12 November, 2024 09:03 AM IST | Gqeberha | Gujarati Mid-day Correspondent
ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ ૪૭ રન ફટકારીને ભારતની જીત છીનવી લીધી હતી
૧૦ નવેમ્બરે સાઉથ આફ્રિકા સામેની બીજી T20માં ત્રણ વિકેટે ભારતની હાર થતાં ચાર મૅચની સિરીઝ ૧-૧થી બરાબર થઈ છે. આ હાર સાથે ભારતીય ટીમનો સતત ૧૧ મૅચથી ચાલતો T20નો વિજયરથ અટક્યો છે. આ વર્ષે ભારત ૨૪ T20 મૅચમાંથી માત્ર બે મૅચ હાર્યું છે અને એક મૅચ ટાઇ રહી છે. આ પહેલાં જુલાઈ ૨૦૨૪માં ઝિમ્બાબ્વેએ આ વર્ષે ભારતને પહેલી વાર હરાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૪માં બૅન્ગલોરમાં અફઘાનિસ્તાન સામે એક મૅચ ટાઇ રહી હતી. T20માં સૌથી વધુ સતત ૧૬ મૅચ જીતવાનો રેકૉર્ડ સ્પેનના નામે છે જેણે ફેબ્રુઆરી ૨૦૨૩થી ઑગસ્ટ ૨૦૨૪ સુધી આ કમાલ કરી હતી.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના બૅટર્સ ફ્લૉપ રહ્યા હતા. સંજુ સૅમસન ઝીરો રન, અભિષેક શર્મા અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ચાર-ચાર રન, રિન્કુ સિંહે ૯ રન ફટકારીને સાધારણ પ્રદર્શન કર્યું હતું. એક સમયે તિલક વર્મા (૨૦ રન) અને અક્ષર પટેલે (૨૭ રન) ઇનિંગ્સ સંભાળી હતી. સૌથી વધારે રન ફટકારનાર હાર્દિક પંડ્યા (૩૯ રન)એ અર્શદીપ સિંહ (૭ રન) સાથે મળીને ભારતનો સ્કોર ૧૨૪/૬ સુધી પહોંચાડ્યો હતો. ત્યાર બાદ વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી હતી એ છતાં ભારતીય ટીમ ૧૯મી ઓવરમાં સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી.