વિદેશની ધરતી પર T20 સિરીઝની ૪ મૅચ જીતનારો પહેલો ભારતીય કૅપ્ટન બન્યો શુભમન ગિલ

15 July, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમી T20માં ભારતની ૪૨ રને જીત, ૪-૧થી સિરીઝ વિજય : T20 ઇન્ટરનૅશનલમાં પહેલા બૉલે બે સિક્સર ફટકારનાર ICCની ફુલ મેમ્બર ટીમનો પહેલો બૅટર બન્યો યશસ્વી જાયસવાલ

સતત ચોથી હાર સાથે ઝિમ્બાબ્વેએ ૪-૧થી સિરીઝ ગુમાવી હતી.

હરારે ક્રિકેટ સ્ટેડિયમમાં બૅક-ટુ-બૅક બીજી મૅચ રમનાર ભારતની યંગ બ્રિગેડે ગઈ કાલે પાંચમી T20માં ૪૨ રને જીત મેળવી હતી. સતત ચોથી હાર સાથે ઝિમ્બાબ્વેએ ૪-૧થી સિરીઝ ગુમાવી હતી. ભારતીય ટીમે પહેલાં બૅટિંગ કરીને ૬ વિકેટે ૧૬૭ રન કર્યા હતા. જવાબમાં ૧૮.૩ ઓવરમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૨૫ રને ઑલઆઉટ થઈ હતી. વિદેશની ધરતી પર T20 સિરીઝમાં ૪ મૅચ જીતનારો શુભમન ગિલ ભારતનો સૌપ્રથમ કૅપ્ટન બની ગયો છે.

મૅચના પહેલા બૉલ પર એક અનોખી ઘટના બની હતી. ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિંકદર રઝાએ ઓવરની શરૂઆત નો બૉલ સાથે કરી જેના પર યશસ્વી જાયસવાલે સિક્સર ફટકારી હતી. ઑફિશ્યલ બૉલ પર ફરી એક વાર સિક્સર ફટકારીને તેણે મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. ૧૨ રને આઉટ થનાર જાયસવાલે નો બૉલની મદદથી ટીમ માટે એક બૉલમાં ૧૩ રન બનાવી લીધા હતા. પ્રથમ બૉલમાં બે સિક્સર મારનાર તે T20 ઇન્ટરનૅશનલમાં ICCની ફુલ મેમ્બર ટીમમાંથી પ્રથમ બૅટર બન્યો. જાયસવાલ સિવાય આ રેકૉર્ડ અસોસિએટ ટીમ તાન્ઝાનિયાના ઇવાન સેલેમાનીના નામે હતો, જેણે ૨૦૨૨માં રવાન્ડા સામેની મૅચ દરમ્યાન આ રેકૉર્ડ હાંસલ કર્યો હતો.

૫૮ રનની ઇનિંગ્સ રમનાર વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને ૧૧૦ મીટરની આઉટ ઑફ ધ સ્ટેડિયમ સિક્સર ફટકારીને T20 ક્રિકેટમાં ૩૦૦ સિક્સર પૂર્ણ કરી હતી. ૨૬ રન બનાવીને બે વિકેટ લેનાર શિવમ દુબે ઑલરાઉન્ડર પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આખી સિરીઝમાં ૨૮ રન બનાવીને ૮ વિકેટ લેનાર વૉશિંગ્ટન સુંદર પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

india indian cricket team zimbabwe cricket news sports sports news shubman gill yashasvi jaiswal sanju samson shivam dube washington sundar