેલા જ બૉલમાં આઉટ થઈ હતી. બૅટિંગમાં ખાસ કરીને શ્વેતા સેહરાવત (૩૯ બૉલમાં ૪૦ રન) અને સૌમ્યા તિવારી (૪૬ બૉલમાં ૪૦ રન)એ અને બોલિંગમાં અર્ચનાદેવી (૧૪ રનમાં ત્રણ વિકેટ)એ સૌથી મોટાં યોગદાન આપ્યાં હતાં. જોકે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર અને વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની હર્લી ગાલાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સનો પણ જીતમાં ફાળો હતો. તે ટી. સંધુ (૧૩ અણનમ) સાથે ૧૧ રન બનાવીને અણનમ રહી હતી અને ઇનિંગ્સની છેવટની પળોમાં ટીમને ખૂબ ઉપયોગી બની હતી. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્લીએ પછીથી ૧૩ રનમાં એક વિકેટ લઈને સાઉથ આફ્રિકન ટીમને ટાર્ગેટથી ખૂબ દૂર રાખવામાં પણ ભારતીય ટીમને મદદ કરી હતી. બીજી મૅચ આવતી કાલે પ્રિટોરિયામાં જ રમાશે.

sports news sports t20 international indian womens cricket team