રબાડા સામે રોહિત ઝૂક્યો, પણ રાહુલ લડ્યો

27 December, 2023 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે માત્ર ૫૯ ઓવર થઈ શકી : વરસાદ અને પવનનાં વિઘ્નો વચ્ચે ભારતના ૮ વિકેટે ૨૦૮

કગીસૉ રબાડા , કે. એલ રાહુલ

સેન્ચુરિયનમાં ગઈ કાલે બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ (બપોરે ૧.૩૦ વાગ્યાથી લાઇવ)ના પ્રારંભિક દિવસે વરસાદ અને પછી બૅડ લાઇટની સમસ્યાને કારણે પૂરી ૬૦ ઓવર પણ નહોતી થઈ શકી અને ૫૯ ઓવરની રમતમાં ભારતે ૮ વિકેટે ૨૦૮ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (૧૭-૩-૪૪-૫) ગઈ કાલે ફીલ્ડિંગ સાઇડનો હીરો હતો, જ્યારે બૅટિંગ સાઇડનો હીરો હતો કે. એલ. રાહુલ (૭૦ નૉટઆઉટ, ૧૦૫ બૉલ, બે સિક્સર, દસ ફોર) જેણે છઠ્ઠા નંબરે બૅટિંગમાં આવ્યા પછી સામા છેડે એક પછી એક વિકેટ પડતી જોઈ હતી, પરંતુ પોતે રબાડા સહિતના તમામ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર્સની ખબર લઈ નાખી હતી અને એક છેડો સાચવી રાખ્યો હતો.

ગાંધી-મન્ડેલા ટ્રોફી માટેની આ ફ્રીડમ સિરીઝના પ્રથમ બે દિવસે (ગઈ કાલે અને આજે) ભારે વરસાદ પડવાની આગાહી છે. સેન્ચુરિયનમાં શરૂઆતથી જ વરસાદ વિલન બની શકે એવી બે દિવસ પહેલાં જ આગાહી થઈ હતી. ભારતે બૅટિંગ મળ્યા પછી વાદળિયા હવામાન અને તીવ્ર ઝડપે ફૂંકાતા પવન વચ્ચે પહેલી ત્રણ વિકેટ માત્ર ૨૪ રનમાં ગુમાવી દીધી હતી. ૧૩મા રને કૅપ્ટન રોહિત શર્મા (૧૪ બૉલમાં પાંચ રન)ની, ૨૩મા રને યશસ્વી જયસ્વાલ (૩૭ બૉલમાં ચાર ફોર સાથે ૧૭ રન)ની અને શુભમન ગિલ (૧૨ બૉલમાં બે રન)ની વિકેટ પડી હતી. જોકે ચોથા નંબર પર મોકલવામાં આવેલા અનુભવી બૅટર અને ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી (૩૮ રન, ૬૪ બૉલ, પાંચ ફોર)એ ધબડકો થોડો અટકાવ્યો હતો. તેણે શ્રેયસ ઐયર (૩૧ રન, ૫૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે મોટી ભાગીદારી કરવાની શરૂઆત કરી હતી.

કોહલી-ઐયરે આશા જગાવેલી
જોકે રોહિત શર્માને પરેશાન કરીને વિકેટ ફેંકી દેવા મજબૂર કરી ચૂકેલા રબાડાએ પહેલાં ઐયરને ક્લીન બોલ્ડ કર્યો હતો અને પછી કોહલીને વિકેટકીપર કાઇલ વરેઇનના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યાર બાદ રબાડાએ આર. અશ્વિન (૧૧ બૉલમાં બે ફોર સાથે ૮ રન) અને શાર્દૂલ ઠાકુર (૩૩ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૪ રન)ને પણ પૅવિલિયન ભેગા કર્યા હતા, પરંતુ રાહુલ ક્રીઝ પર ટકી રહ્યો હતો અને બુમરાહ (૧૯ બૉલમાં એક રન)ની વિકેટ બાદ રાહુલને રમતના અંત સુધી મોહમ્મદ સિરાજ (૧૦ બૉલમાં ૦ નૉટઆઉટ)નો સાથ મળ્યો હતો અને ૧૭ રનની ભાગીદારી સાથે કુલ સ્કોર ૨૦૦ રનને પાર કરાવીને ટીમની લાજ રાખી હતી.

ચારમાંથી ત્રણ ફાસ્ટ બોલરને વિકેટ મળી
સાઉથ આફ્રિકાની ટીમમાં ચાર ફાસ્ટ બોલર્સ છે. સ્પિનર એઇડન માર્કરમને બોલિંગ નહોતી અપાઈ. પહેલી જ ટેસ્ટ રમી રહેલા નાન્ડ્રે બર્ગરે ૫૦ રનમાં બે વિકેટ અને માર્કો યેનસેને બાવન રનમાં એક વિકેટ લીધી હતી. ચોથા ફાસ્ટ બોલર જેરાલ્ડ કૉએટ‍્ઝીને ૫૩ રનમાં વિકેટ નહોતી મળી.

જાડેજા કેમ ન રમ્યો?
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આ મૅચમાં રમવા મળવાનું હતું, પરંતુ પીઠના દુખાવાને કારણે છેલ્લી ઘડીએ તેણે રમવાનું માંડી  વાળ્યું હતું અને આર. અશ્વિનને મોકો મળી ગયો હતો. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ ડેવિડ બેડિંગમ, નાન્ડ્રે બર્ગરને ડેબ્યુની તક આપી હતી.

રોહિતને ટેસ્ટમાં પુલ શૉટ નથી ફળ્યો : ત્રણ વર્ષમાં છઠ્ઠી વાર ગુમાવી વિકેટ
રોહિત શર્મા ગઈ કાલે ૧૩ના અનલકી મનાતા આંકડા પર પોતાના પાંચ રનના સ્કોરે આઉટ થયો હતો. કૅગિસો રબાડાના બૉલમાં પુલ શૉટ મારવાના પ્રયાસમાં તે લૉન્ગ લેગ પર નવા ખેલાડી નાન્ડ્રે બર્ગરને કૅચ આપી બેઠો હતો. ત્રણેય ફૉર્મેટમાં ઘણી વાર રબાડાનો શિકાર થયેલો રોહિત લિમિટેડ ઓવર્સની મૅચોમાં પુલ શૉટમાં રન બનાવી લેવામાં માહિર છે, પરંતુ ટેસ્ટમાં તેને કોણ જાણે આ પ્રકારના શૉટ નથી ફાવતા. છેલ્લાં ત્રણ વર્ષમાં તે છ વખત ટેસ્ટ ઇનિંગ્સમાં પુલ શૉટમાં કૅચ આપી બેઠો છે. ખાસ કરીને તે ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં પુલ શૉટમાં વિકેટ આપી બેઠો છે.

sports news indian cricket team test cricket shreyas iyer kagiso rabada