રિન્કુ કે પાટીદાર? આજે કોને વન-ડેના ડેબ્યુનો મોકો?

19 December, 2023 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રેયસ ટેસ્ટની તૈયારીમાં બિઝી હોવાથી આજની બીજી વન-ડેમાં નહીં રમે એટલે તેની જગ્યાએ રમવા જોરદાર હરીફાઈ :તિલકને ડ્રૉપ કરાશે તો બન્નેને ડેબ્યુ કરવા મળશે : ભારતને સિરીઝ જીતવાની મળશે તક

રિન્કુ સિંહ, રજત પાટીદાર

સાઉથ આફ્રિકામાં ગેબેખા એટલે જૂનું પોર્ટ એલિઝાબેથ જ્યાં આજે ભારતની સાઉથ આફ્રિકા સામેની ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડે રમાવાની છે. આ મૅચ એ સ્થળ છે જ્યાં ગયા મંગળવારે સાઉથ આફ્રિકાએ વરસાદનાં વિઘ્ન વચ્ચે ભારતને બીજી ટી૨૦માં ૭ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. જોકે એ મૅચમાં લેફ્ટ-હૅન્ડ બૅટર રિન્કુ સિંહ (૬૮ અણનમ, ૩૯ બૉલ, બે સિક‍્સર નવ ફોર)એ યેનસેન, ફેહલુકવાયો, વિલિયમ્સ, કોએટ‍્ઝી વગેરે બોલર્સને પરચો બતાવી દીધો હતો. પહેલી ડિસેમ્બરે રાયપુરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦માં ૨૯ બૉલમાં ૪૬ રન બનાવીને જીતનો પાયો નાખી આપનાર રિન્કુ ગુરુવારે ૧૪ ડિસેમ્બરે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ૧-૧થી લેવલ કરતી મૅચમાં પણ ભારતની જીતનો સાક્ષી બન્યો હતો.
વાત એમ છે કે શ્રેયસ ઐયર રવિવારની પ્રથમ વન-ડેમાં રમ્યો હતો અને એમાં તેણે ૪૫ બૉલમાં બાવન રન બનાવીને ભારતની જીત આસાન બનાવી હતી, પરંતુ તે હવે ૨૬ ડિસેમ્બરે શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ માટેની તૈયારી કરી રહ્યો હોવાથી વન-ડે ટીમમાં તેનું સ્થાન ખાલી પડ્યું છે જે ભરવા માટે રિન્કુ સિંહ અને રાઇટ-હૅન્ડ બૅટર રજત પાટીદાર વચ્ચે હરીફાઈ જોવા મળશે.આજે ભારતીય ટીમ જીતીને અત્યારથી જ સિરીઝની ટ્રોફી પર કબજો કરવા કમર કસીને રમશે.

રિન્કુ ભારત વતી ૧૨ ટી૨૦ રમ્યો છે
ઉત્તર પ્રદેશના અલીગઢના ૨૬ વર્ષના મિડલ-ઑર્ડર બૅટર (નંબર-૬) રિન્કુને કરોડો ચાહકો વધુ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમતો જોવા માગે છે એટલે આજે તેને બૅટિંગનું ફૉર્મ જાળવી રાખવાની તક આપવા શ્રેયસની જગ્યાએ રમાડવામાં આવે એવી સંભાવના છે. આઇપીએલનો પિન્ચ હિટર રિન્કુ ભારત વતી ૧૨ ટી૨૦ રમ્યો છે, પણ તેને હજી સુધી વન-ડે નથી રમવા મળી જે આજે રમવા મળે તો નવાઈ નહીં. સાઉથ આફ્રિકાની પિચ પર બૉલ વધુ ઊછળતા હોય છે અને એની સામે તેણે ગજબનાં ટેક્નિક અને ટેમ્પરામેન્ટ બતાવ્યાં છે.

પાટીદારને પગની ઈજા નડેલી

જોકે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરનો ૩૦ વર્ષની ઉંમરનો ટૉપ-ઑર્ડર બૅટર (નંબર-૪) રજત પાટીદાર પણ આઇપીએલ-સ્ટાર છે. તેને હજી સુધી ભારત વતી એકેય ઇન્ટરનૅશનલ મૅચ નથી રમવા મળી, પરંતુ આજે શ્રેયસ ઐયરના સ્થાને તેને રમવાની તક મળી શકે એવી શક્યતા છે. ૨૦૨૨માં તેનો ભારતીય સ્ક્વૉડમાં સમાવેશ કરાયો હતો, પરંતુ તેને રમવા નહોતું મળ્યું. પગમાં સર્જરી કરાવી હોવાથી તેનું લગભગ એક વર્ષ બગડ્યું હતું.

જો આજે તિલક વર્માને પડતો મૂકવામાં આવશે તો રિન્કુ અને પાટીદાર બન્નેને એકસાથે ડેબ્યુ કરવાનો મોકો મળી શકશે. તિલક હજી માત્ર બે વન-ડે રમ્યો છે જેમાં તેના માત્ર ૬ રન છે. રવિવારની વન-ડેમાં તે એક રને અણનમ રહ્યો હતો. કે. એલ. રાહુલના નેતૃત્વવાળી ટીમમાં ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ફિક્સ જણાય છે. બોલિંગમાં મુકેશ કુમારના સ્થાને બેન્ગૉલના જ આકાશદીપને ઇલેવનમાં રમાડાશે તો નવાઈ નહીં. સ્પિન ડિપાર્ટમેન્ટમાં અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેઓ ટેસ્ટની ટીમમાં નથી તેમને આજે રમવાની તક મળશે તો જરાય જતી નહીં કરે. જોકે કૅપ્ટન કે. એલ. રાહુલ અને કાર્યવાહક હેડ-કોચ સિતાંશુ કોટક પાસે અજમાવવા માટે યુઝવેન્દ્ર ચહલ પણ છે. સાઉથ આફ્રિકામાં ચહલનું એકમાત્ર વન-ડે સિરીઝની ટીમમાં સિલેક્શન થયું છે.

sports news indian cricket team sports rinku singh rajat patidar cricket news south africa